બસમાં ફાટી નિકળી આગ, મુસાફરોનાં થંભી ગયા શ્વાસ: તસવીરો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-બસમાં સવાર ૩૨ મુસાફરોનો આબાદ બચાવ
-સ્લીપર કોચના એરકંડિશનમાં ક્ષતિ સર્જાતા આગ લાગી હોવાનું અનુમાન
-ભરૂચ અંકલેશ્વરના લાશ્કરોએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો


મુંબઇથી શ્રીનાથજી જઇ રહેલી એસી સ્લીપર લકઝરી બસમાં શનિવારે મધ્યરાત્રિએ ભરૂચના સરદારબ્રિજ નજીક આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. બસની પાછળના ભાગમાંથી ધુમાડા નીકળતાં હોવાની અન્ય વાહનચાલકોએ બસના ડ્રાયવરને જાણ કરતાં તેણે બસ થોભાવી તમામ મુસાફરોને નીચે ઉતારી દેતાં મોટી હોનારત થતાં અટકી હતી. આગના કારણે લકઝરી બસ બળીને ખાખ થઇ ગઇ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ઇગલ ટ્રાવેલ્સની એસી સ્લીપર લકઝરી બસ ૩૨ મુસાફરોને બેસાડી મુંબઇથી ઉદયપુર થઇ શ્રીનાથજી જવા રવાના થઇ હતી. શનિવારે રાત્રિના બે કલાકના અરસામાં લકઝરી બસ ભરૂચની મુલદ ચોકડી નજીકથી પસાર થતી હતી તે સમયે પાછળના ભાગેથી ધુમાડા નીકળતાં હોવાની જાણ મુસાફરો તેમજ અન્ય વાહનચાલકોએ બસના ડ્રાયવર પરેશ ભટ્ટને કરી હતી.જેથી તેણે સરદારબ્રિજ નજીક બસ થોભાવી દીધી હતી અને મુસાફરોને નીચે ઉતરી જવા કહ્યું હતું.

બસના પાછળના ભાગે લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં કેટલાંક મુસાફરોનો સામાન આગમાં સ્વાહા થઇ ગયો હતો.બનાવની જાણ થતાં ભરૂચ તથા અંકલેશ્વરથી લાશ્કરો દોડી આવ્યાં હતાં અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક તબક્કે એર કંડશિનમાં ક્ષતિ સર્જાતા આગ લાગી હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. બનાવના પગલે નેશનલ હાઇવે નંબર ૮ ઉપર થોડા સમય માટે ટ્રાફિકજામ થઇ ગયો હતો.

તમામ તસવીરો હર્ષદ મિસ્ત્રી, અંકલેશ્વર