તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાંસદની ગ્રાન્ટમાંથી બે માસ પૂર્વે બનેલો માર્ગ વરસાદમાં ધોવાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાગડાવડા ગ્રામપંચાયતની હદમાં આવતાં ગ્રીનપાર્કમાં બે માસ અગાઉ સાંસદ અને પંચાયતની ગ્રાન્ટમાંથી બનેલો માર્ગ વરસાદમાં ધોવાઈ ગયો છે. નીચેના ભાગે મોટા પત્થરોનું પુરાણ કર્યા વિના જ ડામરનો રોડ બનાવી દેવાનાં પગલે વરસાદમાં માટીનાં ઢગલાં રોડ ઉપર ઉપસી આવ્યા છે. ગ્રીન પાર્કની સોસાયટીમાંથી પસાર થતો માર્ગ ડામરનો બનાવવા માટે સાંસદ કિશન પટેલે પ લાખની ફાળવણી કરી હતી. જ્યારે પંચાયતે ૨ લાખ ફાળવીને આ માર્ગ બે માસ અગાઉ તૈયાર કરાયો હતો. જેના ઉપર ડ્રેનેજ લાઈન નાંખવા અગાઉ ખોદકામ કરાયું હતું. જેમાંથી મોટા પ્રમાણમાં માટી નીકળી હતી. જો કે, ઇજારદારે મોટા પત્થરોનું પુરાણ કર્યા વિના ડામર અને કપચીનાં મિશ્રણ સાથેનો રોડ બનાવી દીધો હતો. પરિણામે વરસાદમાં રોડને નીચેનાં ભાગે યોગ્ય પુરાણનો ટેકો નહીં મળતાં ડામર અને કપચી ઉખડી ગઇ છે.

આ સાથે માટીનાં ઢગલાં રોડ ઉપર નીકળી આવતાં આ રોડ ચાલવા લાયક પણ રહ્યો નથી. મોટા ખાડા પડી જતાં તેમાં વરસાદી પાણી ભરાયાં છે.આ રોડની કામગીરીમાં ગોબાચારી થઇ હોવાની શંકા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યાં છે. ધોવાઇ ગયેલાં રોડ પરથી પસાર થવા માટે રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદ ઊઠીછે.

- રોડ ઉપર કાદવકિચડ થતાં રોલર પણ બહાર નીકળી શક્યું નથી

ગ્રીન પાર્કમાં મે માસનાં અંતમાં બનેલા રોડની કામગીરી હજી તો પૂરી થઇ હતી ત્યારે ૪ જૂને વરસાદ પડતાં જ માર્ગની હાલત ખખડી ગઇ હતી. ભારે વાહનો શરૂ થતાં રોડ દબાઇ ગયો હતો. માટી ઉપર આપી જતાં ડામરનો માર્ગ ધોવાઇ ગયો હતો. આ રોડ માટે ઇજારદારે જે રોલ અને ડામર ઉકાળવા માટે મશીન હતું તે પણ ત્યાં ફસાઇ ગયું છે જે આજદિન સુધી રોડ પર લાવી શકાયું નથી. હેવી રોલર માર્ગ ઉપરથી પસાર થઇ શકે તેમ ન હોવાથી તે ત્યાંજ પડી રહ્યું છે.