વલસાડ RTOનું સર્વર ઠપ, કામગીરી અટકી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ૨૦થી ૨પ જેટલા કમ્પ્યુટર બંધ થઈ જતા વાહનોના નંબર ન પડી શક્યા - છેલ્લા ચાર દિવસથી વલસાડ અને ડાંગ જિલ્લાના વાહન માલિકો ધક્કા ખાઈ રહ્યા છે વલસાડ આરટીઓ કચેરીમાં છેલ્લા ચાર દિવસથી સર્વર ખોટકાતા વાહનોના નંબર પાડવાની કામગીરીથી માંડીને રજિસ્ટ્રેશનની પણ તમામ કામગીરી ઠપ્પ થઈ જતા લોકો અટવાઈ રહ્યા છે. અંદાજે ૧૦૦૦ જેટલા વાહનોને લગતી વિવિધ કામગીરી ચાર દિવસથી ખોરંભે ચઢતા ગાંધીનગર સુધી ફોનની ઘંટડીઓ રણકી ઉઠી હતી. વલસાડ આરટીઓ કચેરી દ્વારા વલસાડ જિલ્લા સહિ‌ત આહવા અને ડાંગની પણ કામગીરી બજાવવામાં આવે છે. દરમિયાન વલસાડ આરટીઓ કચેરીનું સર્વર ખોટકાતા તમામ કામગીરી થંભી ગઈ હતી. ટુ વ્હીલરથી માંડીને ફોર વ્હીલર, ટ્રક, ટેમ્પો અને રિક્ષા સહિ‌ત અંદાજે ૧૦૦૦ જેટલા વાહનોના નંબર પાડવાની કામગીરી સંપૂર્ણપણે અટકી ગઈ હતી. જેના પગલે વાહનમાલિકોએ રોજે રોજ કચેરીના ધક્કા ખાવા પડ્યા હતા. આરટીઓના ૨૦ થી ૨પ કમ્પ્યુટર બંધ થઈ જતા વિવિધ કામગીરીઓ પણ ઠપ્પ થઈ ગઈ હતી. કેટલાક વાહન ચાલકોએ વાહનોના નંબર પાડવા માટે પૈસા ભરી દીધા હતા પરંતુ રસીદ ન મળતા વાહનોને જે તે સમયે નંબર મળી શક્યા ન હતા. વલસાડ આરટીઓ કચેરી ખાતે છેલ્લા ચાર દિવસથી ધક્કા ખાતા વાહનચાલકોએ જણાવ્યું કે, વાહનોના નંબર પાડવાની કામગીરી તો થંભી જ ગઈ હતી, પરંતુ સાથે સાથે એક વાહન પણ ટ્રાન્સફર કરી શકાયા ન હતા. જો કે ગાંધીનગર અને અમદાવાદથી એન્જિનીયરોની ટીમ વલસાડ આવી પહોંચ્યા બાદ મરામત કામગીરી હાથ ધરતા છેવટે સર્વર કાર્યરત થયું હતું. છેલ્લા ચાર દિવસથી થંભી ગયેલી કામગીરીને પગલે કામનુ ભારણ વધી જતા તેનો નિકાલ લાવવા આરટીઓ દ્વારા મથામણ ચાલી રહી છે. - માર્ગ અને મકાન ખાતાની બેદરકારી ફરી છતી થઈ વલસાડ આરટીઓ કચેરી પાસે વીજ લાઈન નજીક હોવાથી અગાઉ પણ શોર્ટ સર્કિટની ઘટનાઓ બની ચૂકી છે. જે અંગે આરટીઓ દ્વારા માર્ગ અને મકાન ખાતાને જાણ કરવામાં આવી હતી. પરંતુ તેમના દ્વારા કોઈ ગંભીરતા દાખવાઈ ન હતી. જેના કારણે છેવટે આરટીઓના સ્ટાફ અને લોકોએ હેરાન પરેશાન થવુ પડી રહ્યુ છે. હાલમાં પણ બનેલી આ ઘટનામાં મહદ્અંશે માર્ગ અને મકાન ખાતાના અધિકારીઓની નિષ્કાળજી બહાર આવતા આરટીઓ અધિકારી દ્વારા સંબંધિત અધિકારીને રજૂઆત કરવામાં આવી છે. જેથી ફરી નજીવા કારણોસર શોર્ટ સર્કિટની ઘટના ન સર્જા‍ઈ. - સર્વર કેવી રીતે ખોટકાયુ? વલસાડ આરટીઓ કચેરી નજીક પસાર થતી વીજ લાઈન પાસે સ્થાનિક વિસ્તારના યુવાનો લાકડા વડે ઝાડ પરથી આંબલી પાડી રહ્યા હતા ત્યારે એક વીજ તાર બીજા વીજ તાર સાથે સંર્પકમાં આવતા શોર્ટ સર્કિટને પગલે આરટીઓ કચેરીનું સર્વર ધડાકા સાથે ખોટકાઈ ગયું હતું. - સર્વરનું એમપીએસ ઉડી ગયું હતું શોર્ટ સર્કિટને પગલે સર્વરનું એસએમપીએસ ઉડી ગયું હતું. સ્થાનિક કક્ષાએ મરામત કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ સફળતા ન મળતા બાદમાં અમદાવાદથી કંપનીના એન્જિનીયરોની ટીમ વલસાડ આવી હતી. મરામત કર્યા બાદ સર્વર પુન: કાર્યરત થયું છે. - કૃણાલ પટેલ, પ્રોગ્રામર - શોર્ટ સર્કિટને પગલે આ કામગીરી અટકી - વાહનોના નંબર પાડવાની કામગીરી અટકી - એક પણ વાહન ટ્રાન્સફર ન થઈ શક્યા - રજિસ્ટ્રેશન અને ચલણની રસીદ આપવાની કામગીરી ઠપ્પ - નંબર ન પડતા વાહન માલિકે બહાર ગામ જવું હોય તો મુશ્કેલ બન્યું - રવિવારે રજાના દિવસે પણ કામગીરી ચાલુ રહેશે શોર્ટ સર્કિટને પગલે સર્વર ખોટકાતા લોકોને હેરાનગતિ ન થાય તે માટે યુધ્ધના ધોરણે દિવસ-રાત રિપેરીંગ કામગીરી હાથ ધરાઈ હતી. છેલ્લા ચાર દિવસથી કામનુ ભારણ વધી જતા શનિવારે મોડી રાત સુધી અને રવિવારે રજાના દિવસે પણ સ્ટાફ પોતાની ફરજ બજાવશે. - વી.પી.પટેલ, આરટીઓ, અધિકારી