એક્સપ્રેસ હાઇવેના વિરોધમાં ખેડૂતોનુ મામલતદારને આવેદનપત્ર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલી તાલુકાના ખેડૂતો દ્વારા બુધવારના રોજ સુચિત વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવેના નિર્માણ માટે સક્ષમ અધિકારી દ્વારા જાહેરનામાના આધારે ખેડૂત ખાતેદારોની જાણ બહાર પાડવામાં આવેલી ફેરફાર નોંધ ગેરકાયદેસરની હોવાનું જણાવી આ ફેરફાર નોંધ રદ કરવાની માગ ચીખલી મામલતદાર સમક્ષ લેખિત વાંધાઓ દ્વારા કરાઈ છે. ખેડુતોએ જાહેરનામા બાદ વાંધાઓ રજૂ કર્યા હોવા છતાં તે બાબતને ધ્યાને ન લઈ ખેડૂતોને સાંભળ્યા વિના જ ખેડૂતોને અંધારામાં રાખી ૧૩પ-ડીની નોટિસ બજાવવા જેવી કાર્યવાહી કર્યા વિના જ ખેડૂતોની જમીનોના બ્લોકમાં ફેરફાર નોંધ પાડી દેવાતા ખેડૂતોમાં ઉગ્ર રોષ ફેલાયો છે. જેના પગલે આવનાર દિવસમાં કંઇક નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. સુચિત વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવેના જાહેરનામાનો જ ઉગ્ર વિરોધ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો. ગામેગામ ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો હતો. એક્સપ્રેસ હાઈવેના નિર્માણથી કેટલાક ખેડૂતોના ઘર-જમીન વિહોણા થવા સાથે પોતાની આજીવીકા ગુમાવી પાયમાલ થવા સાથે કેટલાક ખેડૂત ખાતદારો તો ખેડૂત મટીજાય એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એમ છે. ભોગબનનારા સંખ્યાબંધ ખેડુતોએ વાંધા રજૂ કર્યા હતા. ત્યારે ખેડૂતોની વાંધી અરજીઓની દરકાર કર્યા વગર કે રજૂઆત સાંભળ્યા વગર જ ગત ત્રીજી ઓગષ્ટના રોજ બારોબાર જમીનમાં ફેરફાર નોંધો પાડી દેવાઈ છે. આ અંગેની જાણ ભોગ બનનાર ખેડૂતોને મોડે મોડે થતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે અને ખેડૂત વર્ગમાં અસંતોષ ફેલાયો છે. ચીખલી તાલુકાના સાદકપોરના ખેડૂત આગેવાન અને ચીખલી એપીએમસીના ચેરમેન કિશોરભાઈ પટેલ, તલાવચોરાના ખેડૂત ખાતેદાર અને સરપંચ અશ્વિનભાઈ પટેલ, ખૂંધના મયંકભાઈ પટેલ, ઘેજ ભરડાના દિપકભાઈ પટેલ સહિ‌તના ગામેગામના ખેડૂતો દ્વારા આ ફેરફાર નોંધ રદ કરી નામંજૂર કરવાની માગ ચીખલી મામલતદાર સમક્ષ કરાઈ હતી. ખેડૂતો દ્વારા રજૂ કરવામાં આવેલા વાંધામાં જણાવ્યા અનુસાર ફેરફાર નોંધ જાહેરનામાને આધારે પાડી છે તો જાહેરનામામાં જણાવ્યા અનુસાર દિન ૨૧માં સક્ષમ અધિકારી સમક્ષ વાંધાઓ રજૂ કરી દેવાયા હતા તેમ છતાં ખેડૂતોને સાંભળવામાં આવેલા નથી. ત્યારે આ વાંધા અરજીઓનો નિર્ણય ન આવે ત્યાં સુધી કોઈપણ ફેરફાર નોંધ જે જાહેરનામા આધારે પાડવામાં આવે તો જાહેરનામુ જ ખોટું અને ગેરકાયદેસરનું સત્તાબહારનું છે. જેથી આ જાહેરનામાના આધારે કોઈપણ ફેરફાર નોંધ રેવન્યુ રેકર્ડમાં પાડી શકાય નહીં. આ ગેરકાયદેસર રીતે પાડવામાં આવેલી ફેરફાર નોંધ રદ કરી નામંજૂર કરવાની માગ ગામેગામના ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. પાયમાલીમાં ધકેલાતા ખેડૂતો એક્સપ્રેસ હાઈવેના નિર્માણ બાબતે ભૌગોલિક પરિસ્થિતિનો ખ્યાલ રાખી ખેતીવાડીના સમૃદ્ધ વિસ્તારની દિશામાં અભ્યાસ કરી સરકારે આયોજન કરવું જોઈતું હતું. હાઇવેમાં જમીન ગુમાવવાનો વારો આવતા સંખ્યાબંધ ખેડુતો પાયમાલીમાં ધકેલાઈ રહ્યા છે અને ખેડૂતોની જાણ બહાર જ તેમના ખાતામાં નોંધ પડી જાય એ વાત ઉચિત નથી. ખેડૂતો તે બાબતે લડત આપી ન્યાય મેળવશે. ડો.અશ્વિનભાઈ પટેલ, સરપંચ અને અગ્રણી ખેડૂત, તલાવચોરા ખેડૂતો આંદોલન કરશે એક્સપ્રેસ હાઇવે માટે જે જમીન સંપાદનની નોંધની કાર્યવાહી મનમાની રીતે થઈ રહી છે. ખેડુતોની જાણ બહાર જે નોંધ પાડવામાં આવી છે એ બાબત યોગ્ય નથી અને તેને સાંખી લેવાશે નહીં. જરૂર પડયે ખેડૂતો આંદોલનનો માર્ગ પણ અપનાવશે. કિશોરભાઈ પટેલ, ખેડૂત ખાતેદાર, સાદકપોર, એપીએમસી ચેરમેન ચીખલી