લોકસભા / પોરબંદર બેઠક પર વિઠ્ઠલ રાદડિયાના જ બંને 'લલિત' ચૂંટણી જીતવાની લલિતકળા અજમાવશે

DivyaBhaskar.com | Updated - Mar 16, 2019, 04:51 PM
Vitthal Radadiya on Porbandar seat will try fine arts to win both 'Lalit' election

  • ભાજપે વિઠ્ઠલભાઈના પુત્ર લલિત રાદડિયાને ટિકિટ આપવા મન બનાવી લીધું હોવાના સંકેત
  • એક સમયે વિઠ્ઠલભાઈના પટ્ટશિષ્ય લલિત વસોયાએ કોંગ્રેસ વતી મક્કમ દાવેદારી નોંધાવી છે
     

ઈલેક્શન ડેસ્કઃ સૌરાષ્ટ્રના મજબૂત ખેડૂત નેતા વિઠ્ઠલ રાદડિયા પોતાના બળબૂતા પર પોરબંદર લોકસભા બેઠક જીતતા રહ્યા છે. હવે તેઓ નાદુરસ્ત હોવાથી આ બેઠક પર નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. પાટીદાર અનામત આંદોલનની અસરને લીધે પોરબંદર લોકસભા મતવિસ્તાર અંતર્ગત આવતી વિધાનસભા બેઠકોનું ચિત્ર ભાજપ માટે વિપરિત છે. એ સંજોગોમાં ભાજપમાંથી રાદડિયાના પુત્ર લલિત અને કોંગ્રેસમાંથી રાદડિયાના ચેલા લલિત વસોયા સામસામે આવે એવી સ્થિતિ જણાય છે.

સિનિયર નહિ તો જુનિયર, પણ રાદડિયા જોઈએ

પોરબંદર બેઠક પર મુખ્યત્વે પાટીદાર મતદારોની સંખ્યા નિર્ણાયક બને છે. અહીં વિઠ્ઠલ રાદડિયાનું વર્ચસ્વ એટલું છે કે તેમની ઉમેદવારી ન હોય તો પણ બેઠક જીતવા માટે તેમના આશિર્વાદ અનિવાર્ય બની જાય છે. એ સંજોગોમાં જયેશ રાદડિયા મુખ્ય ઉમેદવાર બને. જયેશ હાલ રાજ્ય સરકારના મંત્રીમંડળમાં સામેલ છે. વળી, રાજ્યનું રજવાડું છોડીને દિલ્હી જવા તેમનું મન પણ નથી. પરંતુ પિતાની રાજકીય વિરાસત જાળવવી પણ એટલી જ અગત્યની હોવાથી તેમણે પોતાના ભાઈ લલિત રાદડિયા માટે આ બેઠકની માગણી કરી છે. લલિત રાદડિયા રાજકીય રીતે સક્રિય નથી પરંતુ પાટીદાર સમાજમાં તેમના પોતાના સંપર્કો પણ મજબૂત હોવાથી ભાજપ તેમને ટિકિટ આપી શકે છે.

વસોયા તો ક્યારના થનગને છે

ધોરાજીના કોંગ્રેસી ધારાસભ્ય તો હાઈકમાન્ડ જાહેરાત કરે તેની ય રાહ જોયા વગર પોતાને ઉમેદવાર જાહેર કરીને પ્રચારકાર્યમાં પણ લાગી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, વસોયાએ જાહેરજીવનની શરૂઆત જ વિઠ્ઠલભાઈના વિશ્વાસુ તરીકે કરી હતી. વિઠ્ઠલભાઈ રાજ્ય સરકારમાં મંત્રી હતા ત્યારે વસોયા તેમના અંગત સચિવ હતા. એ પછી પોતાની રાજકીય મહત્વાકાંક્ષા સંતોષવા વસોયાએ રાદડિયાથી છેડો ફાડીને પાટીદાર અનામત આંદોલનનો રસ્તો અપનાવ્યો અને રાદડિયાના ગઢ એવા ધોરાજીમાંથી કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય પણ બની ગયા. હવે તેમની મહત્વાકાંક્ષા એક ડગલું આગળ વધીને ગુરુના પેંગડામાં પગ નાંખવાની જણાય છે.

રેશમા પટેલનું ત્રીજું પરિબળ પણ મોજુદ

વસોયા ભલે પ્રચારકાર્ય શરૂ કરી ચૂક્યા હોય પરંતુ કોંગ્રેસ અને NCP વચ્ચે બેઠકોની વહેંચણી થવાની હજુ બાકી છે અને કુતિયાણા વિધાનસભા બેઠક પોતાની પાસે હોવાથી NCPએ પોરબંદર બેઠક માંગેલી છે. જો આ બેઠક NCPને ફાળવવામાં આવે તો પાટીદાર અનામત આંદોલનમાંથી ઊભરેલા રેશમા પટેલ, જે અહીં અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી ચૂક્યા છે તે NCPના ઉમેદવાર બની શકે છે. એ સંજોગોમાં વસોયાએ મહત્વાકાંક્ષાને હાલ તુરત બ્રેક મારવી પડે તેમ પણ બને.

X
Vitthal Radadiya on Porbandar seat will try fine arts to win both 'Lalit' election
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App