દહેજની બિરલા કોપર કંપનીમાં આગ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્ર વિશ્વમાં શનિવારે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ઉદ્યોગગૃહો સુરક્ષા અને સલામતીના પગલાંઓ વિશે કાર્યક્રમો યોજી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહયાં હતાં તેવા સમયે જ દહેજ જીઆઇડીસીમાં આવેલી બિરલા કોપર કંપનીના સલ્ફયુરિક એસિડ પ્લાન્ટ - ૧માં ભીષણ આગ લાગતાં આખો પ્લાન્ટ બળીને રાખ થઇ ગયો હતો. દહેજ જીઆઇડીસીમાં આવેલી બિરલા કોપર કંપનીના સલ્ફ્યુરિક એસિડના પ્લાન્ટ-૧માં મંગળવારે મળસ્કે ૪ કલાકના અરસામાં ધુમાડા નીકળતાં કંપનીના ફાયર ફાયટર્સએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં આખો પ્લાન્ટ ભડકે બળવા લાગ્યો હતો. દહેજની અન્ય કંપનીઓ તેમજ ભરૂચ નગરપાલિકાના લશ્કરોએ પણ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો આદર્યા હતાં. ૧પથી વધુ લાયબંબાઓએ પાણીનો મારો ચલાવ્યાં બાદ સવારે ૯ કલાકના અરસામાં આગ ઉપર કાબુ મેળવી શકાયો હતો. કંપનીના સલ્ફયુરિક એસિડ પ્લાન્ટને મરામત માટે બંધ કરવામાં આવ્યો હોવાથી તેમાં કોઇ કર્મચારી હાજર નહિ‌ હોવાને કારણે આગની ઘટનામાં કોઇ જાનહાનિ નોંધાઇ નથી. ભરૂચ જિલ્લા કલેકટર રૂપવંતસિંગ, પ્રાંત અધિકારી આઇ.જે.માલી સહિ‌તના ઉચ્ચ અધિકારીઓએ પણ કંપનીના એસિડ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. ઉચ્ચ સ્તરીય સમિતિ આગનાં કારણોની તપાસ કરશે બિરલા કોપર કંપનીની સત્તાવાર યાદીમાં જણાવ્યાં અનુસાર સલ્ફયુરિક એસિડ પ્લાન્ટને ૨૮મી મેના રોજથી વાર્ષિ‌ક મરામત માટે બંધ કરવામાં આવ્યો હતો. સવારે પ કલાકે પ્લાન્ટમાં આગ લાગી હોવાની જાણ થતાં કંપનીના પોતાના તેમજ અન્ય કંપનીના લાશ્કરોએ દોડી આવી દોઢ કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પ્લાન્ટ શટડાઉન હોવાથી પ્લાન્ટમાં કોઇ કર્મચારી હાજર ન હતો તેમજ ઉત્પાદિત તથા રો -મટિરીયલ પ્લાન્ટમાં રાખવામાં આવ્યું ન હતું.આગ લાગવાના કારણો તેમજ નુકશાનનો આંકડો મેળવવા કંપની દ્વારા ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. માનવીય હાનિ નહિ‌ હોવાથી ઘટનાની તપાસ કંપની કરશે ભરૂચના ઇન્ચાર્જ પ્રાંત અધિકારી આઇ.જે.માલીએ જણાવ્યું હતું કે, બિરલા કોપર કંપનીનો સલ્ફયુરિક એસિડ પ્લાન્ટ શટ ડાઉન હોવાને કારણે કોઇ માનવીય હાનિ થઇ નથી. ભરૂચ તથા દહેજના ફાયર ફાયટર્સએ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો પણ પ્લાન્ટને મોટું નુકશાન થયું છે. માનવીય હાનિ નહિ‌ થઇ હોવાના કારણે કંપની દ્વારા જ ઘટનાની તપાસ કરાશે. એસઓ(૨)ની કોમન લાઇનના વેસલમાં આગ લાગી હતી ભરૂચના ફેકટરી ઇન્સપેકટર વી.જે.પટેલે જણાવ્યું હતું કે, એસઓ(૨) ગેસને તબકકાવાર સ્ક્રબ કરી તેને ડ્રાઇગ ટાવરમાં પહોંચાડવામાં આવે છે. ત્રણ તબકકા બાદ મળતાં શુધ્ધ ગેસને ટાવર સુધી પહોંચાડતી લાઇનના અંતિમ વેસલમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તબકકે લાગી રહ્યું છે. આગની ઘટના સવારે ૩.પપ કલાકના અરસામાં બની હતી.