વાપી પાલિકાનું વેરા વસૂલાત અભિયાન, ગેસ્ટ હાઉસ સીલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સોના ગેસ્ટ હાઉસ અને દુકાનોને સીલ કરી રૂ. ૨.૭૦ લાખનો વેરો ભરાવ્યો

વાપી નગર પાલિકામાં ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩ માં દશ કરોડથી વધુના વિવિધ વેરાની વસુલાત કરવાની રહે છે. જોકે, પાલિકાના ઓછા મહેકમ અને અન્ય કામગીરીને લઇ માત્ર ૫૦ ટકા વસુલાત કરી શકી છે. પાલિકા નાણાકીય વર્ષના અંત સુધીમાં મહત્તમ વેરો વસૂલાત કરી શકાય તે માટે કડક વલણ અખત્યાર કરી રહી છે. મંગળવારે પાલિકાના વેરા વસૂલાતના અધિકારીઓએ મિલકતને સીલ મારવાની કામગીરી કરતા જ બાકી વેરો ભરાઇ ગયો હતો.

વાપી નગરપાલિકાએ ચાલુ નાણાકીય વર્ષના નવ માસમાં ૨૨ કરોડ ૬૧ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. ખર્ચની સામે પાલિકાને વેરા પેટે મળતી આવક માત્ર ૫૦ ટકા સુધી રહેવા પામી છે. વાપી પાલિકા તરફથી ચાલુ વર્ષે રૂપિયા દસ કરોડ ઉપરાંતના વિવિધ વેરાનાં માગણા બિલો મોકલાવ્યા છે. પાલિકા દ્વારા બાકી વેરાની હવેથી કડક વસૂલાત કરવામાં આવી રહી છે. મંગળવારે વેરા વિભાગના કર્મચારીઓ દ્વારા મુખ્ય બજાર વિસ્તારમાં આવેલી સોના ગેસ્ટ હાઉસ તથા અન્ય દુકાનને સીલ મારવાની કામગીરી હતી.

જોકે, પાલિકાના કડક વલણને લઇને ગેસ્ટ હાઉસના માલિકે બાકી વેરો બે લાખ રૂપિયા જ્યારે અન્ય દુકાનદારોએ ૭૦ હજાર રૂપિયાનો વેરો તાત્કાલિક ભરી દીધો હતો. પાલિકા આગામી દિવસમાં વેરા વસૂલાતનો ટાર્ગેટ પુરો કરવા માટે નળ કનેકશન કાપી નાંખવાની તથા મિલકતને શીલ મારવાની કામગીરી વધુ તેજ બનાવશે.

- સીધી વાત

કેટલા ટકા વેરા વસૂલાત થઇ ?
૫૦ ટકા સુધી વસૂલાત થઇ છે.
કેટલી મિલકતો સીલ કરાઇ ?
સોના હોટલ અને અન્ય દુકાનને શીલ મારવાની કામગીરી કરવા ગયા હતા જોકે, માલિકે ચેક આપી દીધા હતા.
વેરા વસૂલાતમાં સ્ટાફ ઓછો પડે છે?
વેરા વસુલાતમાં હાલ નવ કર્મચારી છે. જોકે, વસુલાતની કામગીરી પિક અપ પકડે કે અન્ય કામગીરી આવી પડે છે.
- અર્જુન સાવંત
વેરા અધિકારી, વાપી પાલિકા