વલસાડના પોલીસ જમાદારની પુત્રીનો રહસ્યમય આપઘાત

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરણ-૯માં અભ્યાસ કરતી વિદ્યાર્થિ‌નીએ રાત્રે ઝેર ગટગટાવી પથારીમાં મોતની ચાદર ઓઢી લીધી આત્મહત્યાનું કારણ શોધવાની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી વલસાડ ડીએસપી કચેરીની પાસપોર્ટ શાખામાં ફરજ બજાવતા એક હેડ કોન્સ્ટેબલની ૧પ વર્ષની પુત્રીએ રાત્રે પોતાના બેડરૂમમાં ઝેર ગટગટાવી લેતા શનિવારે સવારે પરિવારજનોને પથારીમાંથી મૃતદેહ મળ્યો હતો. વલસાડની કોન્વેન્ટ હાઈસ્કૂલમાં ધો.૯માં અભ્યાસ કરતી આ તરૂણીના મોતને પગલે શાળા પરિવારમાં પણ ગમગીનીનો માહોલ ફેલાયો હતો. વલસાડ ડીએસપી ઓફિસની પાસપોર્ટ શાખામાં ફરજ બજાવતા હે.કો.ધનસુખ રતિલાલ પટેલ (રહે.દયાળજી વાડી,ભવાની માતા મંદિર પાસે, ઝરણા પાર્ક, અબ્રામા,વલસાડ)ને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જે પૈકી નાની પુત્રી ફાલ્ગુની વલસાડની કોન્વેન્ટ હાઈસ્કૂલમાં ધો.૯માં અભ્યાસ કરતી હતી. શુક્રવારની સાંજે ફાલ્ગુની સાથે એવી કોઈ ઘટના બની હતી કે જેના કારણે તેણે પોતાના માતા-પિતાની પણ પરવા કર્યા વિના જીવન ટૂંકાવવાનો નિર્ણય લઈ લીધો હતો. જેને અંજામ આપવા માટે ફાલ્ગુનીએ રાત્રિ દરમિયાન જ પોતાના બેડરૂમમાં ઝેરી પ્રવાહી ગટગટાવી લીધું હતું. જે અંગે પરિવારજનો બેખબર હતા. શનિવારે સવારે ૮:૧પ વાગ્યે માતા-પિતાએ ફાલ્ગુનીને પથારીમાંથી જગાડવાનો પ્રયાસ કરતા મૃત હાલતમાં હોવાનું જાણવા મળ્યુ હતું. બાદમાં પિતા ધનસુખભાઈએ આ અંગે વલસાડ સિટી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે સીઆરપીસી ૧૭૪ મુજબ બનાવની નોંધ કરી વધુ તપાસ પીએસઆઈ વિક્રમસિંહ ડાભી કરી રહ્યા છે. ફાલ્ગુની કયા કારણોસર આત્મહત્યા કરવા માટે મજબૂર બની ગઈ હતી, તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આ સિવાય જો કોઈકે ફાલ્ગુનીને આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા આપી હોય તેવું તપાસ દરમિયાન માલૂમ પડશે, તો તેની સામે પણ કાર્યવાહી કરવાની પોલીસે તૈયારી દર્શાવી છે. આ બનાવને પગલે પોલીસ બેડામાં ગમગીનીનો માહોલ પ્રસરી ગયો હતો. મોટી સંખ્યામાં પોલીસ મિત્રો ધનસુખભાઈના નિવાસ સ્થાને પહોંચ્યા હતા.