જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પરભાત

1956ના વર્ષમાં ગુજરાતના લોકોની ‘મહાગુજરાત’ મેળવવા ચળવળની શરૂઆત થઇ

Mira Trivedi | Updated - Apr 30, 2018, 10:29 PM
શહીદ સ્મારકના પુષ્પાંજલિ કાર્યક્રમ દરમિયાન નલિનીબહેન મહેતા
શહીદ સ્મારકના પુષ્પાંજલિ કાર્યક્રમ દરમિયાન નલિનીબહેન મહેતા

મહાગુજરાત આંદોલનને આજે અઠ્ઠાવન વર્ષ પૂરા થઇ ગયાં. ત્યાર પછી તો ગુજરાતના જાહેર જીવન તેમજ રાજકારણના પ્રવાહોમાં અનેક વળાંકો આવ્યા. આજે ગુજરાત વિકાસશીલ, સુખી અને સમૃદ્ધ ગણાય છે. તેમાં મહિલાઓનું યોગદાન ઘણું મોટું છે. ગુજરાતની બહાદુર મહિલાઓને કારણે મહાગુજરાતની ચળવળને વેગ મળ્યો. અમદાવાદના સુશિક્ષિત મહિલા આગેવાનો વિનોદિની નીલકંઠ, રંજનબહેન દલાલ, વીરબાળા નાગરવાડિયા, દીનાબાઇ કામા, શારદાબહેન મહેતા અને ગંગાબહેન બહાર આવ્યાં. આ મહિલાઓએ નિવેદન કરી યુવાનોના લોહી નહીં રેડવાની સરકારને અપીલ કરી. તેમણે કહ્યું, ‘અમે પણ બાળકોની મા છીએ અને વધુ લોહી રેડવાનું બંધ કરાવો.’


અમદાવાદ અને ગુજરાતના સમાચારો પછી પ્રજાસમાજવાદી આગેવાન એચ.વી. કામથ અને સામ્યવાદી આગેવાન એ.કે. ગોપાલન જાતમાહિતી મેળવવા માટે અમદાવાદ આવી પહોંચ્યા, ત્યારે તેમની હાજરી દરમિયાન જ શહેરના ખાડિયા વિસ્તારમાં એકલી બહેનોએ કર્ફ્યુ દરમિયાન દેખાવો કર્યા અને ગોળી ચલાવવા પોલીસને પડકાર કર્યો. આની માહિતી મળતાં ડી.એસ.પી. મીરાન્ડા ખાડિયા પહોંચ્યા અને પોલીસના બેહૂદા વર્તન માટે તેમણે માફી માગી. આ આંદોલનકારી મહિલાઓએ ફરિયાદ કરી કે અમદાવાદમાં બહારથી આવેલ પોલીસનું વર્તન જંગલી છે. મહિલાઓની સાથે બીભત્સ વર્તન કરી ગાળો બોલે છે.

મીરાન્ડાએ આવું ફરી ક્યારેય નહીં બંને એવી ખાતરી આપી. તે પછી બહેનો શાંતિથી વિખેરાઇ ગઇ. ગુજરાતભરમાં અને ખાસ કરીને અમદાવાદમાં મહિલાઓએ આક્રમક મિજાજ બતાવ્યો અને હજારોની સંખ્યામાં ઊમટી પડીને પોલીસને હાથ જોડવાની ફરજ પાડી. જોકે મહાગુજરાત ચળવળ દરમિયાન બહેનોનો દેખાવ કાર્યક્રમ હંમેશાં ખૂબ જ શિસ્ત અને શાંતિપૂર્વકના રહ્યા. તેમાં વૃદ્ધ માતાઓથી માંડીને બાલિકાઓ, તમામ ઉંમરની મહિલાએ અતિ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ દરમિયાન લો-કોલેજના મેદાન ઉપર માત્ર બહેનોની એક જાહેરસભા વિદ્યાર્થી કાર્યકર નિરંજના પરીખના પ્રમુખપદે મળી. તેમાં શારદાબહેન મહેતા, વિનોદિની નીલંકઠ અને સુસ્મિતાબહેન મેપે ભાષણ આપ્યું હતું.

મહિલાઓની આ સભામાં તે વખતના નાયબ કેળવણી પ્રધાન ઇન્દુમતી શેઠ અચાનક આવી પહોંચ્યાં હતાં. બહેનોએ તેમને ગોળીબાર અંગે પ્રશ્નો પૂછતાં તેમણે કોઇ જવાબ આપવાની ના પાડી અને પછી તેઓ ચાલ્યાં ગયાંં. આ આંદોલનનું એક અગત્યનું પાસું એ હતું કે શિક્ષિત બહેનો મહાગુજરાત ચળવળમાં સક્રિય બની. તેમણે બહેનોને દોરવણી આપી. પરિણામે બહેનોમાં આંદોલનકારી પ્રવૃત્તિઓ વધતી ગઇ. લો કોલેજના મેદાનમાં મળેલી શહેરીજનોની જંગી સભામાં સૌ પ્રથમ કુમુદબહેન રતિલાલ પટેલે શપથ લેવડાવ્યા. જ્યારે શહીદ સુરેશની માતા સવિતાબહેને ટૂંકી અપીલ કરી કે,

‘અમારા દીકરાઓની શહીદી એળે ન જાય તે તમે સૌ જોજો.’ સરદાર પટેલનાં પુત્રી મણિબહેન પટેલે સભાસ્થળે આવી જાહેરાત કરી કે ‘મોરારજીભાઇને સાંભળવા આવતા લોકોને બળથી રોકવામાં આવેલા છે. તેથી મોરારજીભાઇ ઉપવાસ ઉપર ઊતર્યા છે.’ આ જાહેરાતથી સન્નાટો છવાઇ ગયો અને સભા રદ કરાઈ. રંજનબહેન દલાલને 1 માસ 20 દિવસની સજા થઇ.

વધુ માહિતી માટે આગળ વાંચો... સામાજિક અને શૈક્ષણિક કાર્યોમાં અવ્વલ પદ્મશ્રી એવોર્ડથી નવાજિત-ઇન્દુમતીબહેન ચીમનલાલ શેઠ

}રંજનબહેન દલાલ સાથે  એકવીસ બહેનોની ટુકડી
}રંજનબહેન દલાલ સાથે એકવીસ બહેનોની ટુકડી

સમાજસુધારક અને મહિલા ઉત્કર્ષના અગ્રણી કાર્યકર્તા - શારદાબહેન મહેતા

 

ઇ.સ. 1882ના જૂનની 26ની તારીખે સરદાર ભોળાનાથ સારાભાઇ દિવેટિયાની હવેલી- અમદાવાદમાં શારદાબહેનનો જન્મ થયો હતો. શારદાબહેનના પિતા એટલે ગોપીલાલ મણિલાલ ધ્રુવ અને તેમનાં માતા બાળાબહેન સ્વ. ભોળાનાથ દિવેટિયાનાં પૌત્રી થાય. શારદાબહેને 1897માં મેટ્રિક અને 1901માં લોજિક અને મોરલ ફિલોસોફી વિષયો સાથે બી.એ.ની પરીક્ષા પાસ કરી. તે અને તેમનાં બહેન વિદ્યાબહેન ગુજરાતની મહિલાઓમાં સૌપ્રથમ ગ્રેજયુએટ થયા હતા. 1898માં તેમનાં લગ્ન વડોદરા નરેશ શ્રીમંત સયાજીરાવના અંગત ડોક્ટર શ્રી બટુકરામ મહેતાના પુત્ર અને ગુજરાતના આદિ નવલકથાકાર શ્રી નંદશંકર તુળજાશંકર મહેતાના દોહિત્ર સુમંત મહેતા સાથે થયાં હતાં. 

 

 

શારદાબહેન સમાજસુધારક હોવા સાથે સ્વતંત્રતા સૈનિક અને મહિલા ઉત્કર્ષના પ્રણેતા હતાં. બારડોલી સત્યાગ્રહ વખતે અને 1930-32ના મીઠા સત્યાગ્રહ વખતે પણ તેઓએ નેતાઓની સાથે રહી કાર્ય કર્યું. 1930માં અમદાવાદમાં ખાદી મંદિરની સ્થાપના કરી તો શેરથામાં તેમના પતિએ સ્થાપેલા આશ્રમનું સંચાલન કર્યું. 1931થી 1935 દરમિયાન તેઓ અમદાવાદ મ્યુનિસિપાલટીના સભ્ય હતાં. વડોદરામાં તેમણે ‘ચીમનભાઇ સ્ત્રીસમાજ’ની સ્થાપના કરી અને મધ્યમ વર્ગની સ્ત્રીઓને સહેલાઇથી આશ્રય મળી શકે તેવી વ્યવસ્થા કરી.

 

 

તેમણે વડોદરાના રેલસંકટના સમયમાં, બારડોલીના સત્યાગ્રહમાં કે અન્ય કોઇ પણ સામાજિક કાર્યમાં આગળ પડીને કામ કર્યું. સ્ત્રીઓ અને બાળકોને યોગ્ય કેળવણી મળી રહે તે હેતુથી કેટલીક કૃતિઓનું તેમણે સર્જન કર્યું હતું. જીવનના અંત સુધી ક્ષીણ થતા જતા શરીર સાથે તેઓ માનસિક સ્વસ્થતા ટકાવી સમાજસેવાના કાર્યમાં પ્રવૃત રહ્યાં હતાં. આમ સમાજની સાથે રહી કામ કરતાં કરતાં 13મી નવેમ્બર, 1970ના રોજ તેઓ આ ફાની દુનિયા છોડી ચાલ્યાં ગયાં.     

 

વધુ માહિતી માટે આગળ વાચો.. જીવનયાત્રાની પ્રત્યેક પળનો ઉપયોગ માનવસેવા માટે કર્યો -  વીરબાળા નાગરવાડિયા

શારદાબહેન મહેતા પતિ સુમંત મહેતા સાથે
શારદાબહેન મહેતા પતિ સુમંત મહેતા સાથે

જીવનયાત્રાની પ્રત્યેક પળનો ઉપયોગ માનવસેવા માટે કર્યો - વીરબાળા નાગરવાડિયા

 

વીરબાળાબહેન નાગરવાડિયાનો જન્મ 11મી ઓગસ્ટ, 1913માં કરાચીમાં થયો હતો. ખંભાત સ્ટેટના રેવન્યૂ કમિશનરના  દીકરા રતિલાલ નાગરવાડિયા સાથે વીરબાળાબહેનનાં 16 વર્ષની ઉંમરે લગ્ન થયાં.  શ્રી રતિલાલ નાગરવાડિયા તે વખતે આઝાદીની લડતમાં જોડાયેલા. પરિણામે લગ્નના માત્ર એક જ  વર્ષ પછી, 1930ના ગાંધીજીના મીઠાના સત્યાગ્રહમાં  તેઓ જોડાયાં. આ અરસા દરમિયાન તેમણે વિદેશી કાપડની દુકાનો અને દારૂઓનાં પીઠાં પર જઇ પિકેટિંગ કર્યું. અસહકારની ચળવળમાં જોડાયાં હોવાથી વિદેશી માલની હોળી કરતાં.

 

 

જે કામમાં પડકાર ન હોય તે કામ કરવું વીરબાળાબહેનને ફાવે નહીં. તે પછી વિદેશી માલની હોળી હોય કે દારૂના પીઠા પર જઇને પિકેટિંગ કરવાનું હોય, પિકેટિંગ કરવા જતી વખતે હુમલાના ભયે વીરબાળાબહેન કેડે કટાર પણ રાખતાં અને તે પણ પૂરી હિંમત અને જુસ્સાથી. આ લડત દરમિયાન તેમને આઠ દિવસની જેલ પણ ભોગવવી પડી. સ્વતંત્રતા સેનાની વીરબાળાબહેન આખી રાત જાગી પત્રિકા તૈયાર કરતાં અને ગુજરાતનાં ગામેગામ જઇ તેનું વિતરણ કરતાં. આથી ગામેગામ બધાને લડતના સમાચાર મળતા રહેતા.

 

 

1956માં મહાગુજરાતની ચળવળમાં તેમણે ભાગ લીધો હતો. 1986માં ગ્વાલિયરમાં ભરાયેલ અખિલ હિંદ મહિલા પરિષદમાં તેમને મહિલા ઉત્કર્ષના ક્ષેત્રે કામગીરી કરવા બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો  હતો. 1987માં મહિલાઓ તેમજ વૃદ્ધોની વિશિષ્ટ સેવાઓ બદલ તેમને લેડી વિદ્યાગોરી નીલકંઠ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.  આ બધાં કાર્યો ઉપરાંત નિરાધાર અને વૃદ્ધો બહેનો-ભાઇઓ માટેની સદ્્ભાવના હૃદયે હોવાથી વીરબાળાબહેનને કાંઇક કરવાનું સતત મન રહ્યાં કરતું. મણિનગર અને મિરઝાપુરના વૃદ્ધાશ્રમો ગુજરાતમાં પહેલવેલા શરૂ થયા. ‘જીવનસંધ્યા’ નામના વૃદ્ધાશ્રમની સ્થાપના કરવામાં આવી.

 

 

આમ વીરબાળાબહેન નાગરવાડિયાએ પોતાની જીવનયાત્રાની એક એક પળનો ઉપયોગ માનવસેવા કાજે સમર્પિત કર્યો છે. વીરબાળાબહેનનું નિધન 15મી ઓગસ્ટ, 2006ના રોજ થયું હતું.

 

વધુ માહિતી માટે આગળ વાંચો.. આઝાદી બાદ સામાજિક અને રાજકારણના ક્ષેત્રમાં અવ્વલ- પુષ્પાબહેન મહેતા

મહિલા સત્યાગ્રહીઓ  વીરબાળાબહેન
મહિલા સત્યાગ્રહીઓ વીરબાળાબહેન

 આઝાદી બાદ સામાજિક અને રાજકારણના ક્ષેત્રમાં અવ્વલ- પુષ્પાબહેન મહેતા

 

પુ ષ્પાબહેન મહેતાનો જન્મ 21મી માર્ચ 1905ના રોજ સૌરાષ્ટ્રના પ્રભાસપાટણમાં થયો હતો. પિતા હરપ્રસાદ દેસાઇ  પોલીસ અમલદાર હતા. માતાનું નામ હેતુબા હતું. માત્ર ચૌદ-પંદર વર્ષની વયે તો પુષ્પાબહેન સ્વતંત્ર લેખો લખતાં હતાં. 1920માં તેમનાં લગ્ન ભાવનગરના શ્રી જનાર્દનરાય મહેતા સાથે થયાં. જનાર્દનરાય બ્રિટિશ સરકારના ઉચ્ચ અધિકારી હતા. પુષ્પાબહેને પતિના પ્રોત્સાહનથી અભ્યાસ ચાલુ રાખ્યો. 1929માં કર્વે યુનિવર્સિટીની મેટ્રિક પરીક્ષા પહેલા વર્ગમાં પસાર કરી. 1934માં તેઓ બી.એ.ની પરીક્ષામાં યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે પાસ થયાં અને બે વર્ષ પછી તેમણે 1936માં એમ.એ.ની ડિગ્રી હાંસલ કરી. 


પુષ્પાબહેન ગ્રેજયુએટ થયા બાદ મ્યુનિ. ગર્લ્સ હાઇસ્કૂલમાં માનદ શિક્ષિકા તરીકે જોડાયાં. આ દરમિયાન તેમનો પરિચય મૃદુલાબહેન સારાભાઇ સાથે થયો. 1934માં મૃદુલાબહેને ત્યક્તા, વિધવા અને સમસ્યાઓથી ઘેરાયેલી સ્ત્રીઓને સલાહ અને માર્ગદર્શન મળે તે માટે ‘જ્યોતિસંઘ’ સંસ્થાની સ્થાપના કરેલી. મૃદુલાબહેને પુષ્પાબહેનનું હીર પારખી લીધું અને તેમને કાર્યકર્તા તરીકે જ્યોતિસંઘમાં લઇ આવ્યાં. પુષ્પાબહેને નારીના ઉત્કર્ષનું કામ ઉપાડી લીધું. સ્ત્રીઓને માટે જેહાદ જગાવવા માટે રાજકીય ક્ષેત્રે ઝંપલાવવાની જરૂર તેમને જણાઇ અને 1938માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં જતાં સરદાર અને બાપુએ સ્વયંસેવિકાદળનું કામ એમને સોંપ્યું અને તેઓ આઝાદીની લડતના યોદ્ધા બન્યાં.

 

 

1947ના નવેમ્બરમાં જૂનાગઢનું અલગ રાજ્ય સ્થપાયું. પુષ્પાબહેન જૂનાગઢની વહીવટી કાઉન્સિલનાં પ્રધાન બન્યાં. અખંડ સૌરાષ્ટ્ર રાજ્યમાં પુષ્પાબહેન પ્રથમ વિધાનસભાના સ્પીકરપદે નિમાયાં. 1954થી 1964 સુધીના સમયગાળામાં પુષ્પાબહેન સૌરાષ્ટ્ર, બૃહદ મુંબઇ પછી ગુજરાત રાજ્યના સમાજકલ્યાણ સલાહકાર બોર્ડના અધ્યક્ષ રહ્યાં. 1952માં તેઓ સૌરાષ્ટ્ર અને 1957માં મુંબઇ રાજ્યમાં વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયાં હતાં. 1966થી 1972 સુધી તેઓ રાજ્યસભાના સભ્યપદે પણ રહ્યાં હતાં. 1955માં ભારત સરકારે તેમને પદ્મભૂષણનો ઇલ્કાબ આપ્યો. 2 એપ્રિલ, 1988ના રોજ તેમનું અવસાન થયું. 

 

વધુ માહિતી માટે આગળ વાંચો...  આ મહિલાઓએ પણ મહત્ત્વનું યોગદાન આપ્યું  

 

 

અમદાવાદની લો કોલેજના મેદાનમાં ભરાયેલી બહેનોની સભા
અમદાવાદની લો કોલેજના મેદાનમાં ભરાયેલી બહેનોની સભા

 આ મહિલાઓએ પણ મહત્ત્વનું યોગદાન આપ્યું  

 

1) નલિનીબહેન મહેતા 
2) શારદાબહેન પટેલ 
3) કુમુદબહેન પટેલ
4) ચંદાબહેન હૈદરાબાદી 
5) રંજનબહેન દલાલ 
6) વસુમતીબહેન શાહ 
7) બુદ્ધિબહેન ધ્રુવ
8) મણિબહેન પટેલ 
9) પાર્વતીબહેન પટેલ 
10) સરસ્વતીબહેન પટેલ 
11) વસુમતીબહેન પટેલ 
12) અરુણાબહેન સાહ્યબા
13) લીલાબહેન પટેલ 
14) પ્રેમીલાબહેન પટેલ 
15) સુશીલાબહેન પટેલ 
16) વંદનાબહેન ઘારેખાન 
17) ચંચલબહેન સોની 
18) જસુમતીબહેન શાહ 
19) કમળાગૌરી પટેલ 
20) આનંદગૌરી પટેલ 
21) સુમનબહેન પટેલ 
22) જયાગૌરીબહેન ત્રિપાઠી 
23) સુમનબહેન પટેલ 
24) સંતોકબહેન પટેલ 
25) હેમલતાબહેન માવળંકર 
26) તારાબહેન રેડ્ડી 
27) લીલાવતી પૂંજાલાલ
28) જીવીબહેન દેસાઇભાઇ
29) મરિયમબાઇ જાફરભાઇ 
30) ગંગાબહેન મોતીરામ 
31) કંકુબહેન જમનાદાસ 
32) નાથીબહેન ભુદરભાઇ 
33) તારાબહેન પટેલ 
34) ચંચળબહેન જોઇતારામ 
35) કાંતાબહેન ગોરધનદાસ 
36) જડીબહેન ફૂલચંદ  
37) સંતોકબહેન દેવજી
38) મણિબહેન માધાભાઇ
39) શાંતાબહેન રાધાલાલ 
40) તારાબહેન રતિલાલ
41) ચંદનબહેન નાનાલાલ
42)ડાહીબહેનશકરાભાઇ

 

 

પાનકોર નાકા પાસે એકત્રિત મહિલા સત્યાગ્રહીઓનો વિદાય સમય
પાનકોર નાકા પાસે એકત્રિત મહિલા સત્યાગ્રહીઓનો વિદાય સમય
X
શહીદ સ્મારકના પુષ્પાંજલિ કાર્યક્રમ દરમિયાન નલિનીબહેન મહેતાશહીદ સ્મારકના પુષ્પાંજલિ કાર્યક્રમ દરમિયાન નલિનીબહેન મહેતા
}રંજનબહેન દલાલ સાથે  એકવીસ બહેનોની ટુકડી}રંજનબહેન દલાલ સાથે એકવીસ બહેનોની ટુકડી
શારદાબહેન મહેતા પતિ સુમંત મહેતા સાથેશારદાબહેન મહેતા પતિ સુમંત મહેતા સાથે
મહિલા સત્યાગ્રહીઓ  વીરબાળાબહેનમહિલા સત્યાગ્રહીઓ વીરબાળાબહેન
અમદાવાદની લો કોલેજના મેદાનમાં ભરાયેલી બહેનોની સભાઅમદાવાદની લો કોલેજના મેદાનમાં ભરાયેલી બહેનોની સભા
પાનકોર નાકા પાસે એકત્રિત મહિલા સત્યાગ્રહીઓનો વિદાય સમયપાનકોર નાકા પાસે એકત્રિત મહિલા સત્યાગ્રહીઓનો વિદાય સમય
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App