• Gujarati News
  • Shivratri Festival Expenses Via Break The 10 Million Deposit

શિવરાત્રી મહોત્સવના ખર્ચા માટે વીઆઇએએ ૧૦ લાખની ડિપોઝીટ તોડી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શિવરાત્રી મહોત્સવના ખર્ચા માટે વીઆઇએએ ૧૦ લાખની ડિપોઝીટ તોડી, વધુ ભેરવાયા
વીઆઇએના અનેક પ્રોજેક્ટ બાકી, તેમ છતાં તેની ડિપોઝીટ તોડી


વાપી વીઆઇએ દ્વારા યોજાયેલા શિવરાત્રી મહોત્સવમાં થયેલા ખર્ચના પ્રમાણમાં દાન ન મળતાં આ ખર્ચની ચૂકવણી મુશ્કેલ બની ગઇ હતી. શિવરાત્રીના મસમોટા આયોજનના ખર્ચને લઇ વીઆઇએના સભ્યોમાં અંદરોઅંદર અનેક ચર્ચાઓ ચાલી હતી. તેમજ છૂપો વિરોધ ઉભો થયો હતો. આ સમયે વીઆઇએની ડિપોઝીટ તોડવાની વાત થઇ હતી. જોકે, વીઆઇએ પ્રમુખે ડિપોઝીટ તોડવી નહીં પડે એવી હૈૈયાધરપત આપી હતી, પરંતુ થોડા સમય અગાઉ જ ખર્ચાની ચૂકવણી માટે તેમના દ્વારા વીઆઇએની અંદાજીત રૂ. ૧૦ લાખથી વધુની ડિપોઝીટ તોડવી પડી હતી. જેને લઇ અનેકવિધ ચર્ચા હાલ ઔદ્યોગિક વતૃળમાં ઉઠી રહી છે.

વીઆઇએ દ્વારા વાપીમાં શિવરાત્રી નિમિત્તે રૂદ્રાક્ષના શિવલીંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સમગ્ર કાર્યક્રમ વીઆઇએના ખર્ચે નહીં, પરંતુ અન્ય ખર્ચ સાથે કરવાનું આયોજન કરાયું હતુ. જેમાં વીઆઇએના બેંક એકાઉન્ટમાં અન્ય મથાળા હેઠળ આ કાર્યક્રમના ખર્ચ માટેનું દાન સ્વીકારાતું હતુ. આ કાર્યક્રમ પુરો થતાં તેનો ખર્ચ અંદાજીત રૂ. ૬૦ લાખ પર પહોંચી ગયો હતો. જ્યારે વીઆઇએને આ કાર્યક્રમ માટે માત્ર રૂ. ૨૦ થી ૩૦ લાખનું જ દાન મળ્યું હોવાનું જાણવા મળ્યું હતુ.

આ કાર્યક્રમના અડધાથી વધુ રૂપિયા આપવાના બાકી રહેતા હતા. ત્યારે બાકી ખર્ચ કાઢવાની વાતને લઇ અનેક ચર્ચા ચાલતી હતી. એ માટે વીઆઇએની ડિપોઝીટ તોડવાનો વિરોધ પણ થયો હતો. જોકે, ત્યારે વીઆઇએ પ્રમુખ શરદ ઠાકરે વીઆઇએની ડિપોઝીટ તોડવી ન પડે એવું જણાવ્યું હતુ. જોકે, સમય જતાં દાનનો પ્રવાહ ધીમો પડતાં આખરે વીઆઇએ એ પોતાની ફિક્સ ડિપોઝીટ તોડવી પડી હતી. જેને લઇ સભ્યોમાં અનેકવિધ ચર્ચા ચાલી હતી.

ગત માસ દરમિયાન યોજાયેલી ઇસીની બેઠકમાં આ ડિપોઝીટ તોડી હોવાની જાહેરાત થઇ હતી. જેની વ્યાપક ચર્ચા અને નીતિરીતિની પણ ભારે ચર્ચા ઔદ્યોગિક આલમમાં ચાલી રહી છે. ઉદ્યોગને લગતા કાર્યને બદલે વીઆઇએએ પોતાના પૈસા ધાર્મિ‌ક કાર્યક્રમમાં ખર્ચવાની વાત પણ ઔદ્યોગિક આલમમાં ચાલી રહી છે. જોકે, હવે ખર્ચ થયા પછી અને ફિક્સ ડિપોઝીટ તોડયા પછી કોઇ સભ્ય માટે કંઇ બોલવાનું બાકી જ રહ્યું ન હતુ.

વીઆઇએના આટલા પ્રોજેક્ટ બાકી
સીસી ટીવી કેમેરા
સ્મશાન ભૂમિ
કન્વેન્શન સેન્ટર
મિની ઇમરજન્સી સેન્ટર

પહેલાં તોડવી પડી હતી, હવે નહીં
શિવરાત્રીની ઉજવણી બાદ ચૂકવવાનો થતો ખર્ચ માર્ચ માસના અંતના કારણે તરત ચૂકવવો પડે એવી પરિસ્થિતિ હોય, એક વખત ડિપોઝીટ તોડવી પડી હતી. જોકે, ત્યારબાદ હવે કોઇ ડિપોઝીટ તોડી નથી.
શરદ ઠાકર, પ્રમુખ, વીઆઇએ