બચ્ચન@76: ‘સંગીતકાર અમિતાભ બચ્ચન’ને ઓળખો છો?

DivyaBhaskar.com

Oct 11, 2018, 05:50 PM IST
Amitabh Bachchan Birthday

અમિતાભ બચ્ચનના જીવનના આ અજાણ્યા પાસાનું સિક્રેટ સ્વર્ગસ્થ સુપરસ્ટાર શમ્મી કપૂરે પોતાની એક વીડિયો સિરીઝના એસિપોડમાં ખોલ્યું હતું. એમણે તે ગીત અને તેની રચના સાથે જોડાયેલી દિલચસ્પ વાતો કરી હતી.

અમિતાભ બચ્ચન 76 વર્ષના થયા. આ સિમ્પલ વિધાનવાક્ય ગમે તે વ્યક્તિનું જડબું આશ્ચર્યથી પહોળું કરી દેવા માટે પૂરતું છે. કેમ કે, આપણી આસપાસની 76 વર્ષની ઉંમરની કોઈપણ વ્યક્તિને જુઓ અને ત્યારપછી અમિતાભ બચ્ચનને જુઓ, તફાવત બરાબર સમજાઈ જશે. કોઈપણ યુવાનને લઘુતાગ્રંથિ થઈ જાય એટલું બધું કામ બચ્ચનમોશાય આ ઉંમરે પણ કરે છે. એમની પેઢીના લગભગ તમામ સ્ટાર્સ ક્યારનાયે રિટાયર્ડ થઈ ગયા છે, પરંતુ બચ્ચન જરાય આઉટડેટેડ નથી થયા કે નથી તેમની બ્રાન્ડને ઝાંખપ લાગી. એમને ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક પર ફોલો કરનારાઓ જાણતા હશે કે મોડી રાત સુધી જાગીને પણ તેઓ પોતાનાં કામ પૂરાં કરે છે. ‘કૌન બનેગા કરોડપતિ’ની લેટેસ્ટ સિઝનમાં પણ એમની તાજગી અને ચહેરા પરનો ચમકારો એવો ને એવો જ બરકરાર લાગે છે. એક એક્ટર તરીકે, એક ધરખમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે, પ્રોગ્રામના હોસ્ટ તરીકે અને ભૂતપૂર્વ રાજકારણી તરીકે તો આપણે બચ્ચનને ઓળખીએ જ છીએ, પરંતુ ‘સંગીતકાર અમિતાભ બચ્ચન’ વિશે ભાગ્યે જ કોઈને ખ્યાલ હશે.

અમિતાભ બચ્ચન અચ્છા ગિટારિસ્ટ પણ છે અને મ્યુઝિક પણ કમ્પોઝ કરી જાણે છે. આ ઈન્ટરેસ્ટિંગ સિક્રેટ મરહૂમ સુપરસ્ટાર શમ્મી કપૂરે આજથી આઠ વર્ષ પહેલાં ખોલ્યું હતું. વાત છે 2010ની. એ વખતે ‘યુટ્યુબ’ પર ‘રાજશ્રી પ્રોડક્શન્સ’ દ્વારા શમ્મી કપૂરને લઈને ‘શમ્મી કપૂર અનપ્લગ્ડ’ નામની વીડિયો સિરીઝ ચલાવવામાં આવતી હતી. આ સિરીઝમાં શમ્મીજી પોતાના જીવનનાં અલગ અલગ પાસાં અને ભારે ઈન્ટરેસ્ટિંગ પ્રસંગો વિશે પોતાની અનોખી શૈલીમાં વાતો કરતા હતા. એમાં એક હપ્તામાં એમણે અમિતાભ બચ્ચન વિશે વાત કરી. શમ્મીજીએ કહ્યું કે, ‘પહેલીવાર અમિતાભ જ્યારે સાવ નાના હતા ત્યારે મેં એમને જોયેલા. અમારો અલ્લાહાબાદમાં એક શૉ હતો. એ પોતાના પિતા હરિવંશરાય સાથે આવેલા. શૉ પત્યા પછી હરિવંશરાયે ‘મધુશાલા’નું પઠન પણ કરેલું. પછી તો એ મોટા સ્ટાર થઈ ગયા અને અમે અવારનવાર મળતા રહ્યા’.

હવે શમ્મી કપૂર અમિતાભ બચ્ચન અને એમની ફિલ્મની વાત કરે છે. 1975માં અમિતાભ અને શમ્મી કપૂરની ફિલ્મ આવેલી, ‘ઝમીર’. શમ્મીજી કહે છે, ‘ઝમીરના શૂટિંગ વખતે અમે સૌ એક જ હૉટેલમાં ઊતરેલા. હું પણ મારી પત્ની સાથે ત્યાં રોકાયેલો. શૂટિંગ પૂરું થઈ જાય પછી અમિતાભ પોતાનું ગિટાર લઈને મારા રૂમમાં આવતા. મારી જેમ બચ્ચનને પણ ગાવાનો ખૂબ શોખ. અમે જાતભાતનાં ગીતો ગાઈએ. એ જ ક્રમમાં અમે સંગીત કમ્પોઝ પણ કર્યું. એવી જ એક ખુશનુમા સાંજે મેં એક પહાડી સોંગ ગાવાનું શરૂ કર્યું અને અમિતાભે તેના પર ગિટારનું મ્યુઝિક વગાડવા માંડ્યું.’ આટલું કહ્યા પછી શમ્મીજી એ પહાડી સોંગ એ જ દિલકશીથી ગાઈને સંભળાવે છે. એમણે એ ગીતના અંતરા પણ કમ્પોઝ કરેલા.

શમ્મી કપૂર કહે છે, ‘પછી તો હું એ બધું ભૂલી ગયો. પણ પછી એક દિવસ અમિતાભનો મારા પર ફોન આવ્યો. પાછળથી એમણે મને લેખિતમાં આ બાબતનો પત્ર પણ લખેલો. એ વખતે એ સિલસિલાનું શૂટિંગ કરી રહ્યા હતા. મને કહે કે શમ્મીજી હું એ ટ્યૂન વાપરી શકું? મેં કહ્યું કે, કઈ ટ્યૂન? તો મને કહે કે, અરે, જે આપણે ઝમીરના શૂટિંગ વખતે કમ્પોઝ કરેલી એ. મેં કહ્યું, ઓ માય ગોડ, પ્લીઝ ગો અહેડ. તમારે એ ટ્યૂન જે રીતે વાપરવી હોય એની તમને છૂટ છે. એણે એવું કર્યું પણ ખરું. એ ટ્યૂન પરથી એમણે સિલસિલા ફિલ્મમાં સોંગ બનાવ્યું, નીલા આસમાં સો ગયા...’

સિનેમાપ્રેમીઓ અને બચ્ચનપ્રેમીઓને ખ્યાલ છે કે આ ગીત ફિલ્મમાં ખુદ અમિતાભ બચ્ચને ગાયું છે. એ ગીત ધ્યાનથી સાંભળશો તો ખ્યાલ આવશે કે શમ્મી કપૂર પોતાના વીડિયોમાં જે પહાડી ટ્યૂન ગણગણે છે એ જ ટ્યૂન સિલસિલાના ગીતમાં બચ્ચન પણ ગણગણે છે. વીડિયોને અંતે શમ્મી કપૂર કહે છે, ‘આ એ જ ટ્યૂન છે જે અમે (શમ્મી કપૂર અને અમિતાભ બચ્ચને) સાથે મળીને બનાવેલી.’

X
Amitabh Bachchan Birthday
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી