આજે ચૂંટણીના પડઘમ શાંત થશે,પ્રચારનો અંતિમ દિવસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાજપ અને કોંગ્રેસે છેલ્લી ઘડી સુધી ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવ્યું

વલસાડ લોકસભાની બેઠક પર ૩૦ એપ્રિલે ચૂંટણી હોવાથી સોમવારે સાંજે ચૂંટણી પડઘમ શાંત થશે. સોમવારે સવારથી સાંજ સુધી ભાજપ અને કોંગ્રસેના ઉમેદવારો અને કાર્યકરો ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવશે. બીજી તરફ ચૂંટણી વિભાગ દ્વારા રવિવારે નોડલ ઓફિસરની બેઠકની સાથે ચૂંટણીને તૈયારીને આખરી ઓપ આપ્યો હતો. ૧૬મી લોકસભાની ચૂંટણી માટે સાતમાં તબકકાનું મતદાન ૩૦ એપ્રિલે વલસાડ-ડાંગ અને સંઘપ્રદેશની બંને બેઠકો પર યોજાશે. જેને લઇ રવિવારે રજા હોવાથી ઉમેદવારોએ દિવસભર પર ઝંઝાવટો ચૂંટણી પ્રચાર કર્યો હતો.

ડોર ટૂ ડોર પ્રચાર અને ઠેર-ઠેર બેઠકો યોજી હતી. ભાજપ અને કોંગ્રેસના સંગઠનોએ પણ છેલ્લી ઘડી સુધી ચૂંટણી પ્રચાર વેગંવતો રાખ્યો હતો. સોમવારે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ હોવાથી ઉમેદવારો અને કાર્યકરો છેલ્લી ઘડી સુધી મતદાતાઓને રિઝવવાનો પ્રયાસ કરશે. સોમવારે સાંજે પ કલાકે ચૂંટણી પડઘમ શાંત થઇ જશે. બીજી તરફ જિલ્લા ચૂંટણી વિભાગે પણ ચૂંટણીલક્ષી કામગીરીને આખરી ઓપ આપ્યો હતો. રવિવારે ચૂંટણી અધિકારીએ નોડલ ઓફિસરો સાથે બેઠક યોજી ચૂંટણીલક્ષી તમામ કામગીરીને અંતિમ સ્વરૂપ આપ્યું હતું.

પારડીમાં ભાજપની બાઇક રેલી
રવિવારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા દિવસભર ચૂંટણી પ્રચાર કરાવ્યો હતો, રવિવારે સવારે પારડી ચીવલ રોડ પર ભાજપ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના યુવા કાર્યકરો જોડાયા હતા. બાઇક રેલીમાં વલસાડ લોકસભાના ઉમેદવાર ડો.કે.સી. પટેલ,વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઇ દેસાઇ,ધર્મેશ મોદી સહિ‌ત ભાજપના નેતાઓ હાજર રહયા હતા.

મતદાતાઓને રિઝવવાના તમામ પ્રયાસો જારી
વલસાડ-ડાંગ,દમણ-દીવ અને દાનહની બેઠક પર મતદાતાઓને રિઝવવા બંને રાજકીય પાર્ટી દ્વારા તમામ પ્રયાસો છેલ્લી ઘડી સુધી કરવામાં આવી રહયા છે. સોમવાર અને મંગળવારે એમ બંને દિવસે સંગઠનના હોદ્ેદારો અને કાર્યકરો તમામ રણનીતિ તૈયાર કરશે.