સાપુતારાની તળેટીમાં દીપડાનાં બે બચ્ચા મળી આવ્યાં

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોટમદર ગામે દીપડી ચાર બચ્ચા સાથે દેખાઇ હતી, બે ઘરમાં બચ્ચા ઘુસી ગયા ગિરિમથક સાપુતારાના તળેટીના કોટમદર ગામમાં બે અલગ અલગ ઘરોમાં દીપડાના બચ્ચા ઘૂસી જતા ગામમાં દહેશતનો માહોલ સર્જા‍યો હતો. જોકે વહેલી સવારે દીપડાના બચ્ચા ઘરમાં હોવાની જાણ થતા સ્થાનિક યુવાનોએ સલામત રીતે બચ્ચાને ઘરમાંથી બહાર કાઢી વનવિભાગને સોંપ્યા હતા. કોટમદર ગામના લોકોએ બે દિવસ અગાઉ આ વિસ્તારમાં દીપડીને ચાર બચ્ચા સાથે જોઇ હતી. પ્રાપ્ત માહિ‌તી અનુસાર સાપુતારાના તળેટીના કોટમદર ગામમાં રાત્રિ દરમિયાન ગુલાબભાઈ ગાયકવાડ તથા વિજય બાગુલના ઘરમાં દીપડીના બચ્ચા ઘૂસી ગયા હતા. મળસ્કે પાંચેક વાગ્યે ઘરના સભ્યો જાગતા દીપડાનો ઘૂરાટનો અવાજ સંભળાતા શોધખોળ કરતા ઘરમાં પલંગ નીચેથી દીપડીનું બચ્ચુ મળી આવ્યું હતું. જ્યારે આજ રીતે વિજય બાગુલના ઘરે પણ દીપડીનું બચ્ચુ મળી આવ્યું હતું. આ અંગેની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને વન વિભાગને જાણ કરતા સવારે નવેક વાગ્યે શામગહાન રેંજનો સ્ટાફ આવી પહોંચતા સ્થાનિક યુવાનોએ બચ્ચાને સોંપ્યા હતા. વધુમાં એક બચ્ચુ વધુ અશક્ત જણાતા તેને સારવાર અર્થે આહવા લઈ જવાયું હતું. જ્યારે એકને શામગહાન રેંજ કચેરીએ જ સારવાર અપાઈ હતી. શામગહાન રેંજના આરએફઓ સંતોષભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દીપડી બચ્ચા માટે રઘવાયી બનવાની શક્યતા કોટમદર ગામના લોકોએ દીપડીને ચાર બચ્ચા સાથે જોઇ હતી. દીપડીને ચાર બચ્ચા પૈકી બે બચ્ચા આ રીતે ખોવાયા છે ત્યારે દીપડી રઘવાયી બનશે એવી દહેશત સ્થાનિક વ્યક્ત કરી રહ્યા છે. આ દીપડી સાપુતારાના સનરાઈઝ ડુંગર પર વસવાટ કરતી હોવાનું જણાવી ચોમાસાની સિઝન આવી રહી છે ત્યારે ખેતરમાં આવનજાવન વધશે તે સંજોગોમાં વન વિભાગ લોકોની સલામતીની કાર્યવાહી કરે તેવી માગ પણ સ્થાનિકો કરી રહ્યા છે.