મારામારી કેસમાં મૃતકના ભાઈએ કાકા-પિતરાઈ વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- યુવાને મારામારી કર્યા બાદ પોલીસની બીકથી ફાંસો ખાઈ લીધો હતો
- કાકા અને પિતરાઈ ભાઈએ યુવાનને મારી નાંખવાની ધમકી આપી હતી


વલસાડના હિંગરાજ ગામે રહેતા યુવાને મારામારીના કેસમાં પોલીસની બીકથી ફાંસો ખાઈ લેવાના પ્રકરણમાં તેના ભાઈએ પોતાના કાકા અને પિતરાઈ ભાઈ વિરૂધ્ધ જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

હિંગરાજમાં શીત તળાવ પાસે માહ્યાવંશી મહોલ્લામાં રહેતા અને રેલવેમાંથી નિવૃત્ત થયેલા અરવિંદભાઈ પત્ની રંજનબેન સાથે ગામમાં જ રહેતા હતા, જયારે તેમનો પુત્ર સંદીપ વલસાડ રહેતો હતો. અરવિંદભાઈના ભત્રીજા જિતેન્દ્ર અને અંકિત પણ મહોલ્લામાં જ રહેતા હતા. જેથી કાકા અરવિંદભાઈ પોતાનું નામ મોટુ કરવા માટે અને લોકોની પ્રશંસા મેળવવા માટે કહેતા હતા કે, મારા ભત્રીજાઓને હું નાણા આપી આર્થિ‌ક મદદ કરુ છું.

આ અંગેની જાણ જિતેન્દ્ર અને અંકિતને થતા તેઓ બંને કાકાના ઘરે પહોંચ્યા હતા અને મદદ કરૂ છું એવો ખોટો પ્રચાર કેમ કરો છો એમ કહેતા બોલાચાલી થઈ હતી. બાદમાં અરવિંદભાઈએ આ અંગે પોતાના પુત્ર સંદીપને જાણ કરતા બંને પિતા પુત્ર અંકિતના ઘરે પહોંચી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ બાબતે ઘર્ષણ થતા પોલીસ દોડી આવી હતી. જેથી જિતેન્દ્ર પોલીસના હાથે લાગી ગયો હતો,જયારે અંકિત પોલીસ ધરપકડના ડરથી ફરાર થઈ ગયો હતો.

જેની ફાંસો ખાધેલી લાશ તળાવની પાળ ઉપરથી મળી આવતા પોલીસે એડી દાખલ કરી હતી. આ મામલે શનિવારે મૃતકના ભાઈ જિતેશ અમ્રત પટેલે પોતાના કાકા અરવિંદભાઈ અને પિતરાઈ ભાઈ સંદીપ વિરૂધ્ધ જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી.