ડાંગમાં ચેકડેમોના કામમાં ગોબાચારી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવ તકલાદી : બાળમજુરો પાસેથી કામ લઈ કાયદાનો છડેચોક ભંગ કરાય છે ગુજરાતનો ચેરાપુંજી ગણાતા ડાંગમાં હાલ પાણીની સમસ્યા ખૂબ જ વિકટ બની ગઈ છે ત્યારે રાજ્ય સરકાર પાણીનો પ્રશ્ન હલ કરવા માટે નાના ચેકડેમો બનાવવા પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે પરંતુ ઈજારદાર અને અધિકારીઓની મીલીભગતથી ચેકડેમના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો છે. આઅંગે મળતી વિગતો અનુસાર ડાંગના પાંડવા ગામે સિંચાઈ વિભાગ દ્વારા બનાવાઈ રહેલ ચેકડેમના કામમાં વપરાતા રેતી, સિમેન્ટ તથા અન્ય મટિરિયલ્સ ખૂબ જ નિમ્ન કક્ષાના વાપરવામાં આવી રહ્યા છે તેમજ ડેમના બાંધકામમાં સરકારી નીતિનિયમોને નેવે મુકીને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. અધુરામાં પુરું આ ચેકડેમના કામમાં બાળમજુરોથી કામ કરાવાઈ રહ્યું છે. કાયદાથી પર જઈને ઈજારદાર દ્વારા બાળાઓને કામે લગાડી કાયદાનો છડેચોક ભંગ કરી રહ્યા છે. આ અંગે સંબંધિત અધિકારીઓએ તત્કાળ પગલાં લઈ ઘટતું કરવું જોઈએ. આ ચેકડેમના કામમાં રેતીના સ્થાને માટીયુકત ભાઠુ વાપરવામાં આવી રહ્યું છે. કોંક્રિટને બદલે મોટાપાયે પથ્થરો નાંખવામાં આવતા હોવાથી ચેકડેમની ગુણવત્તા સામે અનેક પ્રશ્નો ઉઠ્યા છે. આમ સરકારના કરોડો રૂપિયાના કામો પર અધિકારીઓ અને ઈજારદારની મીલીભગતમાં ચૂનો ચોપડવામાં આવી રહ્યો છે. ગેરરીતિ જણાશે તો તાત્કાલિક કાર્યવાહી આ ભ્રષ્ટ કામ અંગે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર પી.બી. મકવાણાને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે આ ચેકડેમના કામમાં અગર કોઈ ગેરરીતિ જણાશે તો તેની સામે તત્કાળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.