નાગમણી મેળવવાની લાલચમાં ત્રણ બ્રાહ્મણોએ ૩ લાખ ગુમાવ્યા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-નાગમણી બતાવવા લઈ આવનારની ધરપકડ
-ભાવનગરના ત્રણ બ્રાહ્મણો પાસેથી પૈસાની બેગ લઈ આઠ ઠગ ફરારલોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે આ ઉક્તિ અવારનવાર ફલિત થતી રહી છે. ભાવનગરથી એક કાર અને રૂ. ૩ લાખ રોકડા લઈને આવેલા ત્રણ બ્રાહ્મણોને રાનકુવા ગામે સવારના સવા છ વાગ્યાના સમય દરમિયાન નવ જેટલા ધુતારાઓએ રાનકુવા ગામે રેલવે ક્રોસિંગ પાસે આવેલા મંદિરમાં નાગમણી બતાવવાનું કહીને ત્રણ બાઈક ઉપર પાંચ જેટલા અજાણ્યા ઈસમો આવી પોલીસ છે કહીંને રૂ. ૩ લાખ રોકડા ભરેલો થેલો ઝૂંટવી લઈને ફરાર થઈ જતા ભાવનગરના બ્રાહ્મણો લૂંટાયા હતા. બનાવની જાણ થતા નવ જેટલા ધુતારાઓમાંથી એક ધુતારાને પકડી લઈ પોલીસ મથકે આવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિ‌તી અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા જકાતનાકા જલારામ સોસાયટી પ્લોટ નંબર ૨૩માં રહેતા હિંમતભાઈ કુરજીભાઈ જાની (ઉ.વ. ૩પ)નો ભાઈ નંદરામ જાનીને સુરત ખાતે ૮૦૩-દાદાભગવાન કોમ્પલેક્સ કામરેજ ચાર રસ્તા, સુરત ખાતે રહેતા હેમંતભાઈ દામોદરદાસ શેઠ સાથે મિત્રતા હોય તેની સાથે જેતપુર તેમજ લાઠી ગામે એક ચમત્કારિક પથ્થરની શોધમાં ગયા હતા. નંદરામ જાનીનો મિત્રો હેમંતભાઈ શેઠને છેલ્લા પંદરેક દિવસથી પ્રેમભાઈ સાથે મોબાઈલ ઉપર મિત્રતા થતા હેમંતભાઈ શેઠે પ્રેમને નાગમણી ચીખલી તાલુકામાં હોવાનું જણાવતા ભાવનગરના બ્રાહ્મણ પરિવારમાં હિંમતભાઈ કુરજીભાઈ જાનીને આ વાતની જાણ કરી હતી.હિંમતભાઈ જાની અને તેનો ભાઈ નંદરામ તથા બીજો તેનો એક મિત્ર મળી ત્રણ જણાં બુધવારના રોજ સાંજે પ વાગ્યાના સમયે ભાવનગરથી પોતાની ફ્રંટી કારમાં બેસી નાગમણી લેવા માટે ચીખલી તાલુકાના રાનકુવા ગામે આવવા માટે નીકળ્યા હતા. જેમાં રસ્તામાં હેમંતભાઈ દામોદારદાસ શેઠને સુરત ખાતેથી લઈ ચીખલી ખાતે સવારના ચારેક વાગ્યાના સમયે આલીપોર ખાતે આવેલી આલ્ફા હોટલમાં આવી ગયા હતા. રસ્તેથી પ્રેમ નામનો ઈસમ તેમની સાથે સવારના ચાર વાગ્યે ચા પીધા બાદ રાનકુવા ગામના બે ઈસમો દ્વારા મોબાઈલ ફોન ઉપર વાત કરતા આ બે ઈસમોએ ચીખલીના રાનકુવા ગામે આવવાનું જણાવતા બ્રાહ્મણ પરિવાર રાનકુવા ગામે આવી પહોંચ્યા હતા. બે ઈસમોએ જણાવેલ કે રૂ. ૩ લાખ લાવ્યા હોય તો જ નાગમણી જોવા મળશે એમ કહેતા રૂ. ૩ લાખ રોકડા બેગમાં બતાવી દીધા હતા.આ બે ઈસમો તેઓને રાનકુવા રેલવે ક્રોસિંગ પાસે આવેલ એક મંદિરમાં ઉપર નાગમણી જોવા મળશે એમ કહીને મંદિરમાં લઈ ગયા હતા. રૂપિયા ભરેલ બેગ હિ‌મંતભાઈ કુરજીભાઈ જાની પાસે રાખી હતી ત્યારે ત્રણ બાઈક ઉપર પાંચ જેટલા અજાણ્યા ઈસમો આવી જણાવ્યું કે ભાવનગરના પાસિંગવાળી ગાડી છે તમે કેમ અહીં આવ્યા છો શું કામ છે અમે પોલીસવાળા છે તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે એમ કહેતા રૂપિયા ભરેલી બેગ ઝૂંટવી લઈને પ્રેમને નેતર જેવી લાકડી વડે પાંચથી સાત ફટકા મારી પોલીસ સ્ટેશન આવવું પડશે એમ કહીંને બેગ લઈને ફરાર થઈ ગયા હતા. તેમની સાથે પ્રેમ નામનો ઈસમ પણ ભાગી છૂટ્યો હતો.સુરતથી આવેલ હેમંતભાઈ દામોદર શેઠ આ બ્રાહ્મણ પરિવારો સાથે રહ્યો હતો પરંતુ નાગમણી બતાવવા વગર રૂ. ૩ લાખની છેતરપિંડી થઈ હોવાનું બ્રાહ્મણ પરિવારને થતા આ બ્રાહ્મણ પરિવારો આરોપી એવા હેમંતભાઈ શેઠને ચીખલી પોલીસ મથકે લાવી બનાવની હકીકત વર્ણવતા ફરિયાદી એવા હિ‌મંતભાઈ કુરજીભાઈ જાનીએ ફરિયાદ કરતા આરોપી હેમંતભાઈ દામોદરદાસ શેઠ (રહે. સુરત), પ્રેમભાઈ તથા બીજા બે અજાણ્યા ઈસમો કે જે નાગમણી બતાવવાના હોય તથા ત્રણ બાઈક ઉપર આવેલા પાંચ જેટલા ઈસમો મળી કુલ નવ જેટલા ઈસમો સામે ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ કરતા હેમંતભાઈ દામોદરદાસ શેઠને પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.જ્યારે આઠેક જેટલા અજાણ્યા ઈસમોને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરાતા ચીખલી તાલુકાના રાનકુવા ગામે નાગમણી મેળવવાની લાલચમાં ભાવનગરના બ્રાહ્મણ પરિવાર રૂ. ૩ લાખમાં છેતરાયો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાતા ચકચાર મચી જવા પામી છે.


Related Articles:
સુલેમાની પથ્થર મેળવવાની લ્હાયમાં ૫૦ હજાર ગુમાવ્યા
તમને કોઈ દાગીના ચમકાવવાની લાલચ આપે તો સાવધાન