રેતીખનન કૌભાંડમાં એમપીના તબીબ અને વિમા એજન્ટનું નામ ખુલ્યું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અન્ય આરોપીના રિમાન્ડ દરમિયાન નામ બહાર આવ્યા
બોગસ પાસ પરમીટ સરકારી પ્રેસમાં બનાવી હોવાની શંકા
રેતી ખનનનાં આંતરરાજ્ય કૌભાંડમાં વલસાડ સીઆઈડી ક્રાઈમને સરકારી બોગસ પાસ પરમીટ બનાવી આપવાના કૌભાંડમાં એમપીના એક તબીબ અને એલઆઈસી એજન્ટનુ નામ મળ્યુ છે. જેના આધારે સીઆઈડીએ એમપીમાં રેડ પાડી હતી.
મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી રેતીખનનનો ગેરકાયદે વેપલોમાં પારડી અને ગુંદલાવ હાઇવે પરથી ગત માસ દરમિયાન ખાણ ખનીજ વિભાગે રેતી ભરેલાં કન્ટેનરો ઝડપી પાડતાં રેતી સપ્લાયનાં આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ થયો હતો. આ અંગેની તપાસ વલસાડ સીઆઇડી ક્રાઇમને સોંપાતાં પીઆઇ આર.જે. વાળાએ તપાસ હાથ ધરી એમપીનાં આરોપી કિશનસિંગ જુવાનસિંગ મંદરોઇ રહે. અલીરાજપુરના ચાર દિવસનાં રિમાન્ડ મેળવ્યાં હતાં. આ દરમિયાન તેની પૂછપરછમાં અન્ય આરોપી તરીકે સુરતનાં રેતી સપ્લાયર ધર્મેશ ગોયાણીનુ નામ ખુલતા તેની પૂછપરછમાં એમપીનાં રમેશ કુન્સી તુરવેનું નામ બહાર આવ્યુ હતું.
જેની પૂછપરછમાં અન્ય વ્યક્તિ હિ‌રાલાલ ભગવાનજી દેવડા રહે. મનાવર સિટી, અલીરાજપૂર એમપી અને ડો. અનિમેષ વિશ્વાસ રહે. વાલપુર, એમપીનું નામ ખુલ્યું છે. જે અંગે પીઆઈ આર.જે.વાળાએ જણાવ્યુ કે, આ બંને આરોપીઓની શોધખોળ માટે એમપીમાં રેડ પાડી પરંતુ બંનની ધરપકડ થઈ શકી ન હતી. આરોપી હિ‌રાલાલ એલઆઈસી એજન્ટ હોવાની સાથે મોટા ગજાનો ખેડૂત હોવાનુ પણ જાણવા મળ્યુ હતું. આરોપીઓએ બનાવેલી બોગસ પાસ પરમીટ સરકારી પાસ પરમીટની જેમ આબેહૂબ મળી આવતી હોવાથી કોઈક સરકારી પ્રેસમાં બનાવી હોવાની શંકા સેવાઈ રહી છે.
ડો. અનિમેષ એક સાથે અનેક ધંધા કરતો હતો
ભાગેડુ આરોપી ડો.અનિમેષ વિશ્વાસે પ્રેમ લગ્ન કર્યા હોવાનુ સીઆઈડીની રેડમાં જાણવા મળ્યું હતું તેમજ એક દુકાનમાં ડોકટર, ફોટોગ્રાફર, ઝેરોક્ષ મશીન અને મેડીકલ સ્ર્ટોસનો ધંધો એક સાથે ચલાવતો હોવાનુ જણાયુ હતું. થોડા દિવસો અગાઉ જ અનિમેષ કલકત્તા ફરાર થઈ ગયો હોવાનુ જાણવા મળે છે.
બોગસ પાસ પરમીટની બુક દોઢ લાખમાં વેચતા હતા
અગાઉ સીઆઈડીની પૂછપરછમાં આરોપી કિશનસિંગ મંદરોઈએ જણાવ્યું હતું કે, બોગસ પાસપરમીટની બુક આ બંને શખસો છાપીને પહેલા ૩૦ હજારમાં વેચતા હતા પરંતુ બાદમાં ડીમાન્ડ વધી જતા બોગસ પાસપરમીટની બુક કોઈક પ્રેસમાં છાપી રૂપિયા દોઢ લાખમાં વેચતા હતા.