• Gujarati News
  • Real Estate Auto And Jwellery Market Booming On Akhatrij

રિયલ એસ્ટેટ, ઓટો અને જ્વેલરી બજારને અખાત્રીજ ફળી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અખાત્રીજમાં ફ્લેટના બુકિંગ અને વાહનોનું વેચાણ જોરમાં, જ્વેલરી બજારમાં આશા કરતાં ઓછી ઘરાકી
અખાત્રીજના શુભ મુર્હુતમાં વાપીના વિવિધ બજારમાં તેજી જોવા મળી હતી. આ શુભ મુર્હુતમાં ખાસ કરીને ઓટોમોબાઇલ ક્ષેત્રે સારી એવી ઘરાકી જોવા મળી હતી. આ સાથે રિયલ એસ્ટેટમાં પણ સારા એવા બુકીંગ થયા હોવાનું જાણવા મળ્યું છે. સોના ચાંદી માર્કેટમાં પણ સારી ઘરાકી જોવા મળી હતી. જોકે, ગત શુક્ર અને શનિવારની સરખામણીએ અખાત્રીજની ઘરાકી થોડી ઓછી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.
હિંદુ ધર્મના મહત્વના ગણાતા અખાત્રીજના દિવસે વાપીમાં કરોડો રૂપિયાનો બિઝનેશ થયો હોવાનું જોવા મળ્યું છે. વાપીમાં ઓટોમોબાઇલ ક્ષેત્રે સારું એવું વેચાણ અખાત્રીજના મુર્હુતનું જોવા મળ્યું છે. જેમાં નાની કારથી લઇ એસયુવી અને મોટી લક્ઝુરિયસ કારનું સારું એવું વેચાણ થયું હતુ.
જ્વેલરી માર્કેટમાં સોનાના ઘટેલા ભાવનો લાભ લોકોએ લીધો હતો, પરંતુ અખાત્રીજના લગ્ન હોય, આ દિવસે ધારવા કરતાં ઓછી ઘરાકી જોવા મળી હતી. જોકે, આ પ્રસંગ નિમિત્તે લોકોએ શુક્ર અને શનિવારે જ ખરીદી કરી લીધી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતુ. શુક્ર અને શનિવારે બજારમાં રિયલ બાયરોએ સારી એવી ખરીદી કરી હોવાનું જણાયું હતું. તેની સરખામણીએ અખાત્રીજના મુર્હુતમાં લોકોએ ટોકન રૂપી સિક્કા અને નાના ઘરેણાની શુકનની ખરીદી કરી હતી.
રિયલ એસ્ટેમાં પણ અખાત્રીજનો દિવસ ફળ્યો હતો. વાપીમાં હાલ નવા બાંધકામના ૨પ થી વધુ પ્રોજેક્ટો ચાલી રહ્યા છે. આ તમામ પ્રોજેક્ટમાં અખાત્રીજના મુર્હુતનું બુકીંગ થયું હોવાનું જોવા મળ્યું હતુ. ખાસ કરીને વાપીની આજુબાજુના વિસ્તારોના પ્રોજેક્ટમાં સારો એવો બુકીંગનો આંક જણાયો હતો. નાના અને મધ્યમ કક્ષાના ફ્લેટમાં લોકોએ આ તહેવારનો લાભ લઇ બુકીંગ કરાવ્યું હતુ. હાલ રિયલ એસ્ટેટનું માર્કેટ પણ ખુલી રહ્યું હોવાનું બિલ્ડરોએ જણાવ્યું હતુ. મુંબઇના ઇન્વેસ્ટરો પણ વાપી તરફ આકર્ષાયા હોવાનું હાલ જોવા મળી રહ્યું છે.
બજારમાં રિયલ બાયરોની ખરીદી વધુ
સોનાના ઘટેલા ભાવમાં રોકાણકારો કરતાં રિયલ બાયરો વધુ જોવા મળી રહ્યા છે. ગ્રાહકો ગુરુ પુષ્ય નક્ષત્ર કે અખાત્રીજના દિવસે શુકનની ખરીદી કરી રહ્યા છે. ભારતીય બજારમાં સોનાનું મહત્વ અકબંધ રહ્યું હોવાનું તહેવારોની ઘરાકીથી દેખાઇ રહ્યું છે.
રમેશભાઇ જૈન, જ્વેલર્સ, વાપી.
વાપીની આજુબાજુનો વિસ્તાર વિકસી રહ્યો છે
વાપીમાં રિયલ એસ્ટેટ માર્કેટમાં ડિમાન્ડને લઇ આજુ-બાજુનો વિસ્તારમાં વિકાસની હરણફાળ ભરાઇ છે. વાપીના સ્થાનિક ઉપરાંત મુંબઇના ઇન્વેસ્ટરો પણ વાપી પર ઉપર નજર રાખી બેઠા છે. અખાત્રીજ ના દિવસે નહીં પરંતુ છેલ્લા થોડા દિવસથી ઇન્કવાઇરી વધી છે.
જયેશ ચૌહાણ, બિલ્ડર, વાપી.
લો અને મિડ બજેટની કારનું વેચાણ રહ્યું
મારુતીમાં લો એન્ડ મિડ બજેટની કારનું વેચાણ સારું રહ્યું હતું. જેમાં અલ્ટો, વેગનારનું સારૂં વેચાણ રહ્યું હતું. તો અર્ટીગોનું પણ બુકીંગ થયું હતુ.
પ્રહલાદ ચૌધરી, મેનેજર, કટારિયા ઓટોમોબાઇલ, વાપી.
સ્મોલ સેગમેન્ટની કારનું વેચાણ વધુ
અખાત્રીજના મુહૂર્તમાં ખાસ કરીને સ્મોલ સેગમેન્ટની વિવિધ કારનું સારું એવું વેચાણ થયું હતુ. આ વર્ષે માર્કેટની સરખામણીએ આ દિવસે સારી ઘરાકી જોવા મળી હતી. બિગ સેગમેન્ટની કારમાં નવી લોન્ચ થયેલી એન્જોયની ઇન્કવાઇરી સારી રહી હતી. જોકે, લક્ઝુરિયસ કારની સરખામણીમાં સ્મોલ કારનું માર્કેટ સારું રહ્યું હતુ.
નિરવ મિસ્ત્રી, મેનેજર, દેસાઇ ઓટોમોબાઇલ, વાપી.