આંતરરાજ્ય રેતી હેરાફેરીના પાસ નકલી હોવાનો પર્દાફાશ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- વલસાડ જિલ્લા ખાણ-ખનિજ વિભાગે એક માસ અગાઉ ઝડપેલા રેતી ભરેલા ૪ કન્ટેનરોની તપાસ કરતા મધ્યપ્રદેશમાંથી લીઝ કે પાસ ઇશ્યુ ન કરાઇ હોવાનું તપાસમાં બહાર આવ્યું વલસાડના ખાણ અને ખનીજ વિભાગે એક માસ અગાઉ ઉદવાડા અને વલસાડ હાઇવે ઉપરથી રેતી ભરેલા બે કન્ટેનરોને ઝડપી પાડ્યા હતા.જેમાં આંતર રાજ્ય રેતી કૈાભાંડ હોવાનું પ્રથમ નજરે બહાર આવ્યુ છે.વિભાગે આ મુદ્દે મધ્યપ્રદેશના ખાણ અને ખનિજ વિભાગનો સંપર્ક કરતા પાસમાં દર્શાવેલી લીઝ કોઇને આપવામાં જ નથી આવી હોવાનું બહાર આવ્યું છે. મળી આવેલા પાસો પણ નકલી હોવાનું બહાર આવતા વિભાગે નવી મુંબઇ સ્થિત કન્ટેનરના માલિકો સામે પોલીસ ફરિયાદ અને કન્ટેનરો રાજ્યસાત કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. ખાણ અને ખનીજ વિભાગ વલસાડના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ એક માસ અગાઉ વિભાગે વલસાડ હાઇવે ઉપર હોટલ વિસામા પાસેથી રેતી ભરેલા બે કન્ટેનર અને ઉદવાડા હાઇવે ઉપરથી બે કન્ટેનર ઝડપી પાડ્યા હતા.જે પૈકી બેના ચાલકો ઝડપાયા હતા અને બેના ભાગી છુટયા હતા.વિભાગે બંને કન્ટેનરોને જપ્ત કર્યા હતા. ટ્રકમાંથી મળી આવેલા પાસ અંગે શંકા જતા તેમણે પાસમાં દર્શાવેલી મધ્યપ્રદેશની રેતીના લીઝ માલીકો અંગે મધ્યપ્રદેશના ખાણ ખનીજ વિભાગ પાસે માહિતી મંગાવતા વિભાગે પાસમાં દર્શાવેલા વ્યક્તિઓને લીઝ આપી ન હોવાની અને એપ્રિલથી કોઇને પણ લીઝ પાસ ઇશ્યુ ન કરાયા હોવાનું જણાવ્યું હતું.આમ ટ્રકમાંથી મળી આવેલા પાસ બોગસ હોવાનું જણાતા વિભાગે હાલે ચારે કન્ટેનરોના માલિકો સામે ફોજદારી ગુનો દાખલ કરવાની અને વાહનો રાજ્યસાત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. - સીધીવાત -પકડાયેલા રેતી ભરેલા કન્ટેન્રો શું આંતર રાજ્ય રેતી કૌભાંડ દર્શાવે છે ? મળી આવેલા પાસમાં લીઝ મધ્યપ્રદેશની હોવાનું દર્શાવવામાં આવી છે.હકીકતમાં ત્યાં તપાસ કરતા ત્યાના વિભાગે લીઝ કે પાસ ઇશ્યુ કર્યાજ નથી.આંતરરાજ્ય રેતી કૌભાંડ અંગે હાલે મધ્યપ્રદેશ સરકાર પાસેથી વધુ વિગતો મંગાવવામાં આવી રહી છે. -પકડાયેલા રેતી ભરેલા કન્ટેનરોના માલિકો સામે શું પગલાં લેવાશે કન્ટેનર માલિકો મહારાષ્ટ્રનાં નવી મુંબઇના હોવાનું તપાસમાં બહાર આવ્યુ છે.જેમની સામે ફોજદારી ગુનો અને તેમના વાહનો રાજ્યસાત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સાથે ભાગી છુટેલા બે ડ્રાઇવરોને પકડવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. -આંતર રાજ્ય રેતીની હેરાફેરી કરતા રેતી માફિયાઓ સામે વિભાગ હવે શું તૈયારી કરશે વિભાગ દ્વારા આંતર રાજ્ય રેતી હેરફેરને રોકવા હાલે વિભાગ દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે.અને ટીમો બનાવી હાઇવે ઉપર સઘન ચેકિંગ હાથ ધરવા સાથે અન્ય પગલાઓ લેવાશે. - યુ.કે.સિંઘ અધિકારી, ખાણ ખનીજ