તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડ આરટીઓ કચેરીમાં અડધોઅડધ સ્ટાફની ઘટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વર્ષોથી ખાલી જગ્યા ન ભરાતા હાજર કર્મચારીઓ ઉપર કામગીરીનું ભારણ વધ્યું
- સ્ટાફની ઘટ પૂરવા માટે અધિકારીઓ દ્વારા વારંવાર ગાંધીનગર દરખાસ્ત કરાઈ


વલસાડ આરટીઓ કચેરી અને ભીલાડ ચેક પોસ્ટ ઉપર સ્ટાફની ઘટને પગલે કામગીરી પર અસર પહોંચી રહી છે. આ મામલે અધિકારીઓ દ્વારા વારંવાર ખાલી જગ્યા ભરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. પરંતુ ખાલી જગ્યાઓ ન ભરાતા કર્મચારીઓમાં કામગીરીના ભારણને પગલે અસંતોષ ફેલાયો છે.

વલસાડ જિલ્લા આરટીઓ કચેરીમાં સ્ટાફની ઘટને પગલે વર્ષોથી કામગીરી ખોરંભાતી આવી છે. જિલ્લામાં દિનપ્રતિદિન વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાથી કામગીરીનું પ્રમાણ પણ વધી રહ્યુ છે. પરંતુ સ્ટાફની અડધોઅડધ ઘટ હોવાથી હાજર કર્મચારીઓ ઉપર કામના ભારણને પગલે અસંતોષ ફેલાયો છે. છેલ્લા બે દાયકા ઉપરાંતથી સ્ટાફની ભરતી ન થઈ નથી.

બીજી તરફ હાજર કર્મચારીઓમાં પણ વય મર્યાદાના કારણે કર્મચારીઓ નિવૃત્ત થતા કોઈક ને કોઈક જગ્યાઓ ખાલી પડી રહી છે. જે કયારેય ભરાતી નથી. જે અધિકારી કે કર્મચારી નિવૃત્ત થાય એટલે તેમના ટેબલની કામગીરી અન્ય કર્મચારીઓના શિરે આવી પડતી હોવાથી કર્મચારીઓમાં રોષ ફેલાઈ રહ્યો છે. જેથી સ્ટાફની ઘટ પૂરવા માટે આરટીઓ અધિકારી વી.પી.પટેલ દ્વારા વખતોવખત ગાંધીનગર દરખાસ્ત કરવામાં આવી હતી. પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતા આરટીઓની કામગીરીને અસર પહોંચી રહી છે.

- એક ઈન્સ્પેકટરના શિરે કારભાર

વલસાડ આરટીઓ કચેરીમાં માત્ર બે જ ઈન્સ્પેકટરો ફરજ બજાવતા હતા. જે પૈકી ઈન્સ્પેકટર કે.એમ.પરમાર ૩૦ જૂનના વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા હાલ જિલ્લામાં એક માત્ર ઈન્સ્પેકટર તરીકે કેતન વ્યાસ ફરજ બજાવી રહ્યા છે. જ્યારે વાહનોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ત્યારે માત્ર એક ઈન્સ્પેટરથી ગાડુ ગબડાવાઈ રહ્યું છે.

- પટાવાળાને નાઈટ વોચમેનની ડયૂટી સોંપાઈ છે


વલસાડ આરટીઓ કચેરીની રાત્રિ દરમિયાન દેખરેખ રાખતા સિકયુરિટી ગાર્ડ નિવૃત્ત થતા તેમની ખાલી જગ્યા હજુ સુધી ભરાઈ નથી. જેથી હાલમાં બે પટાવાળાઓને વારા ફરતી રાત્રિ દરમિયાન વોચમેનની કામગીરી સોંપવામાં આવી રહી છે. વોચમેનની કાયમી નિમણૂંક કરવા માટે આરટીઓ અધિકારી વી.પી. પટેલ દ્વારા દરખાસ્ત કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ નિમણૂંક થઈ નથી.

- સીધી વાત
વી.પી.પટેલ
આરટીઓ અધિકારી, વલસાડ

- આ મામલે વારંવાર દરખાસ્ત કરી છે
સ્ટાફની ઘટ પૂરવા શું પગલાં લીધા છે?
આ મામલે વારંવાર દરખાસ્ત કરવામાં આવી છે.
હાલમાં કોઈ સ્ટાફની ભરતી કરી છે?
હાલ જિલ્લામાં નવ આસિસ્ટન્ટ ઈન્સ્પેકટરો આપવામાં આવ્યા છે.
નવા આસિસ્ટન્ટો શું કામગીરી કરે છે?
હાલ તમામને તાલીમ અપાઈ રહી છે.
નવા આસિ. ઈન્પેકટરો કયાં મુકાશે?
છ ભીલાડ ચેકપોસ્ટ પર, બે વલસાડ કચેરીમાં અને એક વઘઈમાં મુકાશે.