• Gujarati News
  • Woman Returned To The Original Place To Find Othe Wise Self effacement

મહિલાની ચીમકીઃ મૂળ જગ્યા પરત ન મળે તો આત્મવિલોપન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મૂળ જગ્યા પરત મેળવવા વલસાડની બે મહિલાઓએ આત્મવિલોપન ચીમકી આપી
- પ્રમુખ સોનલ સોલંકી અને ચીફ ઓફિસરે આજદિન સુધી મુલાકાત લેવાની પણ તસ્દી લીધી ન હોવાની પણ કલેકટરને રજૂઆત


વલસાડનાં લુહાર ટેકરા વિસ્તારમાં જળદેવી મંદિર નજીક ત્રણ રસ્તા આગળ ચાની લારી અને મૂળ જગ્યા પરત નહીં કરવામાં આવે તો લારીધારક પરિવારની બે મહિ‌લાઓએ આત્મવિલોપનની ચીમકી આપી છે. આ મામલે તેમણે કલેકટરને જાણ કરતો પત્ર લખી પાલિકા પ્રમુખ અને સીઓએ છેલ્લા નવ દિવસનાં આમરણાંત ઉપવાસ છતાં મુલાકાત કરવાની પણ તસ્દી લીધી નથી તેવી હૈયાવરાળ ઠાલવી છે.

શહેરનાં લુહાર ટેકરા નજીક મુખ્ય રોડને અડીને આવેલી ખુલ્લી જગ્યામાં ચાની લારી અને કેબિન દૂર કરી દેવાતાં આ પરિવારની બે મહિ‌લાઓ ઉષાબેન પટેલ અને નયનાબેન રમણભાઇ પટેલે ૨પ જૂનથી આમરણાંત ઉપવાસ શરૂ કર્યાં હતા. તેમણે લારી અને જગ્યાની માગ કરવા છતાં પાલિકાએ પરત ન કરતાં હવે આગામી દિવસોમાં આત્મવિલોપનની ચીમકી સાથે કલેકટરને લેખિત રજૂઆત કરી છે. આ મહિ‌લાઓએ પાલિકા પ્રમુખ સોનલ સોલંકી, સીઓ કીરીટ પટેલ અને આદિવાસી સભ્યોએ આજ દિન સુધી તેમની મુલાકાત લીધી નથી તેવી ફરિયાદ કરી છે.

વધુમાં જણાવ્યા મુજબ ૧૯૮૭માં તત્કાલીન કલેકટરે આ જગ્યા ફાળવી હોવા છતાં તેમના હુકમ વિરૂધ્ધ જઇ પાલિકા પ્રમુખ દ્વારા કનગડત થઇ રહી છે. આ જગ્યા પર લારી કે કેબિન કોઇ રીતે ટ્રાફિકને નડતર ન હોવા છતાં પાલિકાએ તે દૂર કરી છે. જિલ્લા વહીવટી તંત્રનાં કોઇ અધિકારીએ સ્થળનું સરવે કર્યો નથી.પ્રમુખ સોલંકીએ બિલ્ડરને ઇશારે લારી અને કેબિન હટાવી દીધી હોવાનો આક્ષેપ પણ કરાયો છે. જો લારી અને મૂળ જગ્યા પરત ન થાય તો આત્મવિલોપન કરીશું,જેની જવાબદારી તમામ અધિકારીઓ,પદાધિકારીઓ અને બિલ્ડરની રહેશે તેવી ચીમકી સાથેની રજૂઆત કલેકટરને કરાઇ છે.

- બિલ્ડરને છાવરી ગરીબને અન્યાય: ઉપવાસી મહિ‌લા

ઉપવાસે ઉતરેલી મહિ‌લાઓએ કલેકટરને કરેલી રજૂઆતમાં પાલિકા પ્રમુખ સોનલ સોલંકી અને ચીફ ઓફિસર બિલ્ડરને છાવરી ગરીબને અન્યાય કરે છે તેવો આક્ષેપ કર્યો છે. આ જગ્યા બિલ્ડરને બાંધકામ કરવા જોઇતી હોવાથી તેના ઇશારે લારી અને કેબિન પ્રમુખે દૂર કરાવ્યા છે. પ્રમુખ કોંગ્રેસીઓ સાથે મળીને અમાનવીય વર્તન કરે છે તેવી રાવ પણ આ મહિ‌લાઓએ કરી છે.