તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડોલરના ભાવ વધતા નિકાસકારો ઓર્ડર લેવા તલપાપડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં અધધ રીતે વધી રહેલા ડોલરના ભાવ સાથે નિકાસકારોને મોટો ફાયદો થઇ રહ્યો છે. જે નિકાસકાર ઉદ્યોગોએ મે મહિનામાં જ પોતાનો આયાતી કાચો માલ છોડાવી દીધો હતો તેઓને હાલ બખ્ખાં થઇ રહ્યા છે. આ ઉપરાંત અન્ય નિકાસકારોને પણ હાલ મોટો ફાયદો હોય તેઓ ડોલરના વધી રહેલા ભાવનો ફાયદો ઉઠાવવા વિદેશના ઓર્ડર લેવા તલપાપડ બની રહ્યા છે. તેઓ હાલ મહત્તમ ઓર્ડર મેળવી મોટું ટર્નઓવર કરવા મથી રહ્યા છે.

ડોલર રૂ. ૬૦ ની સપાટી પાર કરતાં વાપીના નિકાસકારોમાં અનોખો ઉત્સાહ દેખાઇ રહ્યો છે. જેમાં ખાસ કરીને સ્વદેશી કાચામાલથી તૈયાર થયેલી પ્રોડકટની નિકાસ કરનારાઓ માટે હાલ સોનેરી તક ઉભી થઇ છે. ડોલરનો ભાવ વધતાં વિદેશી ગ્રાહકોને પણ ભારતના માલની ખરીદી સસ્તી પડી રહી છે. તો બીજી તરફ ભારતના ઉદ્યોગોને તેમના માલની સારી કિંમત મળી રહી છે. ડોલરના વધી રહેલા ભાવનો ફાયદો બંને પક્ષ ઉઠાવે તો તેમનો વેપારમાં બંનેને ફાયદો થઇ રહે છે. ડોલર સામે રૂપિયો તૂટી રહ્યો છે. જ્યારે અન્ય દેશનું ચલણ સ્થિર છે. ત્યારે ચાઇના સામે ભારતની કંપનીઓ આંતર રાષ્ટ્રીય સ્તરે ટકી રહી છે. વધી રહેલા ડોલરનો ફાયદો લેવામાં વાપીના કેમિકલ અને ફાર્મા ઉદ્યોગ હાલ વધુ તલપાપડ બન્યા છે. જોકે, તેની સામે કાચા માલની આયાત કરી તૈયાર માલ સ્વદેશમાં વેચનારા યુનિટોની હાલત કફોડી બની છે. હાલ માત્ર નિકાસકારોની જ હાલત સુધારા પર છે.