મરોલીની ફોનસેવા પ દિવસથી બંધ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેટલાય ગ્રાહકોના ટેલિફોન મહિ‌નાઓ સુધી ન રણકતા ટેલિફોનધારકો હેરાન પરેશાન થઈ ગયા છે મરોલી વિભાગના ત્રણ એક્સચેંજમાં સ્ટાફ અને મટિરિયલની ઘટ ગેસલાઈન નાખવા માટે થઈ રહેલું ખોદકામ મરોલી સહિ‌ત કાંઠા વિસ્તારના હજારો રહીશોને ટેલિફોનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ત્રણ જેટલા એક્સચેંજ કાર્યરત છે. છેલ્લા પાંચ દિવસોથી દેલવાડાનું તેમજ ઉભરાંટ ખાતેના ટેલિફોન એક્સચેંજ ઠપ થઈ જતા ટેલિફોનધારકોએ યાતનાઓ વેઠવી પડી રહી છે. ત્રણે એક્સચેંજના ફોન મૂંગામંતર થઈ ગયા હોવા છતાં મરામત ન કરાતા લોકોમાં રોષ ફેલાયો છે. બીએસએનએલ દ્વારા જલાલપોર તાલુકાના મરોલી વિસ્તારના મરોલી, વિસ્તારના,દેલવાડા અને ઉભરાંટ ખાતે ત્રણ એક્સચેંજ ઉભા કરવામાં આવ્યા છે. આ ત્રણ એક્સચેંજ દ્વારા હજારો ગ્રાહકોને ટેલિફોન જોડાણો આપવામાં આવ્યા છે. અહીં દરેક ગામોમાં ઉભી કરાયેલી ડીપી અને તેના કેબલો જર્જરિત થઈ ગયેલા હોવાથી તેની મરામતમાં મટિરિયિલ્સની ઘટ, સ્ટાફની ઘટને લીધે સમારકામ સમયમર્યાદામાં ન કરાતા કેટલાય ગ્રાહકોના ટેલિફોન મહિ‌નાઓ સુધી ન રણકતા ટેલિફોનધારકો હેરાન પરેશાન થઈ ગયા છે. જમીનમાં પાથરેલા કેબલો હાલ વરસાદી પાણીની ગટરો તેમજ ગેસલાઈન નાંખવા માટે થઈ રહેલા ખોદકામમાં ઠેક ઠેકાણે કપાઈ જવાથી કેબલ જોઈન્ટરના અભાવે ફોલ્ટ રોજબરોજ વધતા જ રહે છે. આ વિસ્તારના ગ્રાહકો બંધ રહેતા ટેલિફોન અંગે ફરિયાદ કરવા માટે એક્સચેંજ ઉપર ધક્કા ખાવા છતાં ફરજ ઉપરનો સ્ટાફ એક જ કેસેટ વગાડે છે કે સ્ટાફ નથી, જોઈન્ટર નથી. કેબલ કે અન્ય મટિરિયલ્સ નથી. ટેલિફોન ચાલે કે નહીં ચાલે ડિપાર્ટમેન્ટ ભાડુ લેવાનું તો છોડતું નથી. ત્યારે સામાન્ય માણસના ગજવામાંથી જ રૂપિયા જાય છે. મરોલી, દેલવાડા અને ઉભરાંટ વચ્ચે એકમાત્ર લાઈનમેન અને ટેકનિશિયન ત્રણે એક્સચેંજોના ટેલિફોન ધારકોને કેવી અને કેટલી સુવિધા પૂરી પાડતા હશે ? ટેલિકોમ સૂત્રો દ્વારા જાણવા મળે છે કે એકમાત્ર ઈનચાર્જ જેટીઓ છે. જેને મરોલી, દેલવાડા, ઉભરાંટ, વેસ્મા, સુપાનો ચાર્જ અપાયેલો છે. મરોલીની લેડી ટેકનિશિયન છેલ્લા ઘણાં દિવસોથી રજા ઉપર છે. એક લેડી ઓપરેટરની બદલી થઈ ગયેલી છે. જ્યારે એસડીઈટીની પણ બદલી થઈ ગઈ છે. જિલ્લાની ડીજીએમ હાલ નિવૃત્ત થતા ટેલિકોમ ખાતાનું કોઈ જ ધણીધોરી નથી.આ બધી તકલીફોમાં અંતે પીસાવાનો વારો તો ટેલિફોનધારકોનો જ આવે છે. બાકી વધુ જવાબદારી તો વલસાડ જીએમની રહે છે નવસારી ડિસ્ટ્રિકટ ટેલિકોમ ડિપાર્ટમેન્ટ રામભરોસે જ કાર્યરત હોવાનું ટેલિફોન ધારકોનું માનવું છે એસડીઈટી મુલતાનીની ટ્રાન્સફર થઈ ગયેલી હોવાથી આ તમામનો ચાર્જ જે.ઈ. લાડને સોંપાયેલો છે. તેમણે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે સ્ટાફ ઘટ એ મોટી સમસ્યા છે. મટિરિયલ્સ સમયસર મળતું જ નથી. કેટલાક કામો કોન્ટ્રાકટથી કરાવવા પડે છે. હવે નવા ડીજીએમ આવે ત્યાં સુધી મારે માત્ર ઈનચાર્જ તરીકે કાર્યભાર સંભાળવો પડે છે બાકી વધુ જવાબદારી તો વલસાડ જીએમની રહે છે.