ગણેશ વિસર્જન સમયે નદીમાં તણાયેલા યુવાનની લાશ ૮૪ કલાક બાદ મળી આવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ચેકડેમના ત્રણ ખુલ્લા દરવાજામાંથી પાણીનો ફોર્સ વધતા યુવાન તણાઈ ગયો હતો
- પરિવારજનોના આક્રંદથી માહોલ ગમગીન બની ગયો
વલસાડ: વલસાડના ધરમપુર રોડ પર આવેલા નવેરા ગામમાં ગણેશ વિસર્જન દરમિયાન એક યુવાન નદીમાં ન્હાવા માટે પડતા ડૂબી જતા તણાઈ ગયો હતો. જેની લાશ ૮૪ કલાક બાદ બુધવારે વલંડી ખાડીમાંથી મળી આવતા પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. જુવાનજોધ પુત્રના મોતને પગલે પરિવારજનોમાં શોકની કાલીમા પ્રસરી ગઈ હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, વલસાડના ધરમપુર રોડ આવેલા નવેરા ગામમાં દેસાઈ ફિળયા ખાતેના મંડળ દ્વારા ગણેશ વિસર્જન યાત્રામાં કાઢવામાં આવી હતી. આ વિસર્જન યાત્રા સમયે ચણવઈ ગામમાં ઓસ્વાલ વિલેજ પાસે રહેતા ૨૪ વર્ષીય આશિષ ધીરૂભાઈ રાઠોડ પોતાના ત્રણ મિત્રો સાથે નદીમાં ન્હાવા માટે પડયો હતો. થોડા સમય પછી આ ત્રણ મિત્રો બહાર નીકળી આવ્યા હતા. જ્યારે આશિષ પણ બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ નદી પર બનાવવામાં આવેલા ચેકડેમના ત્રણ દરવાજા ખુલ્લા હોવાથી પાણીનો ફોર્સ વધતા આશિષને તરતા આવડતું હોવા છતાં તે બહાર આવી શક્યો ન હતો. પાણીના ધસમસતા પ્રવાહમાં તે તણાઈ ગયો હતો. જેની શોધખોળ માટે પોલીસે ૧૦ તરવૈયાઓને પણ કામે લગાડયા હતા પરંતુ બે દિવસની શોધખોળ બાદ પણ કોઈ પત્તો લાગ્યો ન હતો.
દરમિયાન ગુરૂવારે સવારે ૧૦:૦૦ કલાકે આશિષની લાશ નવેરા ગામની વંલડી ખાડીના આમલી ફિળયા ખાતે નજરે ચઢી હતી. જેથી અશોક છગનભાઈ પટેલ (રહે. તળાવ ફિળયા, ચણવઈ) એ રૂરલ પોલીસ મથકે જાણ કરી હતી. જુવાનજોધ પુત્ર આશિષના મોતને પગલે પરિવારજનોના આક્રંદથી માહોલ ગમગીન બની ગયો હતો. પોલીસે સીઆરપીસી ૧૭૪ મુજબ બનાવની નોંધ કરી આગળની વધુ તપાસ જમાદાર બાબુભાઈ નગીન કરી રહ્યા છે.