વેકરિયા હનુમાન મંદિરની દીવાલ ભરતીના મોજાંથી ધરાશાયી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- હિંગરાજ ગામમાં ભરતીના પાણી પ્રવેશી જતાં માછીમાર પરિવારો મુશ્કેલીમાં મુકાયા અરબી સમુદ્રમાં મંગળવારે બીજની ભરતીના પ્રચંડ મોજાંની થપાટથી વલસાડ દરિયા કાંઠે હિંગરાજ ગામના વેકરિયા હનુમાન મંદિરની દીવાલ ધરાશાયી થઇ ગઈ હતી. ભરતીના પાણી મંદિરના ફરતે ફરી વળ્યા હતા. જેના પગલે દીવાલને નુકસાન પહોંચ્યુ હતું. દરિયાની ભરતીના પ્રચંડ મોજાંએ હિંગરાજ ગામના દરિયા કાંઠાને ધમરોળી નાંખ્યો હતો. છેલ્લા બે દિવસથી દરિયાલાલ કોપાયમાન થયા હોય તેમ વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારોમાં ભરતીના મહાકાય મોજાંથી માછીમારોના રહેણાંકોમાં દરિયાના પાણી પ્રવેશી જતાં માછીમાર પરિવારો કફોડી હાલતમાં મુકાઈ ગયા હતા. મંગળવારે પણ બપોરે અઢી વાગ્યાના સુમારે હિંગરાજ ખાતે હનુમાનજીના મંદિરના પરિસરમાં ભરતીના પ્રચંડ મોજાં ઉછળતાં કમ્પાઉન્ડ વોલ તુટી ગઇ હતી. આ ઘટના સર્જાતાં મંદિરના સંચાલકો ચિંતામાં મુકાયા હતા. આ સ્થળે દર વર્ષે ચોમાસા પહેલાની મોટી ભરતી કાળો કેર વર્તાવી જતી હોય છે. મંદિરની સુરક્ષા માટે બનાવાયેલી દીવાલ ધરાશાયી થતાં નવી દીવાલ તૈયાર કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઇ છે. કારણ કે હજી ચોમાસુ નજીક આવી રહ્યુ છે ત્યારે દરિયો તોફાની બને તેવા સંજોગોમાં સુરક્ષા માટે દીવાલનુ નિમાર્ણ જરૂરી થઇ ગયું છે. મંદિરની સંરક્ષણ દીવાલ મજબૂત કરવા માટે ૬૦ જેટલા મજુરો કામે લગાવી દેવાયા હતા. મંદિરના અગ્રણી મગન ટંડેલ (ચોકી) અન્ય આગેવાનોએ કામગીરી ઉપાડી હતી. પરંતુ ભરતી આવતાં સામગ્રી પણ ભરતીના પાણીમાં તણાઇ ગઇ હતી.