ભાલચંદ્રની વિદાય ટાંણે ભરૂચ ભાવવિભોર, જુઓ તસવીરો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- શહેરના વિવિધ માર્ગો ઉપર શ્રીજીની શાહી સવારી નીકળતા સમગ્ર માહોલ ગણેશમય બન્યો - નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઓવારે તેમજ ગોલ્ડન બ્રિજના છેવાડે વિઘ્નહર્તાનું વાજતે ગાજતે વિસર્જન ભરૂચ શહેર તથા જિલ્લામાં અબીલ ગુલાલની છોળો, ડીજેના તાલ,પોલીસના લોખંડી બંદોબસ્ત તથા ભકતોના અનેરા ઉત્સાહ વચ્ચે શ્રીજી વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચ શહેરમાં ઝાડેશ્વર સ્થિત નીલકંઠ મહાદેવ મંદિરના ઓવારા ખાતે જ્યારે અંકલેશ્વરની શ્રીજી પ્રતિમાઓનું ગોલ્ડન બ્રિજના દક્ષિણ છેડા તરફ ભાવભેર વિસર્જન કરાયું હતું. ભરૂચ શહેરમાં સોસાયટીઓ તથા પોળોમાં વિવિધ ગણેશ યુવક મંડળો દ્વારા સ્થાપિત ગણેશ પ્રતિમાઓનું શનિવારે અનંત ચૌદશના દિવસે વિસર્જન કરાયું હતું. ભરૂચ શહેરમાં સ્થાપિત કરાયેલી ૧૮૦૦ જેટલી પ્રતિમાઓની સવારે આરતી ઉતાર્યા બાદ વિસર્જન યાત્રાનો પ્રારંભ થયો હતો. ભરૂચ શહેરમાં શકિતનાથ વિસ્તારમાંથી ગણપતબિાપાની શાહી સવારીઓએ પાંચબત્તી તરફ પ્રયાણ કર્યુ હતું. પાંચબત્તીથી કેટલાંક યુવક મંડળો સોનેરી મહેલથી શરૂ થતાં પરંપરાગત રૂટમાં સામેલ થયાં હતાં જ્યારે કેટલાંક સીધા ઝાડેશ્વર જવા રવાના થઇ ગયાં હતાં. સવારથી વાતાવરણ ગણપતિ બાપા મોરિયાના નાદ તથા ઢોલ નગારાના તાલથી ગુંજી ઉઠયા હતાં. ઝાડેશ્વરના નીલકંઠ મહાદેવ મંદિરના ઓવારા ખાતે વિસર્જનની વ્યવસ્થા ઉભી કરાઇ હતી. શહેરના છેવાડે આવેલાં મકતમપુર અને ઝાડેશ્વરના શ્રીજીની સવારીઓ વાજતે ગાજતે નીલકંઠ મહાદેવ મંદિરે પહોંચી હતી. જ્યાં આવતા વર્ષે પુન: પધારવાના ઇજન સાથે ભાવિકોએ ગૌરીપુત્રને નર્મદા નદીના જળમાં ભાવભીની વિદાય આપી હતી.અંંકલેશ્વરના ગણપતબિાપાનું ગોલ્ડન બ્રિજ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશ વિસર્જન ટાણે ભકતો ભાવવિભોર બની ગયા હતા. વિસર્જનના રૂટ પર ઠેર ઠેર વિડિયોગ્રાફી : કોમી દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતાં ભરૂચ અને અંકલેશ્વરમાં પોલીસે વિસર્જન યાત્રાના રૂટ પર ઠેર ઠેર વિડિયોગ્રાફી કરાવી હતી. બંને શહેરોમાં સંવેદનશીલ વિસ્તારોમાંથી ગણેશજીની શાહી સવારી પસાર થતી હતી ત્યારે પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું હતું. જિલ્લા પોલીસ દ્વારા ૨૩થી વધારે વિડિયોગ્રાફરોની મદદ લેવાઇ હતી. ભરૂચ પોલીસની કિલ્લેબંધીમાં ફેરવાયું : શનિવારે ગણેશ વિસર્જનની સાથે પોલીસે સુરક્ષાના સઘન પગલાં ભર્યા હતાં. ડીએસપી ગૌતમ પરમારના માર્ગદર્શન હેઠળ શહેરને પોલીસની કિલ્લેબંધીમાં ફેરવી દેવાયું હતું અને યાત્રાના રૂટ પર ઠેર ઠેર પોલીસ જવાનો ખડકી દેવાયા હતાં. નશેબાજોને કાબૂમાં લેવામાં પોલીસ અધિકારીઓએ સતત પેટ્રોલિંગ કર્યુ હતું. હિંદુ-મુસ્લિમ એકતા સદભાવનાનો રંગ છલકાયો : ભરૂચ શહેરના સોનેરી મહેલ ખાતે હિંદુ-મુસ્લિમ એકતા સદભાવના વિસર્જન વેળા જોવા મળી હતી. સનાતન ધર્મ ગણેશ વિસર્જન સમિતિનાં આમંત્રણને માન આપી મુસ્લિમ આગેવાનો અને તાજિયા કમિટીનાં સભ્યોએ શાહી સવારીઓનું સ્વાગત કર્યુ હતું. આ અવસરે મલીક ઈસ્માઈલ બાપુ, સૈયદ કુતબુદ્દીન, એસ.કે.કાદરી,સલીમ અમદાવાદી, ફઇમ શેખ, ગફુર લોખંડવાલા, સૈયદ અબ્દુલ જંત્રાણવાલા, સૌકત મસાલાવાલા, મૌલાના કુરેશી સહિત તાજીયા કમિટી અને મુસ્લિમ એકતા સમિતિના સભ્યો હાજર રહયાં હતાં. આ કાર્યક્રમમાં હિંદુ અગ્રણીઓ પણ જોડાતા કોમી એખલાસના દ્દશ્યો સર્જાયા હતા. અંકલેશ્વરના ૧૦૦૦થી વધુ શ્રીજીનું શાંતિપૂર્ણ વિસર્જન : અંકલેશ્વર શહેર તથા આસપાસમાં અનંત ચૌદશના દિવસે ભગવાન ગણેશની પ્રતિમાઓનું હર્ષોલ્લાસથી વિસર્જન કરાયું હતું.શહેરના ભરૂચી નાકા વિસ્તારમાંથી શોભાયાત્રા નીકળી હતી. શ્રીજીને અંતિમ વિદાય આપવા માટે યાત્રાના માર્ગની બંને બાજુ ભાવિક ભકતોની ભીડ ઉમટી હતી. સુરવાડી ફાટક સુધી શોભાયાત્રા બાદ વાહનોમાં શાહી સવારી ગોલ્ડન બ્રિજ ખાતે પહોંચી હતી જ્યાં પાર્વતી પુત્રની પ્રતિમાઓનું પુણ્ય સલિલા મા નર્મદાના જળમાં વિસર્જન કરાયું હતું. અંકલેશ્વરમાં શહેર, જીઆઇડીસી તથા ગ્રામ્ય વિસ્તારો મળી ૧૦૦૦થી વધારે પ્રતિમાઓની સ્થાપના કરાઇ હતી. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. વિસર્જન પૂર્વે સોનેરી મહેલ ખાતે મહાઆરતી : ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાંથી શોભાયાત્રાઓ સોનેરી મહેલ ખાતે આવી પહોંચી હતી. જ્યાં જિલ્લા પ્રમુખ શિરીષ બંગાળી, પાલિકા પ્રમુખ સનત રાણા,ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિ. પં.ના વપિક્ષના નેતા જયેશ પટેલ, વિહપિનાં વિરલ દેસાઇ, પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, સુરેશ ચૌહાણ, દિવ્યેશ પટેલ, મારૂતિસિંહ અટોદરિયા, ધર્મેશ મિસ્ત્રી, દીપક મિસ્ત્રી, જનક મોદી સહિત વિહપિ અને બજરંગદળનાં પણ કાર્યકરો જોડાયા હતા. ભરૂચનાં ૨૦ ફૂટનાં બાળ ગણેશ માટે ક્રેઇનની મદદ લેવાઇ : ભરૂચના શકિતનાથ યુવક મંડળ દ્વારા સ્થાપિત કરાયેલી ૧૯.૮૦ ફૂટનાં બાળ ગણેશની પ્રતિમાના વિસર્જન માટે ખાસ કાળજી લેવામાં આવી હતી. મૂર્તિના વિસર્જન માટે જુના સરદાર બ્રિજ ખાતે વિશાળ ક્રેન લાવવામાં આવી હતી. આ મૂર્તિના વિસર્જનને અનુલક્ષીને જુના સરદાર બ્રિજ ઉપરથી પસાર થતા નાના વાહનોને નવા બ્રિજઉપર ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. જુના બ્રિજ ઉપર ૪૦ ટન વજનની ક્રેઇનને ઉભી રાખી ૪ ટનનાં બાળગણેશની પ્રતિમાને સાવચેતી પૂર્વક નદીના પાણીમાં વિસર્જિત કરવામાં આવી હતી. શકિતનાથની પ્રતિમા ઉપરાંત શહેરમા સ્થાપિત કરાયેલી અન્ય વિશાળ પ્રતિમાઓને પણ આજ ક્રેઇનની મદદથી વિસર્જીત કરવામાં આવી હતી. પ્રારંભે જુના સરદારબ્રિજની હાલત નાજુક હોવાથી ક્રેઇન દ્વારા વિસર્જન જોખમી હોવાથી તંત્રએ મંજુરી આપી ન હતી. નર્મદા જિલ્લામાં શાહી ઠાઠમાઠથી ગણેશજી નિકળ્યા નગરચર્યાએ : નર્મદા જિલ્લાના રાજપીપળા, તિલકવાડા, દેડિયાપાડા અને સાગબારામાં શનિવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ તથા હર્ષોલ્લાસભર્યા માહોલમાં ગણેશ વિસર્જન સંપન્ન થયું હતું.નર્મદા,કરજણ,મેણ તેમજ ધામણ નદીમાં ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરાયું ત્યારે ગણપતિ બાપ્પા મોરિયા પુઢચ્યા વર્ષી લવ કર્યાના ગગનભેદી નાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. રાજપીપળામાં સફેદ ટાવરથી શ્રીજીની શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો જે નગરના વિવિધ માર્ગો પર ફરી કરજણ નદીના ઓવારા ખાતે પહોંચી હતી. વિસર્જન યાત્રાના પગલે રાજપીપળાના માર્ગો ગુલાલથી રંગબેરંગી બની ગયાં હતાં. ઢોલ નગારા અને ડીજેના તાલે યુવાધન મન મુકીને હિલોળે ચઢ્યું હતું. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવી રાખવા જિલ્લા પોલીસવડા પી.એલ. માલની આગેવાનીમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. કરજણ નદીના ઓવારા ખાતે નગરપાલિકા દ્વારા વિસર્જનની વ્યવસ્થા ગોઠવાઇ હતી. દેડિયાપાડામાં ગણપતિની પ્રતિમાઓના વિસર્જન ટાણે માનવમહેરામણ ઉમટી પડ્યું હતું. ગણેશ વિસર્જનના રૂટ પર આવેલાં મકાનો તથા દુકાનોના ધાબા નગરજનોથી હાઉસફૂલ બની ગયાં હતાં. વાજતે ગાજતે તથા આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતી શોભાયાત્રાઓ ધામત નદીના કિનારે પહોંચી હતી. તિલકવાડામાં ૨પથી વધુ શ્રીજીની મૂર્તિઓનું મેણ નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. કેવડિયા કોલોનીમાં ગોરા ખાતે ગણેશજીની પ્રતિમાઓની વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન સંપન્ન થતાં તંત્રએ રાહત અનુભવી હતી. રાધાકૃષ્ણનાં રાજાની શોભાયાત્રાએ જમાવ્યું આકર્ષણ : શહેરનાં તુલસીધામ સ્થિત રાધાકૃષ્ણ સોસાયટીમાં સ્થાપિત કરાયેલા રાધાકૃષ્ણનાં રાજાની વિસર્જન શોભાયાત્રાએ ગણેશભકતો અને નગરજનોમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. શણગારેલા શાહી રથમાં ઠાઠમાઠ સાથે નીકળેલા રાધાકૃષ્ણની શોભાયાત્રાને વિદાય આપવા શિષ્ટબધ્ધ સોસાયટીનાં રહીશો, મહિલાઓ અને યુવાનોએ જોડાઇ બેન્ડવાજા સાથે દૈદપિ્યમાન દુંદાળાદેવની પ્રતિમાને શાહી અંદાજમાં વિસર્જન કરાવ્યું હતું. વીજ દુર્ઘટના સર્જાય નહીં તે માટે શોભાયાત્રામાં વિશેષ ઝુંબેશ : દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ભરૂચ શહેરમાં શ્રીજીની શોભાયાત્રામાં ભારદારી વાહનોમાં સવાર ગણેશ ભકતો અને યુવાનો વીજ તાર કે અન્ય વીજ ઉપકરણોને આકસ્મિક સ્પર્શી જાય નહિ તે માટે બેનરો અને પ્રચાર-પ્રસાર સાથે ભરૂચ સર્કલનાં વીજ કંપનીનાં અધિકારીઓએ વિશેષ ઝુંબેશ ચલાવી હતી. જેમાં વિસર્જન અને શોભાયાત્રા સમયે દુર્ઘટનાને ટાળવા ભરવાની તકેદારી અને સલામતીનાં પગલા ભરવા અંગે નગરજનોને વાકેફ કરવામાં આવ્યા હતા. પર્યાવરણ પ્રત્યે ગણેશભકતોમાં જોવા મળી જાગૃત્તિ : અંકલેશ્વરમાં ડીપીએમસી અને જળકુંડ ખાતે કૃત્રિમ કુંડમાં ઇકો-ફ્રેન્ડલી વિસર્જન : અંકલેશ્વર નગરમાં વહીવટી તંત્ર અને જીપીસીબી દ્વારા પર્યાવરણની સુરક્ષા કાજે સૌપ્રથમવાર શ્રીજીની પ્રતિમાઓનું કૃત્રિમ કુંડોમાં ઇકો-ફ્રેન્ડલી વિસર્જનને ગણેશભકતોએ ઉમળકાભેર આવકાર આપતા તંત્રની પહેલ રંગ લાવી હતી. અંકલેશ્વર શહેર અને જીઆઇડીસીમાં જીપીસીબી, વહીવટી તંત્ર, પાલિકા, સેવાભાવિ સંસ્થાઓ દ્વારા આ વખતે નર્મદા નદીને પ્રદૂષણથી બચાવી ગણેશ મહોત્સવને ખરા અર્થમાં ઇકો ફ્રેન્ડલી બનાવવાની કરાયેલી પહેલને ગણેશ મંડળો અને ભકતોએ આવકારી લેતા કૃત્રિમ કુડોમાં શ્રદ્ધાભેર પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જીઆઇડીસી વિસ્તારમાં ડી.પી.એમ.સી. ખાતે અને ઐતિહાસિક ધરોહર જળકુંડ ખાતે વિસર્જન માટે વિશેષ કૃત્રિમ કુંડો તૈયાર કરાયા હતા. બન્ને કૃત્રિમ કુંડોમાં હજારો શ્રીજીની પ્રતિમાઓનું ગણેશ ભકતો દ્વારા ભાવભેર વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વરનાં એસ.ડી.એમ. બી.એમ.પટેલ, જીપીસીબીનાં જે.ડી.કલ્યાણી તથા સેવાભાવિ કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. કૃત્રિમ કુંડોમાં શ્રીજીની પ્રતિમાઓનું વિધિવત વિસર્જન કરી કુંડનાં પાણીને જરૂરી ટ્રીટમેન્ટ આપી રસાયણિક તત્વોને દૂર કરી ફરી આ પાણી સિંચાઇ માટે ઉપયોગમાં લેવાની વ્યવસ્થા સાથે નર્મદા નદીને પ્રદૂષિત થવાથી અટકાવી શકાય હતી.