વિઘ્નહર્તા ગણપતિ દેવાની વિસર્જન યાત્રામાં શ્રદ્ધાનો સાગર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અનંત ચૌદશને શનિવારે વિઘ્નહર્તા ગણપતિ દેવાની દસ દિવસની આસ્થાપૂર્વક પૂજા-અર્ચના બાદ નીકળેલી વિસર્જન યાત્રામાં શ્રદ્ધાનો સાગર ઊમટ્યો હતો. શ્રીજીની વિશાળ કદની સુંદર અને કલાત્મક મૂર્તિ‌ઓને વાહનોમાં સજાવી વિવિધ ગણેશ મંડળો શહેરના માર્ગો પર નીકળતાં હજારો દર્શનાર્થીઓ આરાદ્ય દેવની વિદાય માટે બપોરથી જ એકત્ર થયા હતા. ત્યારબાદ મોડી સાંજે ગણેશજીની મૂર્તિ‌ઓનું નદી અને દરિયા કાંઠે ભક્તિભાવ સાથે વિસર્જન કરાયું હતું. - યાત્રામાં અવ્યવસ્થાને પોલીસને પસીનો છૂટ્યો વલસાડ શહેર, મોગરાવાડી, પારડીસાંઢપોર, નનકવાડા અને વલસાડ-પારડી વિસ્તારમાંથી નીકળેલી ગણેશ વિસર્જન યાત્રા માટે મુખ્ય માર્ગો નક્કી કરાયા હતા. જેમાં મોગરાવાડી, પારડી સાંઢપોર અને વલસાડપારડી વિસ્તારના મંડળો માટે વિસર્જન યાત્રાને બેચર રોડ, સ્ટેડિયમ રોડ અને તિથલરોડ તથા નનકવાડા વિસ્તારના મંડળો માટે હાલર રોડ અને કોસંબા, સુઘડ ફળિયા તથા આંધિયાવાડ વિસ્તારો માટે શ્રોફચાલ રોડનો રૂટ ફાળવાયો હતો. આ ત્રણે દિશાએથી આવતી વિસર્જન યાત્રા આઝાદ ચોક ખાતે એકત્ર થઇ જતાં એમજી રોડ પર તેમને પસાર કરવામાં ભારે વિલંબ ઊભો થયો હતો. શહેરના તમામ મંડળો ગણેશ વિસર્જન યાત્રા લઇને એક જ સ્થળે આવ્યા બાદ બંદર રોડ ઔરંગા કાંઠે પહોંચવા માટે એકમાત્ર એમજી રોડનો રૂટ નક્કી હોવાથી પોલીસ માટે આ સમસ્યા સર્જા‍ય હતી. જો કે એક પછી એક મંડળોને આગળ ધપાવવામાં પોલીસને ખાસ્સો પસીનો પડ્યો હતો. - છીપવાડ રોડ પર બે મંડળો વચ્ચે ઘર્ષણ છીપવાડથી નીકળેલી ગણેશ વિસર્જન યાત્રા દશેરા ટેકરી તરફ બેચર રોડ પર આવી રહી હતી તે દરમિયાન એક યુવક રોડ ક્રોસ કરવા અચાનક દોડી જતાં વાવડીના ગણેશ ભકતોએ તેને ઠપકો આપ્યો હતો. જેની જાણ યુવકે તેના મંડળના સાથીમિત્રોને કરતાં બંન્ને મંડળ વચ્ચે ઘર્ષણ ઉભું થયું હતું. બે મંડળના યુવાનો સામસામે થઇ જતાં વાતાવરણ તંગ બની ગયું હતુ. જેમાં એક યુવાનને માર મારતાં મામલો ઉગ્ર બને તે પહેલા પોલીસ દોડી આવી હતી. જો કે વાટાઘાટ બાદ મામલો થાળે પડી ગયો હતો. - પોલીસનો કાફલો કામે લાગ્યો ફટાકડાની ધણધણાટી વચ્ચે રંગબેરંગી પરિધાનમાં રંગ ઉડાડતાં ભક્તો વિઘ્નહર્તાની વિસર્જન યાત્રા નીકળી હતી. મોડી સાંજે નદી કાંઠે વિવિધ ગણેશ મંડળના સભ્યોએ પ્રતિમાના વિસર્જનની વિધિ સંપન્ન કરી હતી. આ સાથે જિલ્લાભરમાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતી. વલસાડમાં પણ ડીવાયએસપી અને પોલીસ અધિકારીઓએ મંડળોના આગેવાનોને સતત માર્ગદર્શન આપ્યું હતુ. - ક્યાં કેટલા શ્રીજીને વિદાય અપાઈ ૮૦- દાદરા નગર હવેલી ૨૨૬- વલસાડ શહેર આસપાસ ૮૦- પારડી ૯૩- વાપી ૩૬- ધરમપુર ૯૬- ઉમરગામ ૪૪- ભીલાડ ૦૩- દમણ