ગોપાલકના એમડીએ ભાડા પેટે મેળવેલી જમીન વેચી મારવાનો કારસો રચ્યો હતો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાંસદા ખાતે ૨૦ વર્ષના પટે મેળવેલી જમીન વેચી મારવામાં ફાવટ આવી ન હતી
જમીન આદિવાસીના નામે નીકળતા વેચી શકયો ન હતો


ગોપાલક ડેરીના એમડી જયસુખ અધેરાએ રોકાણકારો અને પોતાના સ્ટાફ તેમજ મેમ્બરો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરી રાતો રાત ગાયબ થઈ જતા સિટી પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો. એમડી જયસુખે લોકોના કરોડો રૂપિયા તો ચાઉં કર્યા જ પરંતુ જે વાંસદાના વાસકૂઈ ખાતે જે તબેલો રાખ્યો હતો તે પણ વેચી મારી રોકડા કરી લેવાની પેરવી રચી પરંતુ આ જમીન આદિવાસીના નામે હોવાથી જયસુખનો પેંતરો ચાલ્યો ન હતો. ગોપાલક ડેરીના એમડી જયસુખ અધેરાએ લોકોને રાતો રાત લખપતિ અને કરોડપતિ બનાવી દેવાના દીવા સ્વપ્નો બતાવી મોટા ઉપાડે રોકાણ કરાવ્યું હતું.

બાદમાં મસમોટી રકમ એકત્ર થઈ જતા વલસાડમાંથી રૂા.૧૩ કરોડની રકમ સાથે ગુજરાતભરમાંથી કરોડો રૂપિયાની મસમોટી રકમનું ફૂલેકું ફેરવી પલાયન થઈ ગયો હતો. જેનો આજદીન સુધી કોઈ પત્તો લાગ્યો નથી.
જેથી ઠગાઈનો ભોગ બનેલા વલસાડના ગોવિંદભાઈ લીંબાભાઈ ટંડેલ (રહે.૪૦૧, રાજરત્ન એપાર્ટમેન્ટ, શ્રોફ ચાલની પાછળ, વલસાડ) એ સિટી પોલીસ મથકે જયસુખ મોહનભાઈ અધેરા વિરૂધ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.
જયસુખ ફરાર થયા બાદ પણ તેની ઠગાઈનો બોગ બનેલા અનેક લોકો સામે આવીને પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવા તૈયાર થતા નથી. કારણ કે તમામ લોકોને એવી આશા છે કે અમને અમારા નાણા મળી જશે.

જયસુખે પોતાના ભેજાની ઉપજ વડે આખું કૌભાંડ કરી ફરાર થવાની પેરવી રચી હતી. જેમાં વાંસદાના વાસકૂઈ ખાતે ભેંસના તબેલા અને ડેરીની પ્રોડકટસ માટે ૨૦ વર્ષના ભાડાપટે લીધી જમીન પણ વેચી મારવાનો ઈરાદો ધરાવ્યો હતો. જો કે બાદમાં આ જમીનનો માલિક આદિવાસી હોવાનું જણાતા જયસુખ જમીન વેચી શકયો ન હતો. નહીતર રોકાણકારો, સ્ટાફ અને ર્બોડ ઓફ મેમ્બરોની સાથે ઠગાઈ કર્યા બાદ જયસુખે જમીન વેચીને પણ રોકડી કરી લેવાનો મનસુબો બનાવ્યો હતો. જેમાં કેટલાક ઠેકાણે તેને ફાવટ આવી હતી પરંતુ વાંસદા ખાતેની જમીન આદિવાસીના નામે હોવાથી તેને ફાવટ આવી ન હતી. હાલમાં પોલીસ ચૂંટણીના બંદોબસ્તમાં વ્યસ્ત હોવાથી તેઓ પણ આ કેસની તપાસમાં ઉંડે સુધી ઉતર્યા નથી.