ભરૂચમાં સવારે વરસાદનાં ઝાપટાથી ઠંડક, તસવીરો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ૧૬ કિમીની ઝડપે પવનો ફૂંકાવા સાથે વાતાવરણમાં આવેલો પલટો
- કેટલાક વિસ્તારોમાં અમી છાંટણા વરસ્યાભરૂચ શહેરમાં રવિવારે વહેલી સવારે ૧૬ કિમી પ્રતિ કલાકની ઝડપે સૂસવાટા મારતા ઠંડા પવનો વચ્ચે આકાશમાં ઘેરાઇ આવેલા વાદળો ઝાપટા સ્વરૂપે વરસી પડતા સર્વત્ર ઠંડક છવાઇ ગઇ હતી. લાંબા સમયથી કાળઝાળ ગરમીમાં કણસતા શહેરીજનોને વરસાદી ઝાપટા અને તેજ ગતિએ ફૂંકાતા પવનોએ રાહત પ્રદાન કરી હતી.નૈઋત્ય દિશામાંથી પવનો ફૂંકાવાની શરૂઆત થતા ભરૂચ શહેર અને જિલ્લાનાં વાતાવરણમાં પલટો આવવા સાથે ધીમે ધીમે ઠંડક પ્રસરી રહી હોય લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત સાંપડી રહી છે. રવિવારે સવારે ૯ વાગ્યા આસપાસ ભરૂચ શહેરનાં આકાશમાં પવનો સાથે ખેંચાઇ આવેલા હળવા વાદળો એકાએક ગરમીનો પારો ગગડી જવાથી વરસી પડતા વાતાવરણમાં ઠંડક ફેલાઇ ગઇ હતી. શહેરનાં આકાશમાં ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો ઝાપટા સ્વરૂપે વરસી પડતા શહેરીજનો માટે રવિવાર આહલાદક બની ગયો હતો.૫થી ૭ મિનિટ સુધી વરસેલા હળવા ઝાપટાથી એક સમયે વરસાદી માહોલ જામ્યો હોવાનો અહેસાસ થયો હતો. જો કે ૧૬ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનોએ આકાશમાં ઘેરાયેલા વાદળોને હડસેલી દેતા ટૂંક સમય માટે વરસી પડેલી વાદળી દૂર હડસેલાઇ જતા વાદળો વિખેરાઇ ગયા હતા.કૃષિ યુનિવર્સિટીનાં સહસંશોધક વૈજ્ઞાનિક મુકેશ પટેલે જણાવ્યું હતું કે, નૈઋત્યમાંથી પવનો ફૂંકાવાની શરૂઆત થવા સાથે વાદળોનું આવાગમન શરૂ થઇ ગયું છે. છેલ્લા એક સપ્તાહથી પવનની ગતિ વધી જતા આકાશમાં ઉપર સર્જાતા હળવા દબાણ અને ઠંડકનાં પગલે વાદળો આજે ઝાપટા સ્વરૂપે વરસી પડ્યા હતા. વાદળો બંધાવવાની શરૂઆત થતા ભરૂચમાં ચોમાસુ વહેલું સક્રીય થાય તેવા અણસાર છે.- રવિવારે દિવસભર બન્ને જિલ્લામાં વાદળો છવાયેલા રહ્યાંસુસવાટા મારતા ઠંડા પવનો વચ્ચે રવિવારે ભરૂચ અને નર્મદા જિલ્લાનાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા રહ્યાં હતા. જો કે પવનની ગતિ તેજ હોવાથી વાદળોને પવન પોતાની સાથે ખેંચી જતા ભરૂચ શહેરને બાદ કરતા અન્ય કોઇ તાલુકામાં વરસાદી ઝાપટું વરસ્યું ન હતું. અંકલેશ્વર, જંબુસર, હાંસોટ, પાલેજ, આમોદ, વાગરા તેમજ નર્મદા જિલ્લામાં રાજપીપળા, સેલંબા, સાગબારા અને તિલકવાડા તાલુકામાં દિવસભર વાદળો છવાયેલા રહેવા સાથે પવનોનું જોમ યથાવત રહેતા રવિવાર લોકો માટે આહલાદક બની ગયો હતો. શનિવારે મોડી રાતે જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં અમી છાંટણા પણ વરસ્યા હતા.- શહેરનાં તાપમાનમાં સીધો ૬ ડિગ્રીનો ઘટાડોસવારે ૯ કલાકે ભરૂચ શહેરમાં વરસાદી ઝાપટું વરસ્યાં બાદ ગરમીનાં મહત્તમ પારામાં એકાએક ૬ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રીથી ગગડીને ૩૩ ડિગ્રીએ પહોંચી જતા આકરી ગરમીમાંથી શહેરીજનોને રાહત સાંપડવા સાથે વાતાવરણમાં આંશિક ઠંડક પ્રસરી ગઇ હતી.- લઘુત્તમ તાપમાન પણ ૨ ડિગ્રી ગગડ્યુંભરૂચમાં વહેલી સવારે વરસી પડેલા ઝાપટાને પગલે ૨૮ ડિગ્રી ઉપર રહેતો લઘુત્તમ તાપમાનનો પારો પણ નીચે ગગડ્યો હતો. વરસાદી ઝાપટા બાદ ન્યૂનત્તમ તાપમાન ૨ ડિગ્રી ઘટીને ૨૬ ડિગ્રીએ પહોંચી ગયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૩ ટકા નોંધાયું હતું.- નૈઋત્ય દિશામાંથી પ્રતિ કલાકે ૧૬ કિમીની ઝડપે પવનો ફૂંકાયાનૈઋત્ય દિશામાંથી પ્રતિ કલાકે ૧૬ કિલોમીટરની ઝડપે પવનોએ ફૂંકાવાની શરૂઆત કરતા ગરમીનો ગ્રાફ નીચો આવવા સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે. આકાશમાં વાદળો બંધાવવાની શરૂઆત થતા ભરૂચનાં મક્તમપુર સ્થિત કૃષિ યુનિવર્સિટીનાં હવામાન વિભાગે ભરૂચમાં વરસાદનું આગમન વહેલું થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.તમામ તસવીરો વિકી જોષી, ભરૂચ