બોરસીમાં સંરક્ષણ દિવાલનું કામ પૂરજોશમાં

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વોલ અંદાજે ૨થી પ ટન વજન ધરાવતા રબલ મેટલ ગોઠવીને બનાવવામાં આવી રહી છે બોરસી-માછીવાડ ગામ ચોમાસાની સિઝનમાં દરિયો રૌદ્ર સ્વરૂપ ધારણ કરી તોફાની મોજા કિનારાને ઓળંગીને રહેણાંકવાળા વિસ્તારોમાં ફરી વળતા રહીશોના ઘરમાં દરિયાના પાણી ફરતા થઈ જતા હતા. ગ્રામજનોનું જીવન અસ્તવ્યસ્ત થઈ જતું હતું. આ પ્રશ્નનો હવે મહદ્અંશે અંત આવી જશે. હાલમાં દરિયાનું પાણી ગામમાં ઘૂસી ન જાય તે માટે ટેમ્પરરી પ્રોટેકશન વોલનું કામ રાત-દિવસ પૂરજોશમાં ચાલી રહેલું જોવા મળે છે. બોરસી માછીવાડ (દીવાદાંડી) ગામના રહીશો છેલ્લા ઘણાં વર્ષોથી ચોમાસા ટાણે ગામમાં ફરી વળતા દરિયાના પાણીથી પીડાતા હતા. ઘરની વખરીને થતા નુકસાનથી આર્થિ‌ક ફટકા સાથે બીમારીનો પણ ભોગ બનતા હતા. આ બાબતે સરકારમાં દર વર્ષે રજૂઆતો થતા ડ્રેનેજ વિભાગ દ્વારા અંદાજે ૬૩૦ મીટર જેટલી લંબાઈની ટેમ્પરરી પ્રોટેકશન વોલ અંદાજે રૂ. ૨ કરોડ ખર્ચીને બનાવાઈ રહી છે. જેનું કામકાજ હાલ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આ વોલ અંદાજે ૨થી પ ટન વજન ધરાવતા રબલ મેટલ ગોઠવીને બનાવવામાં આવે છે. આ પથ્થરોને સોનગઢના ડુંગરોમાંથી લાવવામાં આવે છે. નવસારી ડ્રેનેજ વિભાગના ડે.ઈજનેર એન.એસ. ચિનાઈએ જણાવ્યું હતુ કે પ્રોટેકશન વોલ બનાવવા માટે ૨ મીટરની ઉંચાઈ સુધી પથ્થરોને ગોઠવી ૧૨ મીટર જેટલી પહોળાઈ બનાવવામાં આવશે. ખાસ કરીને હાઈ ટાઈડ અને લો ટાઈડ લેવલનો સરવે કરીને તે મુજબ પથ્થરોની ગોઠવણ કરાઈ રહી છે. ખરેખર પ્લાન અને સ્કિમ મુજબ માછીવાડ ગામના દરિયાકિનારે કુલ ૨૪૬૦ મીટર લાંબી પ્રોટેકશન વોલ બનાવવામાં આવશે અને તે માટે અંદાજે ૪પ કરોડની સ્કિમ બનાવાઈ છે. ચાલુ વર્ષે ચોમાસામાં કુદરતી આફતથી ગામમાં પાણી ઘૂસી ન જાય તે માટે હાલમાં વાપલા ફળિયાથી શરૂ કરીને ગુજરાતી સ્કૂલ ફળિયા સુધીની બનાવવાનું આયોજન હાથ ધરાયું છે.