દમણના યુવાને સોપારી લઇ મુંબઇમાં હત્યા કરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મુંબઇની ક્રાઇમ બ્રાન્ચે હત્યાની સોપારી આપનારની ધરપકડ કરી દમણ ફરી વાર ગુનેગારોનું આશ્રય સ્થાન બન્યું - ટ્યૂશન આપનારને વિદ્યાર્થીના માતા સાથે પ્રેમ થતાં તેના પિતાએ કાઢી મુક્યો હતો, જેની અદાવતમાં પિતાની હત્યા મુંબઇના કાંદિવલીમાં થયેલી હત્યાનો રેલો છેક સંઘ પ્રદેશના દમણ સુધી પહોંચ્યો છે. બાળકને ટ્યૂશન આપતા યુવાનને બાળકની માતા સાથે પ્રેમ થયો હતો. જો કે, આ પ્રેમ પ્રકરણનો અંત આવતા યુવકે દમણના યુવાનને સોપારી આપીને હત્યા કરાવી હોવાનું બહાર આવ્યું હતું. મુંબઇ ક્રાઈમ બ્રાન્ચે હત્યાની સોપારી આપનાર આરોપીની ધરપકડ કરી અઢી લાખ રૂપિયામાં હત્યાની સોપારી લેનાર યુવાનની શોધ કરી રહી છે. મુંબઇ કાંદિવલીના હનુમાન નગરમાં રહેતા ૪૧ વર્ષના ઘનશ્યામ વિશ્વકર્માની થોડા સમય અગાઉ હત્યા થયેલી લાશ નજીકના નાળામાંથી મળી આવી હતી. મુંબઇ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ અંગે તપાસ કરાતા તેની હત્યા બે વર્ષ અગાઉ ઘનશ્યામના પુત્રને ટયુશન કરાવતા શ્યામબહાદુર ફુલચંદ યાદવે કરાવી હોવાનું બહાર આવતા પોલીસે મંગળવારે તેની ધરપકડ કરી હતી. યાદવને વિશ્વકર્માની પત્ની સાથે પ્રેમ થઇ ગયો હતો. આ પ્રેમ પ્રકરણની જાણ થતાં જ ઘનશ્યામે ઝઘડો કરીને યાદવને કાઢી મૂકયો હતો. આ ઝઘડાની અદાવત રાખીને તેનો હંમેશા માટે કાંટો કાઢવા માટે તેણે સંઘ પ્રદેશ દમણમાં રહેતા અને ભંગારનો વ્યવસાય કરતા પ્રમોદ યાદવને અઢી લાખ રૂપિયામાં ઘનશ્યામની હત્યા કરવા માટે સોપારી આપી હતી. પ્રમોદે વ્યવસાયે સુથાર ઘનશ્યામને કામનો મોટો કોન્ટ્રાકટ આપવાના બહાને બોલાવીને હત્યા કરી લાશને નજીકના નાળામાં ફેંકી દીધી હતી. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હત્યાના આરોપસર શ્યામ યાદવની ધરપકડ કર્યા બાદ તેણે હત્યાની સોપારી લેનારા દમણના પ્રમોદ યાદવની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સંઘ પ્રદેશ દમણ અને દાનહ સહિ‌ત વાપી વિસ્તારએ ગુનેગારોનું આશ્રય સ્થાન બની ગયો છે. સંઘપ્રદેશ તથા વાપી વિસ્તારમાં ગુનો આચરી આરોપીઓ મુંબઇ ભાગી જતા હોઇ છે, જયારે મુંબઇમાં ગુનો આચરીને આરોપીઓ સંઘ પ્રદેશમાં આસાનીથી છૂપાઇ જતા હોય છે. જિલ્લા પોલીસ અને સંઘપ્રદેશ સહિ‌ત મહારાષ્ટ્ર રાજ્યની પોલીસ દ્વારા સંયુકત દર મહિ‌ને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે મુંબઇને અડીને આવેલા બંને સંઘ પ્રદેશ તથા વાપીમાં સમયાંતરે કોમ્બીંગ કરી ને આવા ગુનેગારને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરાય તે ખાસ આવશ્યક છે. - પ્રમોદને લગ્ન કરવા રૂપિયાની જરૂર હતી દમણમાં રહેતા અને ભંગારનો ધંધો કરતો પ્રમોદના લગ્ન નક્કી થયા હતા. જો કે, તેની પાસે રૂપિયા ન હોવાથી તેણે અઢી લાખ રૂપિયામાં હત્યાની સોપારી લીધી હતી. હત્યા કરવા પૂર્વે તેણે બોગસ દસ્તાવેજના આધારે મોબાઇલ સિમકાર્ડ પણ ખરીદી લીધો હતો.