અકસ્માતમાં ૧નું મોત, ૪ને ઈજા

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડિયા પંથકમાં અકસ્માતના અલગ અલગ ત્રણ બનાવમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે ચાર શખ્સોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાને કારણે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ઝઘડિયા તાલુકામાં આવેલાં ખરચી ગામે રહેતાં મનહરભાઈ પટેલ સોમવારે તેઓ પોતાની સાઈકલ લઈને ખરચી બસ સ્ટેન્ડથી ઝઘડિયા તરફ કડિયાકામ કરવા માટે જઈ રહ્યાં હતાં તે વેળાં સામેથી પુર ઝડપે ધસી આવેલા એક ટેમ્પા ચાલકે તેમને અડફેટમાં લીધા હતાં. અકસ્માતમાં ટેમ્પાનું તોતિંગ પૈંડુ તેમના પેટના ભાગે ચઢી જતાં ગંભીર ઈજાના કારણે તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું.અકસ્માત સર્જયા બાદ ટેમ્પો ચાલક ટેમ્પો સ્થળ ઉપર મુકીને નાસી છુટયો હતો. બનાવની જાણ થતા ઝઘડિયા પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી આવી મૃતદેહને પી.એમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. બનાવ સંદર્ભે મૃતકના પુત્રએ ટેમ્પો ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બીજા બનાવમાં અંકલેશ્વરના અંદાડા ગામે રહેતાં ધીરજસિંગ લક્ષ્મણસિંગ મૌર્યના મિત્ર અંકિત જયંતિ વાળંદના પિતા બીમાર હોવાથી ધીરજસિંગ તેમજ અંકિત તેમની મારૂતીવાન લઈને ઝાડેશ્વરથી બીરલા સેન્ચ્યુરીના કર્મી‍ઓને લઈને કંપની તરફ જઈ રહ્યાં હતાં તે વેળાં રાણીપરા ગામ પાસેથી પસાર થતા સમયે એક ડમ્પરના ચાલકે પુર ઝડપે ધસી આવી એક ટ્રકને ઓવરટેક કરવા જતાં તેમની મારૂતીવાન સાથે સામેથી ધડાકાભેર અકસ્માત સર્જયો હતો. અકસ્માતને પગલે ધીરજ તેમજ અંકિતને ગંભીર ઈજાઓ થતા બન્નેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. ત્રીજા બનાવમાં અંકલેશ્વરમાં સુરવાડી ગામે રહેતાં અજય અમરસંગ વસાવા તેમજ બોરભાઠા બેટના જયંતિ સુરેશ વસાવા તથા યોગેશ રેવાદાસ પટેલ મોટરસાઈકલ લઈને ગુમાનદેવ મંદિરે દર્શને જઈ રહ્યાં હતાં તે વેળાં સામેથી આવી રહેલા અંકલેશ્વરના મોદીનગર પાસે આવેલા સુંદરમપાર્ક ખાતે નિર્મલકુમાર છગનલાલ જૈને તેની હોન્ડાસિટી કાર મોટરસાઈકલ સાથે અથાડી દેતાં ત્રણેયને ઈજાઓ થઈ હતી. નિર્મલકુમાર જૈને ૧૦૮ની મદદથી ઈજાગ્રસ્તોને ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયાં હતાં.