અંચેલી ગામ નજીક સુપર ફાસ્ટ ટ્રેનમાંથી પડી જતાં યુવાનનું મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંચેલી ગામ નજીક સુપર ફાસ્ટ ટ્રેનમાંથી પડી જતાં યુવાનનું મોત સુરતનો યુવાન મુંબઈથી ટ્રેનમાં આવતી વેળા કાળનો કોળિયો બન્યો અંચેલી પાસે સુપરફાસ્ટ ટ્રેનમાંથી સુરતનો યુવાન પડી જતા એજ ટ્રેન નીચે આવી જતા એનું સ્થળ ઉપર જ મૃત્યુ થયું છે. બીલીમોરા રેલવે આઉટપોસ્ટ પોલીસના જણાવ્યા મુજબ શુક્રવારે રાત્રે પોણા બાર વાગ્યાના સુમારે મુંબઈથી સુરત તરફ જતી સુપરફાસ્ટ ટ્રેનમાં મધ્યપ્રદેશનો મુળ રહેવાસી અને હાલ સુરત-ભટાર, આઝાદ નગરની સોમનાથ સોસાયટીમાં રહેતો સંજયકુમાર નારાયણદાસ તિવારી મુંબઈથી સુરત આવી રહ્યો હતો. જે ચાલુ ટ્રેનમાંથી અંચેલી સ્ટેશન પાસેની કિ.મી. ૨૨પ/૮-૧૦ વચ્ચે પડી જતા એજ ટ્રેન નીચે આવી જતા તેના શરીરનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સંજયકુમાર તિવારી (ઉ.વ. ૩૮) ડ્રાઈવિંગનું કામ કરતો હતો. જે શુક્રવારે સુરતથી મુંબઈ ડ્રાઈવિંગ લાયસન્સ રિન્યુ કરાવવા ગયો હતો અને ત્યાંથી સુપર ફાસ્ટ ટ્રેનમાં સુરત આવી રહ્યો હતો ત્યારે ચાલુ ટ્રેનમાંથી પડી જતા તેનું સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું. આ સુપર ફાસ્ટ ટ્રેનની પાછળ આવેલી વિરાર શટલ ટ્રેન જ્યારે અંચેલી સ્ટેશને આવી ત્યારે તેમાંથી ઉતરેલા મુસાફરોએ રેલવે ટ્રેક ઉપર કોઈ યુવાન મૃત હાલતમાં જોતા નજીકના ગેટ નં. ૧૧૪ ઉપર ફરજ બજાવતા મહેશભાઈને જાણ કરી હતી. મહેશભાઈ સ્થળ ઉપર જઈ જોયું તો કોઈક યુવાન ખૂબ જ ખરાબ રીતે ટ્રેન નીચે આવી જતા મૃત હાલતમાં હતો. તેમણે સરપંચને સ્થળ પર બોલાવી યુવાનના મૃતદેહને રેલવે ટ્રેક ઉપરથી બાજુમાં ખસેડી લીધો હતો. મહેશભાઈએ મૃતદેહના ખિસ્સા તપાસતા તેમાંથી મોબાઈલ મળી આવતા તેમના નંબરો ઉપર ફોન કરતા સામે સંજય તિવારીના ભાઈએ ફોન ઉપાડતા એમને બધી વાત જણાવી તુંરત આવવા જણાવ્યું હતું.