ફિલ્મ રિવ્યૂ: ઉંગલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધારો કે યુ એસ પીઝા, ડોમિનોઝ અને પીત્ઝા હટની સામે મેદાનમાં પડવા કોઈ લોકલ વેન્ડર બધાથી મનરાળો પીઝા આપવા માટે ન્યુટ્રીશન ન વાળા દીદીના-આદુ-કરિયાતુંથી ભરપુર પીઝા શોપ ચાલુ કરે તો કેવું લાગે? ‘ઉંગલી’ જોતા એવી જ ફીલલિંગ આવે.
ફિલ્મ ઇતિહાસમાં માઇલસ્ટોન સમાન આવી ગયેલી ફિલ્મ્સને લીધે તે સિયે જેટલો ફાયદો થયો હોય તો એટલો જ ગેરફાયદો એ મુવીના અક્કલ વગરના અનુકરણને લીધે ભવિષ્યમાં થાય. ‘રંગ દે બસંતી’ એ એવી ફિલ્મનું ઉદાહરણ. રંગ દે બસંતી ન આવ્યું હોત તો આજકાલ કોઈપણ વિરોધ માટે પ્રાથમિક પગલું ગણાતી કેન્ડલ માર્ચ આટલી ફેમસ થઇ હોત? અને આ 'રંગ દે બસંતી'ના મૂળ તત્વની કહેવાતી પ્રેરણારૂપ કોપી કેટલા બધા ફિલ્મ્સમાં ૨૦૦૬ પછી આપણે જોઈ ગયા. અને એવી બધી કોપીકેટ ફિલ્મ્સ કેટલી શુદ્ધ સ્વરૂપમાં ભાંગાર હતી. એમાં હજુ એક નામ ઉમેરો: ‘ઉંગલી’.
જેવું નામ એવું ફિલ્મ. ઉપરની ‘મલાઈ’ ન મળવાને કારણે વૃદ્ધ સજ્જનની પેન્શન નની ફાઈલ દબાવીને બેઠેલા કરપ્ટ સરકારી કર્મચારીઓ, યોગ્ય લાયકાત ચકાસ્યા વિના પણ ટેબલ નીચેની મીઠાઇ મળતા ઇસ્યુ કરી દેનાર ભ્રષ્ટાચારી આરટીઓના અમલદારો, દાદાગીરીથી ડબલ ભાડું વસુલતા ઓટોરીક્ષાચાલકો, લાંચ લેતા ટ્રાફિક હવલદારો એ બધાને માસ્ક પહેરેલા ત્રણ યુવાન છોકરા અને એક લેડી મેડીકલ ઇન્ટર્ન મારુતિવેનની યાદ અપાવે એવી જ ગાડીમાં કરપ્ટ લોકોને કિડનેપ કરે, એમને એમની જ રીતનો સબક શીખવાડે, એ સબક શીખવાડતા હોય ત્યારે એનો વીડીયો ઉતારે અને પછી એ વીડિયોમાં પોતે પણ થોડું લેક્ચર આપે, એ વીડીયોની સીડી ન્યુઝ ચેનલને આપે, અને પોલીસ આવે ત્યાં સુધી ભાગી જાય.

આખી ફિલ્મની વાર્તા આ ફકરામાં આવી ગઇ. અને કાયદાકાનુનની લોકો ઈજ્જત કરે એ માટે કાયદો હાથમાં લેવાનું આ ઉંગલી ગેંગને સુઝ્યું ક્યાંથી? તો કહે ભાઈ, એ લોકોનો જે જીમનો જે કોચ હતો, એમની સાથે એ બધાને બહુ લગાવ થઇ ગયેલો અને એની સાથે અન્યાયી રીતે એક હાદસો થતા એ કોમામાં સારી પડયો, એ કોમામાંથી ઉઠે તો એની સામું ગર્વભેર એના દોસ્તો કહી શકે કે અમે કાંઇક સારું કર્યું. પોતાના કારસ્તાન પાછળનું જસ્ટીફીકેશન ન આ આપ્યું છે આપણને. રણદીપ હુડા, કાંગના રાણાવત, અંગદ બેદી અને નીલ ભુપાલિ આ ચાર ઉંગલી ગેંગના સ્થાપક. ACP બનેલ સાંજય દત્ત એના હાથ નીચેના પોલીસ ઇન્સ્પેકટર ઇમરાન હાશ્મીને આ કેસ સોંપે અને હાશ્મી ખોટું બોલીને ગેંગમાં જોડાય. પછી એમને અરેસ્ટ કરાવવાને બદલે એમની સાથે સહાનુભુતિ થઇ જાય. અને ક્લાઈમેક્સ તો ખુદ ACP બનેલ સંજય દત્ત આ ઉંગલી ગેંગની મદદ લે. ઓફો!

કોલેજમાં થતી કલ્ચરલ એક્ટીવીટીમાં પણ આના કરતા મેચ્યોર અને વાસ્તવિક વાર્તા ઉપર નાટકો થતા હોય છે. અને ‘ઉંગલી’માં હાશ્મી એક રોડ ઉપર બોમ્બથી ખાડા પાડે છે. અને આમ જોવા જોઈએ તો એ રોડ કરતા આખા મુવીમાં વધુ ખાડા છે. નેહા ધૂપિયા અને રણદીપ હુડા એક ન્યુઝ ચેનલમાં પત્રકાર તરીકે કામ કરે છે. અને ઈન્ટરવલ પછી આપણે બીજી જ ચેનલ જોઈએ. નામ ‘તેઝ’માંથી ‘આજ તક’ થઇ જાય. ન્યુઝ ચેનલમાં કામ કરતો રણદીપ હુડા, પોલીસને એવી ધમકી આપે કે FIR નહિ લખો તો તમારા બધાની હરામખોરી ‘ફ્રન્ટ પેજ’ પર નાખી દઈશ. (અમને વિચાર આવે, કઈ ન્યુઝ ચેનલ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં એટલી આગળ વધી ગઈ છે કે ટીવી ચેનલને પણ ‘ફ્રન્ટ પેજ’ હોય.) ડોન બનેલો મહેશ માંજરેકર પોતાના ઘરમાં કરોડો રૂપિયા ગોદરેજના કબાટમાં રાખે અને એ પણ કબાટના દરવાજા ખુલ્લા રાખીને! કંગના રાણાવત આખા મુવીમાં ટોટલ ૨૦ વાક્યો પણ નહિં બોલતી હોય. કાંગના માંડ ટોટલ સાડા સાત મિનીટ માટે આવે છે. અને મુવીના જે ડાયલોગ્સ છે બોસ્સ. ૨૦૧૪ ના ખરાબમાં ખરાબ ડાયલોગ આ મુવીમાં લખાયા છે. સાંજય દત્ત જેવા કલાકારને આવા રોલમાં જોઈ દિલમાથી દયાની સરવાણી ફૂટે છે.
ઇન શોર્ટ, કરણ જોહર પાસે પૈસા વધી પડયા છે માટે આવી નોનસેન્સ ફિલ્મ બનાવે છે. શ્રદ્ધા કપૂરનું આઈટમ સોંગ, અને ત્રણ-ચાર મ્યુઝીક ડાયરેકટર્સનું મ્યુઝીક પણ ‘ઉંગલી’ને કાપતા રોકી નથી શકતું. ૧૫ થી ૧૯ વર્ચ સુધીના કિશોરોને (કે એટલી જ ઉંમરનું દિમાગ ધરાવતા પુખ્તોને) કદાચ ગમે. બાકી તો ‘ઉંગલી’ એના શિર્ષકની જેમ સેન્સીબલ ઓડીયન્સને મિડલ ફિંગર જ બતાવે છે. બાકી હરી હરી. એ નાના બાળકો અને કિશોરો માટે થઇને જ 'ઉંગલી'ને ૩ સ્ટાર્સ.