સરકારી ખાતર, મોતનું ખેતર

Death by government fertilizer
Bhaskar News

Bhaskar News

Oct 07, 2010, 03:40 AM IST

leptoલેપ્ટોસ્પાઇરોસિસ શા માટે ખેતમજુરોનાં મોત વધી રહ્યાં છે? શા માટે લેપ્ટો. કાબૂમાં નથી આવતો? તેવા પ્રશ્નોના જવાબ મેળવવા જ્યારે ‘દિવ્ય ભાસ્કર’ની ટીમ સુરત જિલ્લાનાં સૌથી વધુ અસરગ્રસ્ત પાંચ ગામ મલેકપોર, તરાજ, એના, તુંડી અને પલસાણા પહોંચી તો સરકારી કામગીરીની એક પછી એક પોલ ખૂલી હતી.

અમે જોયું કે સારવાર માટે ટળવળતા ખેતમજુરોને નથી વહેંચાય મેડિસિન, નથી તેમની પાસે લેપ્ટો.ની જાણકારી. ખેતમજુરોના માનસપટલ પર ઉપસેલી સરકારી તંત્રની છાપથી આશ્ચર્ય થયું. તેમનું કહેવું છે કે સિવિલમાં સારવાર કરાવવાથી માત્રને માત્ર મોત મળે છે

ચાલુ વર્ષે દક્ષિણ ગુજરાતમાં લેપ્ટોસ્પાઈરોસીસમાં ૫૮૫ કેસ નોંધાયા અને ૧૧૭ ખેતમજુરના મોત થયા છે. સુરતમાં નોંધાયેલા સૌથી વધુ ૧૮૩ પૈકી ૪૬નાં મોત થયા છે. લેપ્ટો.માં દર વર્ષે મોત વધતા જઈ રહ્યાં છે. તેની સામે સરકારી તંત્ર તેને ડામવાના પ્રયાસ કરવાનો દાવો કરી રહ્યું છે પણ આ પ્રયાસ શું ગામેગામ પહોંચી રહ્યું છે? માત્ર સુરત જિલ્લાની વાત કરીએ તો અહીં લેપ્ટો.થી ખેતમજુરોને રક્ષવા ૨.૧૪ કરોડનો ખર્ચ કર્યા બાદ પણ તે કાબૂમાં આવવાનું નામ નથી લેતો. તેની પાછળનું મૂળ કારણ શું? તે જાણવા માટે ‘દિવ્ય ભાસ્કરની ટીમ લેપ્ટો.થી સૌથી વધુ પ્રભાવિત એ પાંચ ગામોમાં પહોંચી.

અહીંની હકિકત સરકારી દાવાથી વિપરિત જોવા મળી. ખેતમજુરોની પાસે સામાન્ય ખાંસી શરદીનો ઈલાજ કરાવવાના પણ રૂપિયા નથી તો તેમની પાછળ લેપ્ટો.માં કરાયેલો ખર્ચ તે તમામ સરકારી દાવાઓની પોલ ખોલી રહ્યો છે.

અમારી ટીમ પાંચ ગામમાંના લેપ્ટો.ના દર્દીઓની વચ્ચે પહોંચી અને જમીની હકીકત જાણી. અહીં એવા ખુલાસા કરાય રહ્યાં છે જે અત્યારસુધી તમારી સમક્ષ આવ્યા ન હોય. લેપ્ટો.નું નામ પણ નહીં જાણનારા આ ખેતમજુરો કહે છે કે તે કઈ બલા છે, તે અંગે અમને કોઈ સમજાવવા આવ્યું નથી

મલેકપોર લાઇવ : કેસ ૫ : મોત ૨

આરામ કેવીને વાત કેવી: અરવિંદભાઈ રમણભાઈ જેઠા ખેતમજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને હાલ તાવ આવી રહ્યો છે અને તેની આંખો લાલ-પીળી છે પરંતુ તે ઘરે આરામ કરી શકતો નથી તેને પરિવારનું ગુજરાન ચલાવવા માટે દરરોજ ખેતરમાં કામ કરવા માટે જવું જ પડે છે. અરવિંદ રમણ જેઠા

આ લેપ્ટો. શું છે? : દેવીબેન નાનુભાઈ રાઠોડ (૧૭)નું દસ દિવસ પહેલા જ લેપ્ટોસ્પાઇરોસિસની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેની માતાએ એવો આક્ષેપ કર્યો છે કે અમને લેપ્ટોસ્પાઇરોસિસ શું તે કોઈએ જણાવ્યું જ નથી. તેથી અમે તેની ગંભીરતા વિશે અજાણ હતા. જેને કારણે જ મારી દીકરીનું અકાળે મોત નીપજ્યું છે.-મૃતક દેવીનાં માતા

તરાજ લાઇવ : કેસ ૪ : મોત ૨

કોઈ અધિકારી આવ્યો નથી

ગંગાબેનમાં લેપ્ટો.ના લક્ષણો છે અને આરામ કરી રહ્યા છે. તેમને શું થયું છે? તે જાણવા માટે આરોગ્યનો કોઈ જ અધિકારી તેમના ઘરે આવ્યો ન હોવાનું તેઓ જણાવે છે. તેઓ પોતાના ગળામાં કમળાની માળા પહેરી બીમારી ભગાવવાની કોશિશ કરી રહ્યા છે. -ગંગાબેન બાબુભાઈ રાઠોડ

પરિવારનું પેટ તો ભરવું પડેને

ગુલાબભાઈ ભાતની ખેતીમાં મજુરી કામ કરવા માટે જાય છે. તેમણે કહ્યું હતું કે આવા રોગ વિશે તેમણે સાંભળ્યું છે કે ખેતરમાં કામ કરવા જવાથી આ રોગ થાય છે પરંતુ તેમને પરિવારનું ગુજરાન ચલાવવા માટે ખેતરમાં કામ કરવા માટે જવું જ પડે છે. પરંતુ ખેતી સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ પણ નથી.- ગુલાબભાઈ પ્રભુભાઈ રાઠોડ

એના ગામ: કેસ :૪ : મોત : ૨

જાણ ન હતી જેથી, આધારસ્તંભ ખોયો

દિનેશભાઈનું ૮ દિવસ પહેલા લેપ્ટોની સારવાર દરમિયાન મોત થયું હતું. તેમના પિતા છનાભાઈનો આરોપ છે કે લેપ્ટો. અંગે અમને કોઈ પણ સમજાવવા જ નથી આવ્યું જેથી, આજે અમારો એકનો એક આધારસ્તંભ ગુમાવવો પડ્યો છે.- મૃતક દિનેશના પિતા છનાભાઈ રાઠોડ

પતિના મોત બાદ માલૂમ પડ્યું કે લેપ્ટો. છે

લેપ્ટોમાં મોતને ભેટેલા છનાભાઈના પત્ની જશુબેને આક્ષેપ કર્યો હતો કે તેમના પતિ ઘણાં સમયથી બિમાર હતા. તેમ છતાં તેમના મહોલ્લામાં કોઈ તપાસ કરવા આવ્યું નહોતું. એમનું મોત થયા બાદ માલૂમ પડ્યું કે લેપ્ટો. જેવી કોઈ બિમારી પણ છે. આ અંગે અમને કોઈ સમજ આપે તો તેની ગંભીરતા ખ્યાલ આવે ને. -મૃતક છનાભાઈનાં પત્ની જશુબેન

તુંડી ગામ: કેસ ૦૬ : મોત-૦૧સિવિલમાં તો બધા મરી જ જાય છે

કુસુમ બેન છેલ્લા ૧૨ દિવસથી લેપ્ટોમાં સપડાયા છે. તેમને સાત દિવસ પહેલા સારવાર અર્થે નવી સિવિલમાં લવાયા હતા. તેઓ જાતે ખેતમજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોય તેમજ સિવિલમાં તો બધા જ મરી જાય છે તેવી એક ખેડૂતોમાં માન્યતાને પગલે તેઓ ફરી ગામ ભાગી આવ્યા હતા. હવે તેઓ માળા પહેરી ભૂવાભગત પાસે ઘરેલુુ ઉપચાર કરાવી રહ્યાં છે. કુસુમ બલ્લુ રાઠોડ

પલસાણા: કેસ: ૦૭ મોત: ૦૨

સિવિલમાં તો મરી જવાય:

પલસાણા સીએસસીમાં સારવાર લઈ રહેલા રમીલા ભીખા રાઠોડે(૩૫)એ કહ્યું હતું કે ત્રણ વર્ષ પહેલા તેમના ભાઈને લેપ્ટો. થતા તેને સુરતની નવી સિવિલમાં ખસેડ્યો હતો. પણ તે મરી ગયો હતો. તબીબો કહે છે કે રમીલાબેનને નવી સિવિલમાં રફિર કરવા ઘણી કોશિશ કરી છે પરંતુ તેઓ સમજવા તૈયાર નથી. સિવિલમાં જવાથી મરી જવાય તેવું તેમના મનમાં ઘર કરી ગયું છે. તેઓ હોસ્પિટલ નામ માત્રથી ગભરાઈ જાય છે. રમીલા ભીખા રાઠોડ

વાસ્તવિકતા કંઈક જુદી જ...

આરોગ્ય વિભાગનો દાવો

આરોગ્ય વિભાગ કહે છે કે તેમના ૬૦૦ કર્મચારીઓ અને ૧૦૦૦ જેટલી આશાબહેનો ૧૫ જૂનથી જિલ્લામાં આરોગ્યલક્ષી કામગીરી કરી રહી છે, જેમણે જિલ્લાના ૯ તાલુકાનાં ૭૧૮ ગામોમાં ફરી ૩ લાખ ૧૧ હજાર ૬૭૯ ઘરોની મુલાકાત લીધી હતી, જેમાં તેઓ ૧૫ લાખ ૧૨ હજાર ૦૯૨ લોકોને મળી આરોગ્યલક્ષી તપાસ કરી હતી. લેપ્ટો.થી લોકોને બચાવવા માટે જુદી જુદી ૧૪ લાખ ટેબ્લેટનું વિતરણ કરાયું હતું. જોકે, ૭૧૮ પૈકી માત્ર સૌથી અસરગ્રસ્ત પાંચ જ ગામોમાં તપાસ કરી તો આરોગ્ય વિભાગના તમામ દાવા પોકળ જણાતા હતા.

તું અભણ, ચોપડીનું શું કરશે?

આ ગામોની મુલાકાત વેળા આરોગ્ય વિભાગના જાગૃતિ અભિયાની પોલ ખુલી. આ ગામોના જે ફિળયામાં લેપ્ટો.ને કારણે મોત થયા હતા ત્યાંના ખેતમજુરોને પૂછાયું તો તેમણે પત્રિકા મળી હોવાનું નકાર્યું. એક ખેતમજુરે કહ્યું કે તેઓ જ્યારે પીએચસી પર જઈ લેપ્ટોસ્પાઇરોસિસ અંગે જાણવાની કોશિશ કરી હતી ત્યારે એક વ્યક્તિએ કહ્યું હતું કે તું અભણ છે લેપ્ટો.ની ચોપડીનું શું કરશે?

જિલ્લા આરોગ્ય અધિકારી ડે રાજેન્દ્રર કંછલ સાથે સીધી વાત

પ્રશ્નઃખર્ચ સામે ફાયદો શું?

જવાબઃ ખર્ચ, જાગૃતિ અને ઇલાજ માટે થાય છે એટલે મૃત્યુદર ઘટે છે.

પ્રશ્નઃ જાગૃતિ ન આવવાનું કારણ શું?

જવાબઃ કેટલાક ખેતમજૂરો સમજતા જ નથી.

પ્રશ્નઃખેતમજૂરો કહે છે કે લેપ્ટો. અંગે જાણ નથી? એવું કેમ?

જવાબઃ જાણકારી આપવામાં આવી હોય ત્યારે ખેતમજૂર હાજર ન હોય તેવું બની શકે.

પ્રશ્નઃ અજાણ લોકોને કઈ રીતે સમજાવાય છે?

જવાબઃ આરોગ્ય કર્મચારીઓ લેપ્ટો. કેવી રીતે થાય છે તે અંગે પત્રિકા અને રોગના લક્ષણો વિશે માહિતી આપે છે.

પ્રશ્નઃવધતાં મોતનું કારણ શું?

જવાબઃ લેપ્ટો.ના સ્પાઇરોકેટ્સ પોતાના રંગ બદલ્યા કરે છે, પહેલા તે કિડની પર અસર કરતા હતા, હવે તે ફેફસાનું હેમરેજ કરે છે.પ્રશ્નઃશું તંત્ર નિષ્ફળ છે?

જવાબઃ ના, તંત્ર શક્ય તેટલી બધી જ કામગીરી કરે છે.X
Death by government fertilizer

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી