નવસારીમાં જમીનની કિંમત આકારવા તંત્ર ઉદાસીન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેલવે ફ્રેઇટ કોરિડોરમાં ખેડૂતોની જમીનની વ્યાજબી કિંમત નક્કી કરવા તંત્રની આડોડાઈ દિલ્હી-મુંબઈ ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર અંતર્ગત જવાહરલાલ નહેરૂ પોર્ટ (મુંબઈ-મહારાષ્ટ્ર)થી દાદરી સુધી માલસામાનની હેરફેર માટે રેલવે મંત્રાલય દ્વારા કમ્પ્યુટર સંચાલિત મલ્ટી મોડેલ હાઈ એક્સલ લોડ ડીએફસી પ્રોજેક્ટ અમલમાં મુકાઈ રહ્યો છે. ફ્રેઇટ કોરિડોરમાં ગુડ્ઝ ટ્રેનો માટે વધારાની રેલવે ટ્રેક બનાવવાની આ યોજનામાં હજારો હેકટર જમીનનું સંપાદન કરાશે. આ ફ્રેઇટ કોરિડોર નવસારી જિલ્લામાંથી પણ પસાર થશે જે માટે જલાલપોર તથા નવસારી તાલુકાની અંદાજે દોઢસો હેકટરથી વધુ જમીન સંપાદિત થશે. સંપાદિત જમીનનું યોગ્ય વળતર આપવા વારંવાર રેલવેના તથા સ્થાનિક સક્ષમ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવા છતાં ખેડૂતોની આ રજૂઆતોનો કોઈ પ્રતિભાવ સાંપડ્યો નથી. આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર જલાલપોર તાલુકાના તવડી ગ્રામપંચાયતની હદમાં આવેલી બિનઉપજાઉ સરકારી જમીનનો ભાવ ૧ ચો.મી.નાં રૂ.૧૭૫૦ અથૉત ૧ એકરના રૂ.૭૦.૮૪ લાખ નિધૉરિત થયા છે. જેની સામે ખેડૂતોની બે પાકવાળી પિયત જમીનનું યોગ્ય વળતર આપવા માટે રેલવે તંત્ર તથા સ્થાનિક તંત્ર દુર્લક્ષ સેવી રહ્યું હોય એવું જણાય છે. આ બાબતે અસરગ્રસ્ત ખેડૂતોએ ફળાઉ વૃક્ષો તથા ખેતીની વાર્ષિક ઉપજ પ્રમાણે વળતર નક્કી કરવા રજૂઆત કરી છે. જોકે, ખેતીની જમીનનાં ૧ ચો.મી.ના રૂ.૬૭ મુજબ એટલે કે ૧ એકરના રૂ.૨.૭૦ લાખ જેટલી કિંમત નક્કી કરી હોવાનું જાણમાં આવ્યું છે. જોકે આ બાબતે સક્ષમ અધિકારીઓ ફોડ પાડીને વાત કરવા તૈયાર નથી. ફ્રેઇટ કોરિડોરમાં જેમની જમીન સંપાદનમાં જવાની છે એવા કડોલીના ખેડૂત રાકેશભાઈ નાયક જણાવે છે કે, આ યોજનાના જવાબદાર અધિકારીઓ દ્વારા સપ્ટેમ્બર ૨૦૧૦, નવેમ્બર ૨૦૧૦ તથા નવેમ્બર ૨૦૧૧માં નવસારી ખાતે ખેડૂતોની રજૂઆતો સાંભળવા લોક સંવાદ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ખેડૂતો દ્વારા કરાયેલી રજૂઆતો પૈકી એકપણ રજૂઆતનો સાનુકૂળ પ્રતિભાવ હજુ સુધી મળ્યો નથી. તેઓ જણાવે છે કે, ૪૫૦૦૦ કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ નિર્માણમાં સૌથી મહત્વની બાબત જમીન છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા પાંચેક વર્ષ નીકળી જશે. એ દરમિયાન સિમેન્ટ, સ્ટીલ, ઇંટો, રેતી, મજૂરી ભાવમાં ઉત્તરોત્તર વધારો થશે અને એ પ્રમાણે સરકાર અને ભાગીદાર કંપની કિંમત ચૂકવશે. રેલવે આ જમીન વાણીજય હેતુ માટે સંપાદન કરાવે છે. ત્યારે આ જમીનનું હાલના વાણિજ્ય દર પ્રમાણે વળતર મળવું જોઈએ. હાલના સંજોગોમાં (એક વર્ષ અગાઉ) આ વળતર ૧ ચોે.મી.ના રૂ.૫૨૦૦ના દરે મળવું જોઈએ. આ બાબતે ખેડૂતો વતી સતત લડત આપી રહેલા અગ્રણી ખેડૂત નટુભાઈ નાયક જણાવે છે કે, આઝાદીના સંગ્રામમાં ગામડાના કિસાનની તાકાત એક મોટી મૂડી હતી એવું ગાંધીજી કહેતા હતા. આઝાદીના આટલા વરસો પછી પણ ભારતમાં આજે સૌથી વધુ કોઈ દુ:ખી હોય તો તે ખેડૂત છે. વિકાસના નામે ૭૦ ટકા ખેડૂતો પિસાઈ રહ્યા છે. રાજ્ય કે દેશની દરેક સરકારોની નીતિ હંમેશા ઉદ્યોગલક્ષી રહી છે. કોઇપણ સરકારે ખેડૂત કે ખેતીલક્ષી નીતિ અપનાવી નથી. તેઓ જણાવે છે કે, રેલવે જમીન અધગિ્રહણ ૨૦૦૭ના કાયદાની કલમ ૨૦જી મુજબ જાહેરનામું પ્રસિદ્ધ થાય તે તારીખની જંત્રી અગર રજિસ્ટર્ડ દસ્તાવેજોની સરેરાશ ઉંચમાં ઉંચી કિંમતનું વળતર ચૂકવવાનું હોય છે. વાસ્તવમાં જાહેરનામાની પ્રસિદ્ધિના પાંચ-સાત વર્ષ પછી જમીન સંપાદન થતી હોય ત્યારે તે વખતના બજારભાવ ખેડૂતોને મળતા નથી. કંમત નક્કી કરવા અધિકારીઓ ફરક્યા જ નહીં ગત તા.૧૪ માર્ચ ૨૦૧૨ના રોજ રેલવેમાં સક્ષમ અધિકારી તથા નવસારીના પ્રાંત અધિકારીએ જમીનની કિંમત નક્કી કરવા અસરગ્રસ્ત ખેડૂતોને પ્રાંત કચેરીએ બોલાવ્યા હતા. એ દિવસે મરોલી, કડોલી, વેડછા વિભાગના ૪૦થી વધુ ખેડૂતો પ્રાંત કચેરી પહોંચી ગયા હતા. જોકે, સૌના આશ્ચર્ય વચ્ચે એ દિવસે એકપણ જવાબદાર અધિકારી પ્રાંત કચેરીમાં ફરકયો સુધ્ધાં ન હતો. દોઢ બે કલાક રાહ જોયા બાદ આખરે તમામ ખેડૂતોએ નિધૉરિત મિટિંગમાં ભાગ લેવા તેઓ હાજર હતા એ મતલબનું લખાણ કરી પ્રાંત કચેરીના કલાર્ક પાસે સહી સિક્કા કરાવ્યા હતા. રાકેશભાઈ નાયક, ખેડૂત કડોલી, માહિતી બે દિવસ બાદ મળશે આજે કચેરી બંધ છે તથા આગામી દિવસોમાં મહેસુલ મંત્રી નવસારીની મુલાકાતે આવી રહ્યા હોય આ સંદર્ભની માહિતી બે-ત્રણ દિવસમાં મળશે. સી.બી. બલાત, પ્રાંત(સક્ષમ) અધિકારી, નવસારી ગુજરાત સરકારની ઘોર બેદરકારી ભારત સરકાર અને ગુજરાત સરકાર બંને ખેડૂતલક્ષી હોવાના માત્ર દેખાવ કરે છે. કોઈપણ સરકારે ખેડૂતોના હિતમાં કંઈ જ કર્યું નથી. જમીન સંપાદન અને તેના વળતર બાબતે મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, પંજાબ તથા યુ.પી. સરકારે ખેડૂતોને તેમની જમીનના વ્યાજબી ભાવ (બજાર કિંમત) મળે એવા કાયદા ઘડી તેઓને કાયદાથી રક્ષિત કર્યા છે. જેના પગલે આ રાજ્યોના ખેડૂતોને તેમની જમીનના બદલામાં વ્યાજબી વળતર મળ્યું છે. જ્યારે ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂતોના આ પ્રશ્ને ગુજરાત સરકારે ઘોર બેદરકારી દાખવી છે. પીપીપીના ઓથા હેઠળ ઉદ્યોગ જગતને જમીનની લહાણી કરીને ખેડૂતોને પારાવાર નુકશાન કર્યું છે. નટુભાઈ નાયક, ખેડૂત અગ્રણી, નવસારી