ફિલ્મ રિવ્યૂઃ ઇશ્ક ઇન પેરિસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફિલ્મ રિવ્યૂઃ ઇશ્ક ઇન પેરિસ
સ્ટારકાસ્ટઃ પ્રિટી ઝિન્ટા, ગૌરવ ચનાના
રેટિંગઃ 1
નિર્માતાઃ પ્રિટી ઝિન્ટા
ડિરેક્ટરઃ પ્રેમ રાજ
સંગીત ડિરેક્ટરઃ સાજિદ-વાજિદ
પ્રકારઃ રોમેન્ટિક

એક હીરો અને હિરોઇન છે જે એકબીજાથી અજાણ્યા છે અને તેમને એકબીજામાં કોઈ જ રસ નથી. તેઓ પેરિસમાં એકસાથે સમય પસાર કરે છે. તેમની પાસે એક ખાસ પ્રકારનો પાસો છે જેની દરેક બાજુ પર એક ખાસ કામ લખેલું છે જેમકે મૂવી, ડિનર, કોફી, સેક્સ વગેરે.

હીરો અને હિરોઇન અમુક કલાકો પછી આ પાસો ફેરવીને ચેક કરી લે છે કે હવે તેમણે શું કરવું જોઇએ. એક વખત આ પાસો તેમને જણાવે છે કે હવે તેમણે ફિલ્મ જોવી જોઈએ પણ ત્યારે રાતના ત્રણ વાગ્યા હોય છે. આ સમયે હિરોઇન હીરોને કહે છે કે અત્યારે આપણે ફિલ્મ તો ન જોઈ શકીએ પણ આપણી ફિલ્મ બનાવી તો શકીએ ને. જોકે તેમને ઉટપટાંગ રીતે પોતાની ફિલ્મ બનાવતા જોવા એ કોઈ ટોર્ચરથી ઓછું નથી. જોકે આખી ફિલ્મ જોવાનો અનુભવ જ ટોર્ચર જેવો છે.

આ ફિલ્મની હિરોઇન છે પ્રિટી ઝિન્ટા અને ફિલ્મનું નામ છે ‘ઇશ્ક ઇન પેરિસ’. ફિલ્મમાં પ્રિટી એક ઇશ્ક નામની એક યુવતીનો રોલ કરી રહી છે જે અડધી ભારતીય છે. ફિલ્મમાં પ્રિટી પોતાની ફ્રેન્ચ માતાનો રોલ પણ ભજવે છે. ફિલ્મની નિર્માતા તેમજ સ્ક્રીનપ્લે લેખક અને સંવાદ લેખક પણ પ્રિટી પોતે જ છે.

ફિલ્મનો બિચારો હીરો (ગૌરવ ચનાના) ફિલ્મમાં કોઈ ખૂણામાં ઉભો રહે છે. ફિલ્મમાં મોટાભાગનો સમય તે દબાયેલો દેખાય છે જ્યારે પ્રિટી આખી ફિલ્મમાં સતત બડબડ કરતી, સ્માઇલ કરતી અને નાચતી-કુદતી જોવા મળે છે. પ્રિટી ફિલ્મમાં હીરોને એ-કેશ કહીને બોલાવે છે કારણ કે તેનું નામ આકાશ હોય છે!

ફિલ્મમાં હીરો અને હિરોઇનની મુલાકાત એક ટ્રેનમાં થાય છે અને પછી તેઓ વાયદા પ્રમાણે આખી રાત પેરિસના રસ્તાઓ પર ફરતાં ફરતાં પસાર કરે છે અને ભવિષ્યમાં ક્યારેય એકબીજાને ન મળવાનો નિર્ણય કરે છે. રિચર્ડ લિંકલેટરની ફિલ્મ ‘બિફોર સનરાઇઝ’ (1995)ની વાર્તા પણ આવી જ હતી અને ફિલ્મ વિયેનામાં શૂટ કરવામાં આવી હતી.

ત્યારબાદ એની સિક્વલ ‘બિફોર સનસેટ’ (2004) પણ બની હતી જે પેરિસમાં શૂટ કરવામાં આવી હતી. આ ફિલ્મનો ત્રીજો ભાગ ‘બિફોર મિડનાઇટ’ આ વર્ષે રિલીઝ થયો છે. જોકે આ થીમવાળી મારી પસંદગીની ફિલ્મ બર્નાડો વેર્તોલુચ્ચીની ‘લાસ્ટ ટેંગો ઇન પેરિસ’ છે.

માર્લોન બ્રાન્ડોની એક્ટિંગવાળી આ ફિલ્મ 1973માં રિલીઝ થઈ હતી અને એણે અમેરિકાના નૈતિકતાવાદીઓને હલાવી દીધા હતા. જોકે આ ફિલ્મ સંપૂર્ણપણે સેક્સ પર આધારિત હતી.

‘ઇશ્ક ઇન પેરિસ’ એક એવી એકલી મહિલાની વાત છે જે બોલીવુડ અને સલમાન ખાનની મોટી ફેન છે પણ લગ્નથી તેને બહુ નફરત છે કારણ કે લગ્ન જ તલાકનું કારણ બની જાય છે. શું ખરેખર આવું શક્ય છે?

હાલમાં પ્રિટી ઝિન્ટાની ઉંમર 40 વર્ષની આસપાસ છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આટલી ઉંમરની હિરોઇનો માટે ભૂમિકાઓ લખવામાં નથી આવતી. કદાચ એટલે જ પ્રિટીએ આ ફિલ્મની વાર્તા પોતે લખી છે. એક્ટ્રેસ તરીકે પ્રિટીની કરિયર એકદમ શાનદાર છે.

પ્રિટીએ મણિરત્નમની ‘દિલ સે’થી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેના પિતાની ભૂમિકા ભજવવાવાળા શેખર કપૂરે જ પ્રિટીને બોલીવુડમાં એન્ટ્રી અપાવી હતી. આ ફિલ્મમાં હીરોનો રોલ કરવાવાળો ગૌરવ ચનાના આ પહેલાં ‘દિલ ચાહતા હૈં’માં એક નાના રોલમાં જોવા મળ્યો હતો.

જોકે પ્રિટીના ગૌરવશાળી ભૂતકાળનો તેની આ બોરીંગ ફિલ્મ સાથે કોઈ સંબંધ નથી પણ એ શો બિઝનેસની ક્રુરતા તરફ નિર્દેશ કરે છે. આવું કોઈ પણ વ્યક્તિ સાથે થઈ શકે છે. અંગ્રેજમાં કહેવત છે ને કે ‘હિટ હેપન્સ, ધેન શિટ હેપન્સ’. આ ખરેખર અફસોસની વાત છે.