• Gujarati News
  • RPF Action Against 321 People At Valsad Railway Station

વલસાડઃ૩૨૧ શખસો સામે દંડનીય કાર્યવાહી કરી રૂ. ૩૧૦૦૦નો દંડ ફટકારતી આરપીએફ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

૩૨૧ શખસો સામે દંડનીય કાર્યવાહી કરી રૂ. ૩૧૦૦૦નો દંડ ફટકારતી આરપીએફ

વલસાડઃ રેલવે સ્ટેશન ઉપર ટ્રેનોમાં વધી રહેલી ગંદકી, ગેરકાયદે ફેરિયાઓનું આક્રમણ, સ્ટેશન નજીકની હોટલો દ્વારા ગંદકી અને આ સિવાય રેલવે એક્ટનું ઉલ્લંઘન કરનારાઓ સામે વલસાડ આરપીએફે લાલ અાંખ કરી હતી. આરપીએફએ ૩૨૧ શખ્સો રેલવે એક્ટની વિવિધ કલમો મુજબ કાર્યવાહી કરી રૂ. ૩૧,૦૦૦નો દંડ ફટકારતા રેલવે સંપત્તિને નુકશાન કરનાર તત્વોમાં ફફડાટ પેસી ગયો છે.
રેલવે સ્ટેશનો ઉપર સ્વચ્છતા જાળવવા માટે રેલવે બોર્ડ દ્વારા આદેશ કરવામાં આવતા વલસાડ રેલવે પ્રોટેકશન ફોર્સ દ્વારા વિવિધ ટ્રેનો તેમજ સ્ટેશન ઉપર ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓ સામે કડકાઈપૂર્વક પગલા ભર્યા છે. ખાસ કરીને વલસાડ રેલવે સ્ટેશન ઉપર ગેરકાયદે ફેરિયાઓનું અતિક્રમણ વધી જતા ફેરીયાઓ અધિકારીઓથી માંડીને રેલવે યાત્રીઓ માટે પણ મુશ્કેલીરૂપ બન્યા છે. જેથી ફેરિયાઓ સામે પગલા ભરવા માટે આરપીએફ પીઆઈ યાસીન મલીકે ઝુંબેશ આદરી ૧૪૮ ફેરિયાઓને કસ્ટડી ભેગા કરી તેઓને સુરત રેલવે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટમાં આ તમામ વેન્ડરો રૂ. ૧૬૯૫૦ નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ સિવાય સ્ટેશન પાસે ગંદકી ફેલાવનારા ૨૫ જેટલા સ્ટોલ તેમજ હોટલ સંચાલકો સામે પણ એક્શન લઈ તેઓને નોટીસ ફટકારી રૂ. ૩,૨૫૦ નો દંડ વસૂલ્યો છે. આ સાથે તમામને ચેતવણી આપી ફરી ગંદકી કરતા પકડાશે તો કડક પગલા ભરવાની ચીમકી આપી હતી.
ટ્રેનમાં અનેક વખત ચેન પુલિંગ કરી પેસેન્જરોને પરેશાન કરી રેલવેને બાનમાં લેવાનો પ્રયાસ કરનાર ૮ પાસ હોલ્ડરોને ચેન પુલિંગના કેસમાં ઝડપી પાડી રૂ. ૧૦૦૦ નો દંડ ફટકાર્યો હતો. આ સિવાય લાઈનક્રોસ કરનાર ૪૩ લોકોની અટકાયત કરી તેઓને રૂ. ૨૫૦૦નો દંડ ફટકાર્યો હતો. જ્યારે વિંકલાગોના કોચમાં મુસાફરી કરનાર ૧૨ પેસેન્જરોને પકડી રૂ. ૧૨૦૦ નો દંડ વસૂલ્યો છે. વિવિધ ટ્રેનોમાં લટકીને પોતાના જીવને પણ જોખમમાં મુકનાર ૩૩ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી રૂ. ૩૩૦૦ નો દંડ અને નો પાર્કિગમાં વાહન પાર્કિગ કરનાર ૫૨ વાહન ચાલકોને રૂ. ૨૮૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આરપીએફ દ્વારા હાથ ધરાયેલી આ કામગીરીને પગલે રેલવેને નુકશાન કરી નિયમોનું પણ ઉલ્લંઘન કરનારાઓમાં ફફડાટ પેસી ગયો છે.
સ્ટેશન પર સ્વચ્છતા જાળવવી એ મુસાફરોની પણ ફરજ : પીઆઈ

આ અંગે આરપીએફ પીઆઈ યાસીન મલીકે જણાવ્યું કે, ફરજ મુજબ આરપીએફે ગંદકી કરનાર અને નિયમોનું ઉલ્લઘંન કરનારાઓ સામે રેલવે એક્ટ મુજબ કાર્યવાહી કરી છે. પરંતુ આ સામાન્ય નિયમોનું મુસાફરો જાતે જ પાલન કરે તો તેઓએ પણ કાનુની કાર્યવાહીનો ભોગ બનવું ન પડે. રેલવે સ્ટેશન ઉપર સ્વચ્છતા જાળવવી અને રેલવેના નિયમોનું પાલન કરવું એ દરેક નાગરિકની ફરજ છે .