બોલિવૂડ ડેસ્ક: આ એ સમયની વાત છે જ્યારે ભારતમાં શાયરનું માન ફિલ્મ સ્ટાર્સ જેવું હતું. આ ઘટના છે 1947ની. ભારત ત્યારે આઝાદ થયો ન હતો. હૈદરાબાદમાં એક મુશાયરો થઇ રહ્યો હતો જેમાં કૈફી સાહેબ પણ સામેલ હતા અને શૌકત મુશાયરો સાંભળવા પહોંચ્યા. કૈફી સાહેબે પોતાની નઝ્મ ‘ઔરત’ વાંચી જેના શબ્દો છે... ઉસકી આઝાદ રવિશ પર ભી મચલના હૈ તુઝે, ઉઠ મેરી જાન મેરે સાથ હી ચલના હૈ તુઝે...’ આ શાયર પર 22 વર્ષની શૌકત ફિદા થઇ ગઈ. એમણે એ નક્કી કરી લીધું કે લગ્ન કરશે તો કૈફી સાથે જ. અબ્બા જેટલા સુંદર દેખાતા હતા એટલી જ દિલદાર તેમની શાયરીઓ હતી. સ્ત્રીઓ માટે આવી લાગણીઓ ધરાવતા શાયર પર અમ્મી ફિદા થઇ ગઈ.
મુશાયરા પછી શૌકત ઓટોગ્રાફ લેવા પહોંચી તો કોલેજની છોકરીઓએ કૈફી સાહેબને ઘેરી રાખ્યા હતા. આ જોઈ અમ્મી સરદાર જાફરીનો ઓટોગ્રાફ લેવા પહોંચી ગઈ. જ્યારે કૈફી સાહેબ પાસેથી ભીડ ઓછી થઇ તો અમ્મીએ પોતાની ઓટોગ્રાફ બુક કૈફી તરફ લંબાવી. કૈફી સાહેબે એમને જાફરી સાહેબ પાસે જતા જોઈ લીધા હતા. એમણે શૌકતની ડાયરીમાં સાવ હળવો શેર લખ્યો હતો અને એમની સખી ઝકીયા માટે અત્યંત સુંદર શેર લખ્યો હતો. શૌકત બળીને રાખ થઇ ગઈ. એમણે કૈફી સાહેબને પૂછ્યું કે, ‘તમે મારા માટે આટલો ખરાબ શેર શું કામ લખ્યો? કૈફીએ કહ્યું, ‘તમે મારી પહેલા જાફરી સાહેબ પાસે ઓટોગ્રાફ લેવા શું કામ ગયા? ને બસ ત્યારથી બંનેનો પ્રેમ શરૂ થયો.
એ સમયે અમ્મીની સગાઇ કોઈ બીજા સાથે થઇ ગઈ હતી. જયારે તેમણે ઘરમાં પોતાના પ્રેમ વિશે જાહેરાત કરી તો ભાગાદોડી મચી ગઈ. મારા અબ્બાએ એમને લોહીથી પત્ર લખ્યો. એટલે આ વાતે મારા નાનાએ કહ્યું કે બકરીના લોહીથી પત્ર લખ્યો હશે. પરંતુ એ લોહી ખરેખર તો અબ્બુનું જ હતું એ અમ્મી જાણતી હતી. પછી એક દિવસ કોઈને કહ્યા વગર નાના મારી અમ્મીને મુંબઈ લઇ આવ્યા. એ બતાવવા કે, કૈફી કેવું જીવન જીવે છે. બધું જોઈને શૌકત બોલી, હું તો પણ એમની સાથે જ લગ્ન કરીશ અને નાનાએ એમના ભાઈ અને તેમની અમ્મીની ગેરહાજરીમાં જ તેમના લગ્ન કરી દીધા.
મારી અમ્મી ઉમદા કૂક છે જ્યારે આ મામલામાં હું અમ્મીથી એકદમ ઉંધી છું. જાદુ ( જાવેદ સાહેબના બાળપણું નામ ) આજે પણ અત્યંત આશાવાન છે કે હું તેમના માટે એક દિવસ સ્વાદિષ્ટ જમવાનું બનાવીશ. હું જે દિવસે રસોઈ બનાવું તે દિવસે બધા કોઈને કોઈ કારણથી ટેબલ પાસેથી ખસવાની કોશિશ કરે છે. અબ્બા અને જાદુની ઘણી વાતો મળતી આવે છે. મેં હંમેશા એમનામાં અબ્બુની છબી જોઈ છે. પરંતુ એવી એક વાત જેના પર હું સૌથી વાધારે ફિદા છું એ છે, જાદુનું સેન્સ ઓફ હ્યુમર. હસાવવાના મામલે તેઓ એટલા માહિર છે કે, હું જ્યારે પણ એમની સાથે હોવ, બસ હસતી જ રહું છું. અમને ઓળખનારા હેરાન થઇ જાય છે કે કોઈ પોતાના પતિની વાત પર આટલું કેવી રીતે હસી શકે.
બહુ જ વાતોડિયો સંબંધ છે અમારો, પરંતુ લગ્ન પહેલા જે ઉહાપોહ થયો હતો ત્યારે અમારી વચ્ચે ત્રણ મહિના સુધીની શાંતિ છવાઈ ગઈ હતી .અમે નક્કી કર્યું કે હવે નહીં મળીએ. જો કે એ આજના સમયનું મનાતું બ્રેકઅપ નહોતું. ત્રણ મહિના પછી અમે મળ્યા તો એ નક્કી કરવા માટે કે, હવે આગળ શું કરવું છે. મળ્યા ત્યારે એટલી વાતો કરી અમે કે એ જ ભૂલી ગયા કે મળ્યા શેના માટે હતા. અમે હંમેશા એકબીજા સાથે મિત્રો જ રહ્યા છીએ અને એ જ અમારી સફળતા છે કે જે જાદુ પણ હંમેશા કહેતા હતા કે, લગ્ન પણ અમારું કઈં નહીં બગાડી શકે.
મઝેદાર કિસ્સાઓ
એક વાર મેં જાવેદને કહ્યું - જાવેદ હું જલ્દીથી બહુ જ અમીર બનવા માંગુ છું. બધા જ એશોઆરામ ઈચ્છું છું. તો તું જલ્દીથી કઈંક એવું કર કે બહુ બધા પૈસા આવી જાય. થોડી વાર રહીને તેને કહ્યું, તારો ટાઈમિંગ જરા ખોટો થઇ ગયો. હું તો પોતે જ એ આશા લઈને બેઠો છું કે ગોવામાં તારા પૈસે બમ્પર રાઈડ કરીને જીવન વીતાવીશ.
લગ્ન પછી અમે ક્યાંક જઈ રહ્યા હતા. રસ્તામાં ક્યાંક ફૂલ દેખાયા, મેં કહ્યું કેટલા સુંદર ફૂલ છે. હું જરા આમતેમ થઇ કે જાદુએ એ દુકાનના બધા ફૂલ ખરીદી લીધા. એક આવા જ અહેસાસો સાથે જોડાયેલો કિસ્સો એક વધુ છે, એ વખતે લોનાવાલામાં અમારું ઘર બની રહ્યું હતું. મારો ટેસ્ટ જાદુથી એકદમ વિપરીત હતો. હું એક નાનું વિકેન્ડ હાઉસ ઇચ્છતી હતી અને જાદુ મહેલ જેવો આલીશાન બંગલો બનાવવા માંગતા હતા. એ સમયે અમારી વચ્ચે બહુ માથાકૂટ થઇ. પછી એમના એક મિત્રએ મને કહ્યું કે, જાવેદે બહુ ખરાબ દિવસો જોયા છે. રસ્તાઓ પર રહ્યો છે એ, અને આ ઘર એનું સપનું છે. બસ હું સમજી ગઈ. અને પછી જેવું જાદુ ઇચ્છતા હતા, એમાં ખુશીથી જોડાઈ. જાવેદ સાથે કોઈ રોમેન્ટિક જગ્યાએ જવાની મને જરૂર નથી લાગતી. એ ઘરની ચાર દીવાલોને જ રોમેન્ટિક બનાવી દે છે.
જાવેદમાં એક પણ રોમાન્ટિક બોન નથી, મારા માટે તો બિલકુલ નહીં
છોકરીઓ મને પૂછે છે કે જાવેદ સાહેબ આટલી રોમેન્ટિક શાયરીઓ લખે છે, તો તેઓ બહુ જ રોમેન્ટિક હશે. તમારે માટે તો કેટલાય શબ્દો લખતા હશે ને. હું એમને કહું છું - જાવેદમાં એક પણ રોમેન્ટિક બોન નથી. ક્યારેક મેં પૂછ્યું, તમે શાયર છો, કોઈ વાર મારા માટે તો કઈંક લખો. તો બોલ્યા, ‘સર્કસમાં ખેલ કરનારો માણસ ઘરમાં પણ ઊંધો લટકે છે શું?