આનંદીબેને મોઢવાડિયાને અર્જુન જુઠવાડિયા કહ્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોંગ્રેસ જે સમાચારો આપે તે મીડિયા છાપતું હોવાનું કહ્યું
નવસારીમાં કચેરીના લોકાર્પણમાં ચૂંટણીનું બ્યૂગલ
નવસારીમાં યોજાયેલ સરકારી સમારોહને મંત્રીઓએ રીતસર ચૂંટણી સભા બનાવી દીધો

નવસારીમાં બનેલા કલેક્ટર કચેરીના નવા મકાનનો ઉદઘાટન સમારોહ ચૂંટણીલક્ષી બની રહ્યો હતો. જ્યાં આખાય પ્રવચનમાં મંત્રી આનંદીબેન કોંગ્રેસને ભાંડી મોદીના ભારોભાર વખાણ કર્યા તો અન્ય એક મંત્રી મંગુભાઈ પટેલે મોદીને પુન: મુખ્યમંત્રી બનાવવા અપીલ પણ કરી દીધી હતી. આ સમારોહમાં બે ધારાસભ્ય ગેરહાજર રહ્યા હતા.

અંદાજે ૧૧ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નવસારી જિલ્લાના નવા જિલ્લા સેવાસદન (કલેક્ટરાલય)નો લોકાર્પણ કાર્યક્રમ સોમવારે નવસારીની મતિયા પાટીદાર સમાજની વાડીમાં યોજાયો હતો. આમ તો કાર્યક્રમ સરકારી હતો પરંતુ જે રીતે કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રીઓએ પ્રવચનો કર્યા તે જોતા કાર્યક્રમ ભાજપનો હોય અને ચૂંટણી સભા હોય તેવો લાગ્યો હતો. નવા જિલ્લા સેવાસદનના ઉદઘાટક રાજ્યના બાંધકામ મંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું કે કોંગ્રેસ હાલમાં માત્ર જુઠાણુ જ ચલાવી રહી છે.

રક્ષાબંધનના દિવસે ઘરનું ઘર યોજનાની જે જાહેરાત કરી તેમાં બનાવટ છે. આ યોજનામાં લોકોને મફત ઘર મળવાનું લાગતું હતું પરંતુ તેના ફોર્મ જોતા ઘર માટે નાણાં ભરવાની સાથે બેંકમાંથી લોન લેવાની પણ વાત થઈ છે, જે જાણતા લોકોને છેતરાયાનો અનુભવ થયો છે.

સને ૨૦૦૫માં કોંગ્રેસની દાંડીકૂચ યાત્રા વેળા દાંડી આવેલ પ્રધાનમંત્રી મનમોહનસિંહે દાંડી હેરિટેજ ફૂટ બનાવવાની જાહેરાત તો કરી પરંતુ ૭ વરસે પણ ઠેકાણા નથી. આ યોજના માટે ૨૦૧૩ કરોડના એસ્ટીમેટ સામે ૫ કરોડની જ જોગવાઈ હતી. દાંડીકૂચ યાત્રા તે વેળા કોંગ્રેસીઓએ દારૂ પીતા કરી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. તેમણે સંબોધનમાં કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાને અર્જુન જુઠવાડિયા પણ કહી દીધા હતા. તેમણે મિડિયાની નિષ્પક્ષતા ઉપર પણ સવાલો ઉઠાવી જણાવ્યું કે મિડિયાવાળા કોંગ્રેસ જે સમાચારો આપે છે તે છાપે છે, જ્યારે આપણા સમાચારો કોર્નર ઉપર ખૂણેખાંચરે છાપે છે.

આ સમારોહમાં ઉપસ્થિત રાજ્યના અન્ય એક મંત્રી અને નવસારીના ધારાસભ્ય મંગુભાઈ પટેલે પણ કોંગ્રેસની ઘરનું ઘર યોજનાને માત્ર છેતરપિંડી ગણાવી હતી. તેમણે પોતાના સંબોધનમાં નરેન્દ્ર મોદીને પુન: રાજ્યના મુખ્યમંત્રી બનાવવાની અપીલ સુદ્ધાં કરી દીધી હતી.

મકાનનું બજેટ ૧૧.૨૩ કરોડથી ૧૩.૮૪ કરોડ

નવસારીમાં બનેલા જિલ્લા સેવાસદનના નવા મકાનમાં ધારણા કરતા ખર્ચ વધી ગયો હતો. મકાન માટે ૨૦૦૯માં જે વહીવટી મંજુરી ૧૧.૨૩ કરોડની અપાઈ હતી, તે ૨૦૧૨માં સુધારેલી મંજુરી ૧૩.૮૪ કરોડ રૂપિયાની કરવાની ફરજ પડી હતી. વહીવટી મંજુરીમાં સુધારા માટે અન્ય કેટલીક બાબતો ઉપરાંત નવા મકાનના ફર્નિચરનો એસ્ટીમેટ ઘણો વધી ગયાનું કહેવાય છે. અગાઉ ફર્નિચર માટે ખર્ચ ૫૮ લાખ રૂપિયા મુકાઈ રહ્યો હતો. જોકે પાછળથી તેમાં સુધારો કરી ૨.૦૭ કરોડ કરી દેવાયો છે.

ફર્નિચર બાકી છતાં લોકાર્પણ

નવા કલેક્ટરાલયનું લોકાર્પણ તો મંત્રીઓએ કરી દીધુ પરંતુ ખરા અર્થમાં લોકાર્પણ થઈ શક્યું ન હતું. સરકારી સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હજુ નવા જિલ્લા સેવા સદનમાં કેટલુંક કામકાજ બાકી છે. ખાસ કરીને નવા મકાનમાં જરૂરી ફર્નિચર હજુ બન્યું નથી. પૂરતું ફર્નિચર ન હોવાથી તથા અન્ય કેટલુંક કામ બાકી હોવાથી નવા મકાનમાં કલેક્ટર કચેરી શરૂ થઈ શકી ન હતી. સંભવત: હજુ એક મહિનો લાગવાની શક્યતા છે. ચૂંટણીને નજર સામે રાખી વહેલું લોકાર્પણ કરી દેવાયું હતું.

બે ધારાસભ્યોની ગેરહાજરી ચર્ચાસ્પદ

નવસારીમાં યોજાયેલો સમારોહ ભાજપના નેતાઓની હાજરીને લઈને પણ ભારે ચર્ચાસ્પદ રહ્યો હતો. સમારોહમાં સ્થાનિક નેતાઓમાં મંત્રી મંગુભાઈ, માજી મંત્રી કાનજીભાઈ, ગણદેવીના ધારાસભ્ય લક્ષ્મણભાઈ પટેલ, સાંસદ સી.આર. પાટીલ, જિલ્લા પંચાયત પ્રમુખ સુરેન્દ્ર પટેલ સહિત મહત્તમ સ્થાનિક નેતાઓ હાજર હતા.

જોકે જિલ્લાના જ બે ધારાસભ્યો જલાલપોરના આર.સી. પટેલ તથા ચીખલીના નરેશ પટેલની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી. નરેશ પટેલ ગાંધીનગર હોવાની વાતો જણાવાઈ રહી હતી. બીજીતરફ ધારાસભ્ય આર.સી. પટેલને પૂછતાં તેઓ બહારગામ હોઈ હાજર રહી શક્યા ન હોવાનું જણાવ્યું હતું. એ અલગ વાત છે કે આર.સી. પટેલની ગેરહાજરી અંગે તેમની નારાજગી હોવાની વાતો પણ કેટલાક વર્તુળો જણાવી રહ્યા હતા.