• Gujarati News
  • Two And A Half Years Of Marriage, The Girl Attempted Suicide Twice

લગ્નના અઢી વર્ષમાં પરિણીતાએ બે વાર આપઘાતનો પ્રયાસ કર્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડમાં પરિણીતાને ખેંચ આવતા અત્યાચાર ગુજારતા સાસરિયાઓ
પતિ દારૂ વેચવાની સાથે પ્રોપર્ટી લે વેચનો પણ ધંધો કરતો આવ્યો છે


વલસાડના મોગરાવાડી ખાતે રહેતી યુવતીએ લગ્નના અઢી વર્ષમાં બે વાર સાસરિયાઓના શારિરીક માનસિક ત્રાસથી કંટાળી જઈ આપઘાતનો પ્રયાસ કરતા મંગળવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં પોલીસ પૂછપરછમાં પરિણીતાએ તમામ હકીકત જણાવી દેતા પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ સાસરિયાઓ સામે ગુનો દાખલ કર્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, વલસાડના મોગરાવાડી ખાતે હીરા કંપનીની બાજુમાં રહેતી નજમુનીશાના લગ્ન તા.૧૮ નવેમ્બર ૨૦૧૧ ના રોજ પ્રોપર્ટી લે-વેચ અને દારૂનો ધંધો કરતા મહમંદ શાહીન મહમંદ રફીક છીબા સાથે સમાજના રિત રિવાજ મુજબ થયા હતા.

લગ્નના ત્રણેક માસ બાદ નજમુનીશાને ખેંચ આવતા પતિ શાહીન, સાસુ બિસ્મીલ્લા, સસરા મહમંદ રફીક, નણંદ રઝીયા અને યાસમીન તેમજ નણંદોઈ ઝુનેદ અને અલી શારિરીક માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપતા હતા. ત્રણેક માસ અગાઉ જયારે પતિ શાહીન બહારગામ ગયો હતો ત્યારે સાસુએ ડાબા હાથ પર ડામ મુકયો હતો. બાદમાં પતિ શાહીન ઘરે આવતા તેણે પણ નજમુનીશાને મારઝુડ કરવાનું ચાલી કરી ગર્ભ પડાવી નાંખવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ સાસરિયાઓ સફળ ન રહેતા નજમુનીશા હાલમાં એક વર્ષનો પુત્ર ઝયાનની માતા છે. પુત્ર ઝયાન ઘરમાં મસ્તી કરતો હોય તો પણ સાસુ નજમુનીશાને ત્રાસ આપી પુત્રને તેના પિયર મુકી આવવા માટે જણાવતી હતી.

જેથી પુત્ર ઝયાનને પિયર પણ મુકી આવી હતી. બાદમાં તા.૨૪ એપ્રિલના રોજ નજમુનીશાને ઘરમાંથી કાઢી મુકતા તેણે ગુડ નાઈટનું પ્રવાહી ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો તે સમયે પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ પતિ શાહીને સમજાવતા પોલીસને જાણ કરી ન હતી. પરંતુ બાદમાં સાસરિયાઓના વર્તનમાં કોઈ ફેરફાર ન આવતા બીજી વાર આપઘાતનો પ્રયાસ કરી ફીનાઈલ ગટગટાવી લીધુ હતું. જેથી કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરતા પોલીસ તપાસમાં સમગ્ર હકીકત બહાર આવતા પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ સાત સાસરિયાઓ સામે ગુનો દાખલ કર્યો છે.