• Gujarati News
  • Advani Had In 2013 Filed A Complaint Under Provisions Of Domestic Violence Act

હાઈકોર્ટે અક્ષય કુમાર, ડિમ્પલ કાપડિયા સામેનો ડોમેસ્ટિક વાયોલન્સ કેસ રદ્દ કર્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ તસવીરઃ અક્ષય કુમાર, અનિતા અડવાણી)
મુંબઈઃ સ્વ. રાજેશ ખન્નાની પત્ની ડિમ્પલ કાપડિયા, પુત્રી ટ્વિંકલ ખન્ના તથા જમાઈ અક્ષય કુમારને મુંબઈ હાઈકોર્ટના નિર્ણયથી રાહત મળી છે. સ્વ. રાજેશ ખન્નાની કહેવાતી લીવ-ઈન પાર્ટનર અનિતા અડવાણીએ ડિમ્પલ, ટ્વિંકલ તથા અક્ષય સામે ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદ નીચલી અદાલતમાં નોંધાવી હતી પરંતુ હાઈકોર્ટ આ કેસ રદ્દ કરી નાખ્યો છે.

જસ્ટિસ એમ એલ તહલિયાનીએ ડિમ્પલ, ટ્વિંકલ તથા અક્ષયની કેસ રદ્દ કરતી પીટીશનને માન્ય ઠેરવી છે. જસ્ટિસ તહલિયાનીએ એ વાત નોંધી કે અનિતા તથા રાજેશ ખન્નાના સંબંધો લગ્ન કે તે પ્રકારના નથી અને તેથી જ તેને ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ કોઈ રાહત મેળવવાનો કેસ કરી શકે નહીં.

નોંધનીય છે કે 2013માં અનિતા અડવાણીએ મેજીસ્ટ્રેટ પાસે ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદ ડિમ્પલ, ટ્વિંકલ, રિંકી તથા અક્ષય વિરૂદ્ધ કરી હતી. અનિતાએ દાવો કર્યો હતો કે રાજેશ ખન્નાના મોત બાદ તેને બંગલા આર્શીવાદમાંથી કાઢી મૂકવામાં આવી હતી. હાલમાં તે બ્રાંદ્રામાં ત્રણ બેડરૂમના ફ્લેટમાં રહે છે.

મેજીસ્ટ્રેટે આ તમામને નોટિસ ફટકારી હતી. ત્યારબાદ અક્ષય, ડિમ્પલ તથા ટ્વિંકલે હાઈકોર્ટમાં આ કેસને રદ્દ કરવાની પીટીશન કરી હતી. હાઈકોર્ટે આ વર્ષની શરૂઆતમાં રિંકી ખન્ના સામેનો કેસ રદ્દ કરી નાખ્યો હતો. રિંકી કોલકાતામાં રહે છે અને તેની ડોમેસ્ટિક વાયલોન્સ હેઠળ કેસ કરી શકાય નહીં.

સીનિયર વકીલ શીરીષ ગુપ્તે તથા મહેશ જેઠમલાણીએ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે ડિમ્પલ, અક્ષય તથા ટ્વિંકલ અનિતા તથા રાજેશ ખન્ના સાથે રહેતા નહોતાં. વધુમાં શીરીષ ગુપ્તેએ દલીલ કરી હતી કે જે સ્ત્રી પરણિત પુરૂષ સાથે લીવ-ઈનમાં રહેતી હોય તે ક્યારેય ડોમેસ્ટિક વાયોલન્સ હેઠળ ફરિયાદ કરી શકે નહીં. ખન્ના અને અડવાણીના સંબંધોને વ્યભિચાર યુક્ત કહી શકાય, તેમ ગુપ્તેએ કોર્ટમાં દલીલ કરી હતી.