તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બગવાડા ટોલનાકાથી વાપીનાં ટ્રાન્સપોર્ટરનું અપહરણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વ્યાજે લીધેલા રૂપિયા પરત ન કરતા અપહરણ કરાયું હતું, જોકે, બાદમાં છૂટકારો
- અપહરણ કરનાર ત્રણ આરોપીની વાપીથી ધરપકડ


વાપીના ચણોદ કોલોનીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરનારનું શુક્રવારે રાત્રે ત્રણ ઇસમોએ બગવાડા ટોલનાકાથી કારમાં અપહરણ કર્યુ હતું. અપહરણ કરીને સલવાવ સ્થિત મોલની પાછળના ભાગે લઇ જઇને માર મારતા વોચમેન અને તેમના મિત્ર આવી પહોંચતા તેમનો આબાદ બચાવ થયો હતો. વેપારીએ બનાવ અંગે પારડી પોલીસ સ્ટેશનમાં વાપીના ત્રણ ઇસમો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે રવિવારે રાત્રે ત્રણેયની વાપીથી ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં અપહરણના ભોગ બનનારે ધંધા માટે ઉછીના રૂપિયા લીધા હતા, જે પૈકી બે લાખ રૂપિયા પરત ન કરતા અપહરણ કરાયું હોવાનું જાણવા મળે છે.

વાપીના ચણોદ કોલોનીમાં આરબીએલ કવાર્ટસમાં રહેતા પ્રભાકર રામભાઇ રાજપૂત ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. શુક્રવારે રાત્રે તેઓ કોઇ કામ અર્થે ગયા બાદ વલસાડથી પરત ફરી રહ્યા હતા,ત્યારે બગવાડા ટોલનાકા નજીક ત્રણ ઇસમોએ ધાક ધમકી આપી માર મારીને તેમનું કારમાં અપહરણ કરી ગયા હતા. અપહરણ કર્યા બાદ પ્રભાકર રાજપૂતને સલવાવ હાઇવે સ્થિત એમ્પ્રેસ મોલના પાછળના ભાગે લઇને માર મારવામાં આવ્યો હતો. પ્રભાકરને બારીની ગ્રીલ સાથે લટકાવીને ધક્કો મારી જાનથી મારી નાંખવાની કોશિષ પણ કરવામાં આવી હતી. જોકે, આ દરમિયાન વોચમેન ત્યાં આવી પહોંચતા અને ફરિયાદી પ્રભાકરના મોબાઇલથી મિત્રને ફોન દ્વારા જાણ કરાતા તમામ આરોપીઓ બનાવના સ્થળેથી ફરાર થઇ ગયા હતા.

પારડી પોલીસ સ્ટેશનમાં શુક્રવારે રાત્રે પ્રભાકર રાજપૂતે આપેલી ફરિયાદ મુજબ ધંધાર્થે તેમણે વાપી ગુંજન સ્થિત સનસિટીમાં રહેતા કુલદીપસિંગ ધનજલ પાસેથી રૂ.પાંચ લાખ વ્યાજે ઉછીના લીધા હતા. પાંચ લાખ પૈકી ત્રણ લાખની રકમ તેમણે ચૂકવી દીધી હતી, જ્યારે બે લાખની બાકી રકમ માટે વારેઘડીએ આરોપીઓ ત્રાસ આપીને ધમકી આપતા હતા. બીજી તરફ ફરિયાદી બે લાખ રૂપિયા આપવા માટે આનાકાની કરતા આખરે શુક્રવારે રાત્રે બાકીના રૂપિયાની ઉઘરાણી કરવા માટે અપહરણ કરાયું હતું. પારડી પોલીસે ગુનો નોંધીને રવિવારે રાત્રે આરોપી કુલદીપસિંગ ધનજલ તથા ગોદાલ નગરમાં રહેતા અફરોઝ અને સચીનની ધરપકડ કરી હતી.