વિશાળ પાણીની ટાંકી હોવા છતાં પાણી માટે ટળવળે છે ગ્રામવાસીઓ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરચોમાસે પીવાના પાણી માટે વલખાં મારતાં ગામના ૨૦૦થી વધુ પરિવારો મહુવા તાલુકાના જૂનુ બુધલેશ્વર ગામે ગુજરાત પાણી પુરવઠા યોજનામાં દ્વારા અંદાજિત ૪ વર્ષ પહેલા ગ્રામજનોની તરસ છીપાવવા માટે લાખો રૂપિયાના ખર્ચે વિશાળ ટાંકી બનાવાઈ હતી. પરંતુ આજદિન સુધી આ ટાંકીનું પાણી ગ્રામજનોને પીવા મળ્યું નથી, જેના પરિણામે ભરચોમાસે ગ્રામજનોએ પીવાના પાણી માટે વલખા મારવાની નોબત આવી છે. ત્યારે સંબંધિત તંત્ર ગ્રામજનોને પીવાના પાણીની પડતી હાલાકીનું સત્વરે નિરાકરણ લાવે એવી ગ્રામજનોની ઉગ્ર માંગ છે. મહુવા- અનાવલ સ્ટેટ હાઈવેને લગોલગ મહુવા ગામને અડીને આવેલા જૂના બુધલેશ્વર ગામે ગ્રામજનોની પીવાની પડતી હાલાકી અને વારંવારની રજૂઆતોને ધ્યાનમાં લઈ અંદાજિત ૪ વર્ષ પહેલા આશરે ૬ લાખ ૪૪ હજારના માતબર ખર્ચે ગુ. પા. પુ. યોજનામાં વિશાળ ટાંકી બનાવવામાં આવી હતી. જેના પરિણામે ૨૦૦થી વધુ પરિવારોને પીવાનું અને ઘર વપરાશનું પુરતુ પાણી મળશે એ આશાએ ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. દિવસોના દિવસો અને વર્ષોના વર્ષો વિતવા છતાં પણ પાણી ન આવતાં ગ્રામજનોમાં તંત્ર વિરુદ્ધ ઉગ્ર રોષ વ્યાપી રહ્યો છે. હાલમાં આ વિશાળ ટાંકી ગ્રામજનો માટે ધોળા હાથી સમાન પુરવાર થઈ રહી છે, પરિણામે ભર ચોમાસે ગ્રામજનોએ પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યાં છે. ઘર વપરાશથી લઈ મનુષ્યો અને પશુઓ માટે હાલ આ કૂવો આર્શીવાદરૂપ સાબિત થઈ રહ્યો છે. ત્યારે સંબંધિત તંત્ર દ્વારા આ વિશાળ પાણીની ટાંકી ગ્રામજનો માટે ઉપયોગી બનાવી તેઓની પડતી હાલાકીનું સત્વરે નિરાકરણ કરે એ જરૂરી છે મોટરના વાંકે પાણી મળતું નથી આ ગંભીર બાબતનું નિરાકરણ લાવવા માટે ગ્રામસભામાં પણ ચર્ચા થઈ છે. મોટર મુકવાની બાકી છે, એટલે પાણી ચાલુ થયું નથી. પરંતુ હું હવે રૂબરૂમાં જઈ કામગીરી પૂર્ણ કરાવી પીવાનું પાણી જલદી ચાલુ કરાવી દેવાશે. અજિતભાઈ ચૌધરી, તલાટી, બુધલેશ્વર