Exclusive: અનિલ અંબાણી વેચશે ફિલ્મ બિઝનેસમાં ભાગીદારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીર: અનિલ અંબાણી)
મુંબઇ: દસ વર્ષ પહેલા સિનેમા વ્યવસાયમાં આક્રમક રીતે આવેલી અનિલ અંબાણીની કંપની રિલાયન્સ હવે જુદા-જુદા વિભાગોની ભાગીદારી વેચવાની પ્રક્રિયામાં છે. સૂત્રોનું માનીએ, તો લાગે છે કે તે માત્ર ફિલ્મ નિર્માણનું જ કામ કરશે.
અત્યારે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ફિલ્મ બિઝનેસના ત્રણ ક્ષેત્રોમાં સક્રિય છે. 'રિલાયન્સ મીડિયા વર્ક્સ' નામથી તેમની લેબ અને પોસ્ટ પ્રોડક્શન સ્ટૂડિયો છે. 'બિગ સિનેમાઝ' મલ્ટીપ્લેક્સ અને સિંગલ સ્ક્રીનની ચેન છે, જેમાં કુલ 98 સિનેમાઘરોનો સમાવેશ થાય છે. 'રિલાયન્સ બિગ પિક્ચર્સ' હેઠળ ફિલ્મ નિર્માણ અને વિતરણ થાય છે. એક દાયકા પહેલા અનિલે આ ત્રણેય કંપનીઓ મનમોહન શેટ્ટીના 'એડલેબ્સ' ગ્રુપથી ખરીદી હતી. હવે તેઓ આમાં ભાગીદારી વેચવા જઇ રહ્યાં છે.

ઇન્ડસ્ટ્રીમાં અધિગ્રહણનો સમય છે. પીવીઆર મલ્ટીપ્લેક્સે સિનેમેક્સને, આઇનોક્સે સત્યમ અને ફેમ મલ્ટીપ્લેક્સને અને દક્ષિણની ચેન કાર્નિવલ સિનેમા બ્રોડવે મલ્ટીપ્લેક્સને પોતાના ગ્રુપમાં ભેળવી લીધા. અંબાણીના બિગ સિનેમાઝ પર બધાની નજર છે અને વાતચીત ચાલુ છે, પણ અનિલ અંબાણી સિનેમા સાથે જોડાયેલો કોઇપણ વ્યવસાય પૂરી રીતે છોડવા નથી માગતાં.
સૂત્રોનું માનીએ તો ટેકઓવર કરનાર કંપનીને રિલાયન્સ માત્ર મેનેજમેન્ટ કંટ્રોલ જ આપવા માગે છે. સિનેમાઘરોમાં આજે ફિલ્મ્સ સેટેલાઇટ દ્વારા બતાડવામાં આવે છે, આથી તેમની લેબનું કામ લગભગ પૂરું થઇ ગયું છે. અનિલે રિલાયન્સ મીડિયા વર્ક્સને સ્પર્ધક 'પ્રાઇમ ફોકસ' સાથે જોડી દીધી. તેમને પ્રાઇમ ફોકસમાં ભાગીદારી મળી ગઇ, જે દેશનો નંબર વન પોસ્ટ પ્રોડક્શન સ્ટૂડિયો છે.
રિલાયન્સ આવું જ બિગ સિનેમામાં કરવા માગે છે. પીવીઆર, સિનેપોલીસ અને આઇનોક્સ સાથે વાતચીતનો અંતિમ દોર ચાલુ છે. 98 સિનેમાઘરોવાળી કંપનીનો ભાવ વધારે હશે. જે પણ ગ્રુપ જોડશે તેના પાવરમાં વધારો થશે. સિનેમેક્સ, ફેમ અને સત્યમના માલિકોએ મોટી કિંમતના બદલે આખી કંપની વેચી દીધી, પણ અનિલનો ગ્રુપ આની સાથે જવા નથી માગતો. તે મર્જ પછી ગઢબંધનમાં પોતાની ભાગીદારી સતત રાખવા માગે છે. સૂત્રો જણાવે છે કે ટૂંક સમયમાં મોટી કિંમત પર કોઇ એક મોટા મલ્ટીપ્લેક્સ સાથે જોડાણ થશે. એટલે સિનેમા સાથે જોડાયેલા ત્રણમાંથી બે વિભાગ ભાગીદારીવાળા થઇ જશે.
સમૂહની ત્રીજી કંપની રિલાયન્સ બિગ પિક્ચર્સ ફિલ્મ નિર્માણ અને વિતરણમાં સક્રિય છે. તેણે 'બોડીગાર્ડ', 'સિંઘમ', 'રોક ઓન', 'ધમાલ' જેવી 50 ફિલ્મ્સ પ્રોડ્યૂસ કરી છે. કેટલીક ફિલ્મ્સ તેણે ભાગીદારીમાં બનાવી. 50થી વધુ ફિલ્મ્સ કરનારી આ કંપનીની કિંમત પણ વધુ હશે. સેટેલાઇટ, વિદેશી ટીવી અધિકાર અને સંગીત રાઇટ્સથી સતત આવક થઇ રહી છે. 'ડોન' અને 'સિંઘમ' જેવી ફિલ્મ્સની ફ્રેન્ચાઇઝીની મોટી વેલ્યૂ છે. 'રોક ઓન' અને 'બોડીગાર્ડ'ની સિક્વલ વગર રિલાયન્સની મંજૂરી અથવા ભાગીદારીએ બની નથી શકતી.