વાપી સ્ટેશને બે સંતાનની નજર સામે માતાનું મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાર વર્ષની પુત્રી ટ્રેનમાં ચઢતા રહી જતાં એક વર્ષની બાળકી સાથે માતાએ છલાંગ લગાવતા બનેલી ઘટના વાપી રેલવે સ્ટેશને શનિવારે બપોરે બે માસુમ સંતાનની નજર સમક્ષ જ માતા સુરતથી ઉમરગામ તરફ જતી ટ્રેનની અડફેટે આવી જતાં કમકમાટી ભર્યુ મોતને ભેટી હતી. એક વર્ષના સંતાનને લઇને માતા અને પિતા ટ્રેનમાં ચઢી ગયા હતા જોકે, ચાર વર્ષની પુત્રી પ્લેટફોર્મ પર રહી જતાં માતાએ ટ્રેનમાં કૂદવાના પ્રયાસમાં ટ્રેન નીચે કચડાય ગઇ હતી. જોકે, એક વર્ષની બાળકીનો અદભુત બચાવ થયો હતો. સેલવાસના બાવીસા ફળિયા સ્થિત સિવિલ હોસ્પિટલ નજીક રહેતા મૂળ મધ્યપ્રદેશના સંતરપુર જિલ્લાના ગોપાલ કોદાર પરિવાર સાથે મજૂરી કામ કરવા માટે આવ્યા હતા. શનિવારે બપોરે તેઓ સેલવાસમાં કામ પૂર્ણ કરીને વધુ કામની શોધમાં ઉમરગામ જઇ રહ્યા હતા. વાપી સ્ટેશને સાડા બાર કલાકે સુરતથી ઉમરગામ તરફ જતી મેમુ ટ્રેન દ્વારા આ પરિવાર જવાનો હતો. વાપી સ્ટેશને પ્લેટફોર્મ નંબર ૨ પર ઉમરગામ તરફ જતી મેમુ ટ્રેન આવી પહોંચી ત્યારે ગોપાલ કોદાર અને તેની પત્ની અનિતા પોતાના એક વર્ષના બાળકી રોશનીને ઊંચકી ટ્રેનમાં ચઢી ગયા હતા. જોકે, કોઇક કારણોસર ચાર વર્ષની પુત્રી શીલા ટ્રેનમાં ચઢી શકી ન હતી. ટ્રેન ચાલુ થયા બાદ માતા અનિતાને પોતાની પુત્રી ટ્રેનમાં ન દેખાતા એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના ટ્રેનમાંથી ઝંપલાવી દીધું હતું. અનિતા પ્લેટફોર્મ પર કૂદવાના બદલે સીધી ટ્રેનના દરવાજાના ગેપમાંથી ટ્રેક માં ગરક થઇ ગઇ હતી. અનિતાના શરીર પરથી ટ્રેન પસાર થઇ જતાં તેનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યુ કરૂણ મોત થયું હતું. વાપી રેલવે પોલીસે આકસ્મિક મોત અંગેની ફરિયાદ લઇ વધુ તપાસ જમાદાર પરવતસિંગ કરી રહ્યા છે. એક વર્ષની બાળકીનો આબાદ બચાવ ચાર વર્ષની પુત્રી ટ્રેનમાં ચઢી ન શકતા માતાએ એક વર્ષની પુત્રીને ઉંચકી ટ્રેનમાંથી કૂદી પડી હતી. જો કે, ટ્રેનમાંથી કૂદતા પહેલા માતાએ એક વર્ષની પુત્રી રોશનીને પ્લેટફોર્મ પર ફેંકી દેતા તેનો આબાદ બચાવ થયો હતો. જયારે માતા અનિતા ટ્રેનની અડફેટે આવતા મોતને ભેટી હતી.