‘રાની’નો આતંક ચાર ગામના લોકો જાતે જ ભરે છે પહેરો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રહેણાકો સુધી આવી જતા પશુને અટકાવવા ચાર ગામમાં લોકોનો રાતે ચોકી પહેરો ભાણદરા, ભીલવસી, સાંકવા અને મોટાઆંબા ગામમાં અજાણ્યા પશુએ મરઘા તથા બકરાનો શિકાર કર્યો છે

નાંદોદ તાલુકાના ભાણદરા, ભીલવસી, સાંકવા અને મોટાઆંબા ગામમાં છેલ્લા ૧પ દિવસથી રાની પશુએ મચાવેલા આતંકને કારણે ગામ લોકોને રાત્રિના સમયે હથિયારોથી સજજ બની ચોકી પહેરો ભરવાની ફરજ પડી રહી છે. અત્યાર સુધીમાં રાની પશુઓ ગામમાં પ્રવેશતી બકરા, મરઘા સહિતના પશુઓનો શિકાર કરી મિજબાની માણે છે.

ભાદરા, ભીલ વસી, સાંવા તેમજ મોટા આંબા ગામમાં સુરગજ ઢળતાંની સાથે સન્નાટો છવાઇ જાય છે અને ગામલોકો મકાનોની બહાર નીકળાવું ટાળી રહ્યાં છે. રાતનું ભોજન પતાવી ગામના પુરુષો હાથમાં હથિયારો લઇ ચોકી પહેરો ભરવા સજજ બને છે. લોકોને ઉજાગરા કરવા માટે ફરજ પાડી રહ્યું છે અજાણ્યું રાની પશુ. આ ચારેય ગામમાં છેલ્લા ૧પ દિવસથી જંગલ વિસ્તારમાંથી અજાણ્યું પ્રાણી ઘરના આંગણામાં બાંધેલા બકરા, મરઘોને શિકાર બનાવે છે.

રાતના સમયે ગુમ થયેલાં પશુની લાશ સીમમાંથી અર્ધ ખાધેલી હાલતમાં મળી આવે છે. અજાણ્યા પશુના ત્રાસમાંથી મુકિત અપાવવા માટે ગામલોકોએ વનવિભાગને રજૂઆત કરી છે પણ અત્યાર સુધી પશુને ઝડપી પાડવામાં સફળતા મળી નથી. નાના બાળકોને અજાણ્યું પ્રાણી ઓહિયા ન કરી જાય તે માટે લોકોએ રાત્રિ પેટ્રોલિંગ શરૂ કરવાનું નક્કી કર્યુ છે.

નાના બાળકોની સલામતીની ચિંતા

અમારા ગામમાં છેલ્લા ૧૫ દિવસથી અજાણ્યું પ્રાણી મરઘા તથા બકરાને ઉપાડીને લઇ જાય છે. ગામલોકો પોતાના પરિવારો સાથે મકાનની બહાર ખાટલો નાંખી સુઇ જતાં હોવાને કારણે નાના બાળકોને પણ પ્રાણી ઉપાડી જાય તેવી શક્યતા હોવાથી અમે રાતે ટોળકી બનાવી ફેરા ફરીએ છીએ તેમજ આગ સળગાવી પ્રાણીને ગામથી દુર રાખવાનો પ્રયાસ કરીએ છીએ. જગદીશ વસાવા , સરપંચ