સતત ત્રીજા દિવસે દરિયાનું રૌદ્ર સ્વરૂપ, જુઓ તસવીરો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- દમણ જેટીની સંરક્ષણ દીવાલ પડી ભાંગી, હિંગરાજના વેકરિયા હનુમાન મંદિરની દરિયાઈ ભરતી સામે લડત જારી

ચોમાસુ પૂર્વે જ જુન માસની શરૂઆતમાં જ અરબી સમુદ્રમાં ભરતીનો પ્રારંભ થતાં વલસાડ અને દમણના દરિયાઈ કાંઠાના ગામોમાં ભરતીના પાણી ઘુસી જવાને લઇ માછીમાર પરિવારોની હાલત કફોડી બને છે. જેઠ મહિનાની બીજની ભરતીના બુધવારે બપોરે ૨૦ ફુટ જેટલાં ઊંચા મોજાં ઉછળ્યા હતા. જેમાં મોટી દમણ જેટી પાસેની અવૉચીન સમયની સંરક્ષણ દીવાલ અને વલસાડના કાંઠા વિસ્તારના ગામોમાં તારાજી ફેલાવી હતી. સંરક્ષણ દીવાલને ક્ષતિ પહોંચતા કાંઠા વિસ્તારમાં વસતા માછીમારોના ઘર-આંગણામાં દરિયાઈ પાણી પ્રવેશી ગયા હતા.

વલસાડના મોટી દાંતી, કોસંબા, હિંગરાજ, મગોદડુંગરી અને દીવાદાંડી વિસ્તારોમાં પ્રતિવર્ષ ચોમાસુ બેસતા પહેલા અને ત્યારબાદ વરસાદી ઋતુમાં બીજ અને પૂનમની મોટી ભરતી માછીમારો માટે ચિંતા ઉપજાવનારી બની રહે છે. આ વિસ્તારોમાં સંરક્ષણ દિવાલની કામગીરી સરકાર દ્વારા કરવામાં આવી હતી પરંતુ તોફાની દરિયાના પ્રચંડ મોજાંં દિવાસ સાથે કડાકાભેર અથડાતાં દિવાલમાં ગાબડા પડી જવાના પગલે ભરતીના પાણી કાંઠાના રહેણાંક વિસ્તારો સુધી ફરી વળ્યા હતા. હિંગરાજના વેકરિયા હનુમાનજી મંદિરની દિવાલની મરામત કરવા માટે કોસંબા અને હિંગરાજના માછીમારોએ સવારે તમામ કામો પડતાં મૂકી ઘર બંધ કરી મંદિરે આવી પહોંચ્યા હતા. - ...તો દમણના માર્ગો લુપ્ત થઈ જશે

દરિયાઇ મોજાંએ બુધવારે દમણના દરિયા કિનારાની રેતી ઉલેચી કાઢી હતી, જેથી ધીરે ધીરે જમીનનો વિસ્તાર ઓછો થઇ રહ્યો છે. જ્યાં હજુ જૂન માસની શરૂઆત થઈ છે, ત્યાં તો જુલાઇ અને ઓગસ્ટની ભરતી વિશે વિચારી કાંઠા વિસ્તારના લોકોના રૂંવાટા ઊભા થઈ જાય છે. મોટી દમણનો દરિયા કિનારો આ રીતે તો આવનારા દિવસમાં સાફ થઇ જશે અને માર્ગો પણ લુપ્ત થઇ જશે. આ અંગે પ્રશાસને પગલાં લેવાની જરૂર છે.

- દમણ કિનારે વસતા લોકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું

મોટી દમણ જેટી નજીક કિલ્લાની બાજુમાં બનાવવામાં આવેલી સંરક્ષણ દીવાલ આમ પણ મરણ પથારીએ ઊભી હતી. તેમાં બુધવારે બીજની ભરતીએ જાણે સંરક્ષણ દીવાલનુ આખુ અસ્તિત્વ જ ભૂસી કાઢયું છે. સંરક્ષણ દીવાલની હાલત જોઇ કાંઠા વિસ્તારમાં વસતા લોકો ચિંતાતુર થઇ રહ્યા છે.

- હિંગરાજમાં વેકરિયા હનુમાનજી મંદિરની સુરક્ષા માટે કારસેવા

બુધવારે ભરતી અગાઉ સવારે જ કોસંબા અને હિંગરાજના માછીમારબંધુઓ વેકરિયા હનુમાનજી મંદિરની તૂટી પડેલી દિવાલને બનાવવામાટે કારસેવા શરૂ કરી દીધી હતી. મહિલાઓ, બાળકો, વડીલો અને ગામના યુવાનો તથા આગેવાનો આ કવાયત આરંભી મંદિરની સુરક્ષા માટે કારસેવામાં જોતરાઇ ગયા હતા. બપોરે અઢી વાગ્યા સુધી કોથળીઓ માં રેતી ભરીને સીવ્યા બાદ મંદિરની કમ્પાઉન્ડ વોલ તૈયાર કરવાની કામગીરી હાથ ધરી હતી.

- મોટી દાંતીમાં ભરતીના પાણી ઘર અને મંદિરો સુધી આવ્યા

મોટી દાંતીના માછીમાર અગ્રણી અમૃતભાઇ ટંડેલે જણાવ્યું કે, બુધવારે બપોરે મોટી ભરતીથી દરિયાઇ પાણી સંરક્ષણ દિવાલને કુદાવી કિનારાના રહેણાંક વિસ્તાર સુધી આવી ગયા હતા. ગામના હનુમાન ફિળયા, રામજી મંદિર, અક્ષરધામ, ફુલબાઇ માતા મંદિર તથા મોડર્ન ફિળયા સુધી ભરતીના પાણી ધસી આવ્યા હતા. ગામની સંરક્ષણ દિવાલને અથડાઇને પ્રચંડ મોજાં ઉપર ઉછળી માછીમારોના ઘર સુધી આવી જતાં માર્ગો ઉપર પાણીના દ્શ્યો સર્જાયા હતા.

- કોસંબાની સંરક્ષણ દિવાલમાં ગાબડા પડી ગયા

કોસંબાના માછીમાર અગ્રણી ઇશ્વરભાઇ ટંડેલે જણાવ્યું કે, કિનારા વિસ્તારમાં વિષ્ણુ ભગવાનના મંદિર નજીક સુધી મોટી ભરતીના પાણી ધસી આવ્યા હતા. કોસંબાની સંરક્ષણ દિવાલ અગાઉ બનાવેલી હતી તેમાં દરિયાઇ ભરતીના મહાકાય મોજાંની થપાટોથી ગાબડા પડી ગયા હતા. ૨૦ થી ૩૦ ફુટ સુધીના મોજાં ઉછળતાં આ સ્થિતિ સર્જાઇ છે.