ખેડૂતોને સારું આર્થિક વળતર આપતી દૂધી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાળામાં શાકભાજીની અછતમાં દૂધીના સારામાં સારા બજારભાવ મળી શકે છે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવામાં આવે તો દૂધીનું પ્રતિ હેકટર ૨૫૦-૩૦૦ કિવન્ટલ કરતા વધુ ઉત્પાદન મળે છે શાકભાજી પાકોમાં વેલાવાળા શાકભાજી મોખરાનું સ્થાન ધરાવે છે. વેલાવાળા શાકભાજીનો ઉપયોગ કચુંબર, સલાડ કે શાક તરીકે કરવામાં આવે છે. વેલાવાળા શાકભાજી પાકોમાં દૂધીએ ખૂબ જ લાભદાયક અને પ્રચલિત પાક છે. દેશના મોટાભાગના રાજ્યોમાં વત્તા ઓછા પ્રમાણમાં દૂધીની ખેતી થાય છે. દૂધીની વૈજ્ઞાનિક ઢબે ખેતી વિશે માહિતી આપતા અસ્પી બાગાયત-વ-વનીય મહાવિદ્યાલયના ડૉ.. એસ.એન. સરવૈયા જણાવે છે કે દૂધીનું વાવેતર ચોમાસામાં તેમજ ઉનાળામાં કરી શકાય છે. ઉનાળામાં શાકભાજીની અછત રહેતી હોવાથી ઉનાળામાં દૂધી એક મહત્વના શાક તરીકે સારું આર્થિક વળતર આપી શકે છે. દૂધીએ વેલાવાળો પાક હોય જમીન ઉપર પથરાઈને તથા મંડપ ઉપર ટ્રેલિંગ કરીને લઈ શકાય છે. તેઓ વધુમાં જણાવે છે કે દૂધીના પાકને ગરમ અને હૂંફાળુ વાતાવરણ ખૂબ જ અનુકૂળ આવે છે. સરેરાશ ૩૦થી ૩૫ ડિગ્રી સે. તાપમાન પાકની વૃદ્ધિ અને વિકાસ માટે અનુકૂળ છે. દૂધીનો પાક લગભગ બધા જ પ્રકારની જમીનમાં લઈ શકાય છે તેમ છતાં સારા નિતારવાળી, ગોરાડુ, મધ્યમ કાળી જમીન વધુ માફક આવે છે. ૫થી ૭ પી.એચ ધરાવતી જમીન ખૂબ જ અનુકૂળ આવે છે. નદીના ભાઠાની તથા ભારે કાળી જમીનમાં પણ દૂધીનો પાક લઈ શકાય છે. દૂધીની રોપણી કરતા પહેલા જમીનને બેથી ત્રણ ખેડ કરી પાયાના ખાતર તરીકે છાણિયુ ખાતર આપી જમીન સમતલ કરવી. અગાઉના પાકના જડિયા, ખૂંપરા તેમજ કચરો વીણી જમીન સાફ કરવી. દૂધીનો પાક જમીન ઉપર પથરાતો હોય ૨ બાય ૧ મીટર અથવા ૨ બાય ૧.૫ મીટરના અંતરે ચાસ ખોલી, આડી જીંસુલી ખેંચી રોપણી માટેની તૈયારી કરવી. ચાસમાં પાયાના ખાતરમાં ભલામણ કરેલા નાઈટ્રોજનનો અડધો જથ્થો, ફોસ્ફરસ તથા પોટાશનો પૂરો જથ્થો આપવો. દૂધીની વાવણી ચોમાસુ પાક તરીકે જુન-જુલાઈ તથા ઉનાળુ પાક તરીકે જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં કરવામાં આવે છે. બે હાર વચ્ચે ૨ મીટર અને બે છોડ વચ્ચે ૧થી ૧.૫ મીટરના અંતરે ખામણા દીઠ બેથી ત્રણ બીજ થાણવા. હેકટરદીઠ ત્રણથી ચાર કિ.ગ્રા. બિયારણની જરૂર પડે છે. જો વરસાદ ન હોય તો રોપણી બાદ હળવું પિયત આપવું. પ્રતિ હેકટર ૧૨થી ૧૫ ટન સારું કહોવાયેલુ છાણિયુ ખાતર જમીન તૈયાર કરતી વખતે આપવું. રોપણી સમયે ચાસમાં પાયાના ખાતર તરીકે ૫૦ કિ.ગ્રા. નાઈટ્રોજન, ૫૦ કિ.ગ્રા. ફોસ્ફરસ અને ૫૦ કિ.ગ્રા. પોટાશ આપવા. રોપણીના ૩૦ દિવસ બાદ પૂતિg ખાતર તરીકે નાઈટ્રોજન ૫૦ કિ.ગ્રા. યુરિયાના રૂપમાં આપવું જોઈએ. દૂધીની ખેતીમાં સારા ઉગાવા માટે પૂરતો ભેજ જરૂરી છે. બીજ વાવતા પહેલા ચાસમાં પિયત આપવું. ત્રણથી ચાર દિવસ બાદ હળવુ પિયત આપવું. ચોમાસુ પાકમાં વરસાદ ન હોય તો ૧૫ દિવસના ગાળે અને ઉનાળુ પાકમાં ૮થી ૧૦ દિવસના અંતરે પિયત આપવું. વાવણી બાદ પ્રથમ ૧૫થી ૨૦ દિવસે કરબડીથી આંતરખેડ કરવી. નિંદામણ ઉગાવાને ધ્યાને રાખી બેથી ત્રણ કરબડીથી આંતરખેડ કરવી અને જરૂરિયાત મુજબ નિંદામણ કરતા રહેવું. પાક સંરક્ષણના પગલાં લેવાથી સારી ગુણવત્તા સાથે પોષણક્ષમ ઉત્પાદન મેળવી શકાય છે. દૂધીના ફળ ૫૦થી ૫૫ દિવસે ઉતરવાની શરૂઆત થાય છે. ૫૦૦થી ૭૦૦ ગ્રામના કુમળા ફળ સવારે અથવા સાંજે ઉતારવા. યોગ્ય માવજત સાથે દૂધીનું વાવેતર કરવાથી હેકટર દીઠ ૨૦થી ૨૫ હજાર કિ.ગ્રા. ઉત્પાદન મેળવી શકાય છે. દૂધીની હાઇબ્રીડ જાતો દૂધીની કેટલીક હાઈબ્રીડ જાતો વિકસાવવામાં આવી છે જેમાં પુસા મેઘદુત, પુસા મંજરી, પુસા હાઈબ્રીડ-૩, પંતસંકર લૌકી, એનડીબીજી-૪, વરદ, હરીત, પ્રમિતા, ગૌરવ વગેરે જાતોનો સમાવેશ થાય છે. ઔષધિય ગુણો દૂધી આયુર્વેદિક ઔષધ તરીકેના ગુણધર્મો પણ ધરાવે છે. ખાંસી, કબજીયાત જેવા રોગોમાં દૂધી ખૂબ જ ગુણકારી પૂરવાર થઈ છે. દૂધીના બીજમાંથી તૈયાર કરેલ તેલ માથામાં લગાવવાથી દુ:ખાવામાં રાહત થાય છે અને મગજને ઠંડક આપે છે. દૂધીના ફળમાંથી કેલ્શિયમ, ફોસ્ફરસ, આર્યન તથા વિટામિન્સ ભરપૂર પ્રમાણમાં મળે છે. દૂધી ક્યાં ક્યાં થાય છે? ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં દૂધીનું વાવેતર થાય છે જે પૈકી વડોદરા, ખેડા, પંચમહાલ, અમદાવાદ, બનાસકાંઠા, ભરૂચ, સાબરકાંઠા, સુરત, અમરેલી, જુનાગઢ, નવસારી અને તાપી જિલ્લાના ગામમાં દૂધીનું વાવેતર વિશેષ પ્રમાણમાં કરવામાં આવે છે. દૂધીની કેટલીક જાત અને ઉત્પાદન ક્ષમતા -દૂધીની કેટલીક સુધારેલી જાતો પૈકી પુસા સમર પ્રોલીફીક લોંગ જાતનું ચોમાસા તથા ઉનાળામાં ઉત્પાદન મેળવી શકાય છે. એના ફળ લીલા રંગના પાતળી છાલ ધરાવતા ૪૦થી ૪૫ સે.મી. લંબાઈના વાંકી ડોકવાળા સરેરાશ ૧ કિ.ગ્રા. વજનના હોય છે. આ જાત પ્રતિ હેકટરે ૨૦૦ કિવન્ટલ ઉત્પાદન આપે છે. -પુસા નવીન જાત બંને ઋતુ માટે અનુકૂળ છે. એના ફળ બોટલ આકારના સીધા, ૩૦થી ૩૫ સેમી લંબાઈના થાય છે. એક ફળનું સરેરાશ વજન ૮૦૦થી ૮૫૦ ગ્રામ હોયછે. આ વહેલી પાકતી જાતનું પ્રતિ હેકટરે ૨૭૫થી ૩૦૦ કિવન્ટલ ઉત્પાદન મળે છે. -અકૉબહાર જાત પણ બંને ઋતુ માટે અનુકૂળ છે. તેના ફળ મધ્યમ કદના, મુલાયમ તેમજ ચળકતા હોય છે. એક ફળનું સરેરાશ વજન ૧ કિલો હોયછે. આ જાત ૧૨૦ દિવસમાં તૈયાર થાય છે. ફળ ઉતાર્યા બાદ લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે. તેનું ઉત્પાદન પ્રતિ હેકટરે ૨૦૦ કિવન્ટલ જેટલું મળે છે. -પંજાબ લોંગ જાતના ફળ લાંબા, મુલાયમ અને આકર્ષક હોય છે. તેનું ઉત્પાદન પ્રતિ હેકટરે ૨૫૦-૩૦૦ કિવન્ટલ જેટલું મળે છે. -જુનાગઢ ટેન્ડર લોંગ જાતના ફળ મુલાયમ અને લાંબા હોય છે. ચોમાસુ પાક તરીકે ૨૫૦-૩૦૦ કિવન્ટલ તથા ઉનાળુ પાક તરીકે ૨૦૦થી ૨૨૫ કિવન્ટલ જેટલું ઉત્પાદન મળે છે. આ જાત સારી ગુણવત્તા ધરાવતી જાત છે. -પંજાબ કોમલ જાત વહેલી પાકતી જાત છે. આ જાતના ફળ મધ્યમ ગોળ આકારના, આછા લીલા રંગના મુલાયમ હોય છે. આ જાત મોજેક નામના રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે. તેનું ઉત્પાદન સરેરાશ ૨૫૦ કિવન્ટલ જેટલું મળે છે. -આણંદ દૂધી-૧ જાતના ફળ લાંબા, મધ્યમ, કુમળા અને બંને છેડેથી થોડા ગોળાકાર જોવા મળે છે. આ જાતના ફળો, લીલા, ચળકતા તથા આછા લીલા રંગના હોય છે. આ જાતનું ઉત્પાદન પ્રતિ હેકટરે ૨૩ ટન જેટલું મળે છે. જે પુસા નવીન કરતા ૪૭ ટકા અને મુસા સમર પ્રોલીફીક લોંગ કરતા ૧૦૦ ટકા વધારે છે.