વેટરનરી કોલેજમાં હડતાળ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓએ સરકારના પરિપત્રની હોળી કરી ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓમાં વેટરીનરીના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમ સાથે સરકારે પોલીટેકનિક ઇન વેટરીનરી સાયન્સ તથા પોલીટેકનિક ઇન એનિમલ હસબન્ડરી અભ્યાસક્રમો શરૂ કરતા વેટરીનરી કોલેજોના સ્નાતક અભ્યાસક્રમ કરતા વિદ્યાર્થીઓએ તેનો વિરોધ કરી આ અભ્યાસક્રમો બંધ કરવાની માગ સાથે આંદોલન છેડી દીધું છે. ગુજરાતની ચારેય કૃષિ યુનિવર્સિટીમાં વેટરીનરી કોલેજના વિદ્યાર્થીઓએ આજથી શિક્ષણનો બહિષ્કાર કર્યો છે. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં પણ વનબંધુ વેટરીનરી કોલેજના વિદ્યાર્થીઓએ શિક્ષણનો બહિષ્કાર કરી સરકારના પરિપત્રની હોળી કરી હતી. નવસારીની વનબંધુ વેટરીનરી કોલેજના વિદ્યાર્થીઓ સોમવારે કોલેજ કેમ્પસમાં એકત્ર થયા હતા. જોકે, વિદ્યાર્થીઓ વર્ગખંડમાં ગયા ન હતા. સવારે ૧૧ કલાકે કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓએ તેમની માગના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી પોલીટેકનિક શરૂ કરવાના સરકારના પરપિત્રની હોળી કરી હતી. કોલેજના વિદ્યાર્થી અગ્રણીઓના જણાવ્યા મુજબ ચાર કૃષિ યુનિવર્સિટીઓની વેટરીનરી કોલેજોના ૪૦ વિદ્યાર્થી પ્રતિનિધીઓએ ગાંધીનગર ખાતે કૃષિમંત્રીને રૂબરૂ મુલાકાત લઈ તેમની માંગણી બાબતે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. તેમણે ૧લી ઓક્ટોબર સુધી જો પોલીટેકનિક બંધ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે લડત આગળ ધપાવવા અલ્ટીમેટમ આપ્યું હતું. આ અગાઉ ૧૮ સપ્ટેમ્બરના રોજ નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિને પણ આવેદનપત્ર પાઠવ્યું હતું. વનબંધુ વેટરનરી કોલેજના વિદ્યાર્થીઓ નવસારી ખાતે મંગળવારે તેમની લડતના ભાગરૂપે ગુજરાત સરકારની જાગૃતિ અને પશુઓના સારા સ્વાસ્થ્ય માટે સવારે ૧૦ વાગે યજ્ઞ અને હવનનો કાર્યક્રમ આપશે.